Sun Jun 28 2026

Logo

ટૅક વ્યૂહ: એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર પણ રમી શકાશે મસ્ત ગેમ્સ

2026-06-28 09:54:00
Author: Viral Rathod
Article Image

 

 



 

નાની સ્ક્રીન ઉપર પણ થિયેટર જેવી મોજ પડશે

 

- વિરલ રાઠોડ

 

નાનપણમાં સેલથી ચાલતી અને ચોક્કસ પ્રકારના મ્યુઝિકથી શરૂ થતી, હાથમાં એ ડિવાઈસ પકડીને રમાતી ગેમ્સ બ્લોક ક્રેકર્સ તો દરેકે રમી હશે. આ ડિવાઈસ સાથે એક આખી પેઢીની યાદ પણ જોડાયેલી હશે. આ પછી ટીવીમાં ક્નેક્ટ કરીને રમાતી અને આજની ગેમ જેવી સર્કિટ ટાઈપ, જેને ગેમ્સ કેસેટ તરીકે સૌ ઓળખતા એવી ગેમ્સ પણ દરેકે રમી હશે, જેમાં મારીયો, કોન્ટ્રા, સર્કસ, રોડ રેસ, ટેન્ક, બીસિકર્સ જેવી અનેક ગેમ્સનો સમાવેશ થતો. આ પછી સીડીનો યુગ આવ્યો જે ભલે લાંબા સમય સુધી ટક્યો નહીં, પણ કમ્પ્યુટર અને લેપટોપના આવિષ્કારે ગેમ્સની દુનિયાને પાયાથી બદલી નાખી. હવે કોઈ પણ ડિવાઈસ વગર માત્ર મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરના સહારે ગેમ્સ રમી શકાય છે. એપ્લિકેશન આધારિત ગેમ્સ તો ઢગલાબંધ છે, પણ કેટલીક એવી પણ વેબસાઈટ છે જે માત્ર નાનકડા લોગઈનથી ગેમ્સ રમવા માટેની મજા કરાવી દે છે. જાણે નાની સ્ક્રીન પર થિયેટરમાં હોય એવી ફીલ !

 

 મોબાઈલમાં ઈન્ટરનેટની સુવિધાથી ફાયદો એ થયો છે કે, વેબસાઈટ સર્ફ કરવી સરળ થઈ ગઈ છે. એમાં પણ હવે તો અઈં મોડ આવી જતા કોઈપણ વિષયનું સંક્ષિપ્ત તો સરળતાથી જાણી-વાંચી શકાય છે અને શેર પણ કરી શકાય છે. શરૂઆત કરીએ સરળ અને ઝડપથી પૂરી થઈ જતી પત્તાની ગેમ્સથી. કમ્પ્યુટરમાં તો આ ગેમ્સ દરેકે એકવાર તો રમી જ હશે. હવે આ જ ગેમ મોબાઈલ પર રમવા મળે તો? એ પણ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર? 

 

આ માટે ખોલી દો એગેમ ડોટકોમ. અહીંયા એકથી એક ચડિયાતી ગેમ્સ રમવા મળશે. આ માટે અહીંયા કોઈ લોગઈન કરવાની પણ જરૂર નથી. બબલશુટરથી લઈને કેન્ડીક્રશ સુધીની તમામ ગેમ્સ મળી રહેશે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, જે સ્કોર અહીંયા બનાવશે એ ડાયરેક્ટ સોશ્યલ મીડિયા પર શેર કરી શકશો. આનાથી ફ્રેન્ડ સર્કલ કે ફેમિલીમાં પણ ચેલેન્જ ગેમ કરી શકાય છે. અંદરોઅંદર પણ રમી શકાય એ પ્રકારનું નેટવર્ક બનાવી શકાય છે. પૂલ ક્લબ અને ક્રેઝી રેસિંગ જેવી ગેમ્સના ગ્રાફિક્સ ભલે થોડા સામાન્ય છે પણ રમવાની મજા આવશે એ નક્કી છે. 7 પાર્ટમાં ગેમ્સની વેબસાઈટ એક દિવસમાં રમીને પૂરી શકાય એમ નથી.

 

પબ્જી અને ફ્રી ફાયર જેવી ગેમ્સ રમવાનો શોખ હોય, ધુમ ધડાકા, બોંબ બ્લાસ્ટ અને ધબધબાટી બોલાવી હોય તો પહોંચો ઢ8 ડોટકોમ પર. શુટિંગ, ડ્રાઈવિંગ, ક્રેકિંગ, એડવેન્ચર, લાઈફસ્ટાઈલ, સ્પોર્ટ્સ, પઝલ, ચેસ, માઈન્ડ સ્કિલ, માઈન્ડ લોજિક, ફાઈટ એક્શન, ફન એન્ડ ક્રેઝ અને મેગાફૂટ મેચ જેવી અઢળક વેરાઈટી જોવા મળશે આ વેબસાઈટ પર. કોઈ લોગઈનની જફા નહીં અને કોઈ માથાકૂટ બીજી નહીં. જસ્ટ ક્લિક એન્ડ પ્લે. હા , આ માટે ફોનમાં થોડું ગ્રાફિક્સ ફિચર વધારે ક્ષમતા અને હાઈરિઝોલ્યુશનવાળું જોઈશે. આ વેબસાઈટ આખી ગ્રાફિક અને મ્યુઝિક બેઝ છે એટલે ગેમ્સ શરૂ થતા પહેલા જેમ ફિલ્મમાં ટાઈટલ પડે એમ ટાઈટલ પણ પડશે. હાઈસ્કોર કરશો તો ગેમબોર્ડમાં નામ પણ મૂકશે. આ નામ પાછું તે આખી દુનિયાને બતાવશે જે લોકો આ વેબસાઈટ પર આવશે. તો ફન સાથે ફેમસ થવાનો ચાન્સ અહીંયા છે. 1 લાખથી વધારે ગેમ્સના કોનસેપ્ટ અને સમજી વિચારીને સિલેક્ટ કરવી પડે એવી વિવિધતા એક જ સાઈટ પર મળી રહેશે.

 

 ગણિત સારું ફાવતું હોય, આંકડાની રમતગમત કરવી હોય અને થોડું દિમાગને હચમચાવી દેવું હોય તો કુલમેથ ડોટકોમ ખાસ ખોલજો. મુછે તાવ દેતા ગણિતના મહારથીઓને આ ગેમ્સ થકી ચેલેન્જ કરી શકો. હકીકતમાં આ એક માઈન્ડગેમ માટેની સાઈટ છે, જેમાં ગણિતના કોયડા, આંકડાના આટાપાટા, બિઝનેસની પોલિસી, ફાયદાનો વેપાર, ચેસની ચાલ,લર્ન વીથ ફન જેવી અનેક વસ્તુઓ છે. ગેમ્સ રમવાથી માઈન્ડ શાર્પ થાય આ એક મિથ છે પણ માથું ખંજવાળું પડે એવી ગેમ્સ રમવાથી લોજિકના કેટલાક અભિગમ સ્પષ્ટ થાય અને સરળ હોય છતાં ન સમજાય એવી સ્થિતિનો ઉકેલ લાવતા આવડી જાય. અહીંયા બોલપૂલ રમ્યા બાદ બીજે ક્યાંય રમવાની મજા નહીં આવે. ટેક્સ સેશન પર એકવાર ટ્રાય મારવા જેવી છે. એક કોયડો ને દિમાગની કસોટી.

 

 આ તો વેબસાઈટની વિગતવાર ચર્ચા થઈ આ સિવાય પણ કેટલીક એવી સાઈટ છે જેના પર ખુદ સર્ફિંગ કરીને, વિઝિટ કરીને ડાયરેક્ટ ગેમ શરૂ કરી શકાય છે. મોબાઈલમાં આવતી તમામ ગેમ્સ રમવા પોકીડોટકોમ, મારીયો જેવી વિસરાઈ ગયેલી ગેમ રમવા ક્રેઝીગેમ્સ, એડિક્ટિંગ ગેમ્સ, અને મિનિ ક્લિપ જેવી સાઈટ ખરેખર વેકેશન કે ટુરમાં ટાઈમપાસ માટેનો ખજાનો છે.      

                                                                                                                         

આઉટ ઓફ બોક્સ

 

‘ધ વિલેજ’ નામની કંપનીએ દુનિયામાં પહેલીવાર ગેમિંગ માટેની વેબસાઈટ લોંચ કરેલી, જેમાં માત્ર ત્રણ જ ગેમ્સ હતી.