અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્યના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઉપરાછાપરી બની રહેલી હત્યાની ઘટનાઓને પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. તાજેતરમાં જ ધોળકામાં થયેલી હત્યા બાદ, હવે વિરમગામમાં સગા લોહીએ જ સંબંધોને કલંકિત કરતી સનસનાટીપૂર્ણ હત્યાને અંજામ આપ્યો હતો. વિરમગામની વ્રજ વિહાર સોસાયટીમાં રહેતા અને જ્વેલર્સની દુકાન ધરાવતા સોની વેપારી દીપકભાઇ રાધનપુરાની તેમની જ પત્ની અને પુત્રએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી, અને સમગ્ર મામલાને અકસ્માતનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં આ મામલો હત્યાનો હોવાનું ખૂલતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી માતા-પુત્રની ધરપકડ કરી હતી.
કેવી રીતે થયો પર્દાફાશ
ગત તારીખ 6 ના રોજ પોલીસને એવી જાણ કરવામાં આવી હતી કે, દીપકભાઇ ઘરમાં સીડી પરથી પડી જતાં ઈજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. વિરમગામ ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ત્યારે દીપકભાઇના શરીર પર સીડી પરથી પડવા સિવાયની શંકાસ્પદ ઈજાઓના નિશાન મળી આવ્યા હતા. પોલીસને શંકા જતાં લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેમાં ટૂંપો આપ્યો હોવાના કે હથિયારના ઘા હોવાના કારણે મોત થયું હોવાનું અને આ એક આયોજિત હત્યા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે જ્યારે કડકાઈથી મૃતકની પત્ની દિવ્યાનીબેન અને પુત્ર ઉદયની પૂછપરછ કરી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મૃતક દીપકભાઇ તેમના પુત્ર ઉદયને ધંધામાં ધ્યાન આપવા અને દુકાને બેસવા બાબતે અવારનવાર ઠપકો આપતા હતા, જેના કારણે ઘરમાં લાંબા સમયથી કંકાસ ચાલતો હતો. આરોપી પુત્ર ઉદયની સગાઈ નક્કી થઈ ચૂકી હતી. ઉદય તેની મંગેતરને મોંઘો મોબાઈલ ફોન અપાવવા માંગતો હતો, જેની સામે પિતાએ વિરોધ કર્યો હતો.
ઘટનાના દિવસે પિતા-પુત્ર વચ્ચે આ જ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં માતા દિવ્યાનીએ પુત્રનું ઉપરાણું લીધું હતું અને બંનેએ ભેગા મળી દીપકભાઇ પર લાકડાના ધોકા વડે હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. પિતાની હત્યા કર્યા બાદ ગભરાઈ ગયેલા માતા-પુત્રએ પુરાવાનો નાશ કરવા અને બચવા માટે પિતા સીડી પરથી પડી ગયા હોવાની ખોટી વાર્તા ઘડી કાઢી હતી. હાલ વિરમગામ ટાઉન પોલીસે આરોપી માતા દિવ્યાની અને પુત્ર ઉદય સામે હત્યાનો ગુનો નોંધીને તેમની વિધિવત ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.