વિકસિત ભારત ગ્રામીણ ગેરંટી એક્ટ હેઠળ હવે 100ને બદલે 125 દિવસની રોજગારી મળશે
નવી દિલ્હીઃ દેશભરમાં ૧લી જુલાઇથી 'વિકસિત ભારત-રોજગાર અને આજીવિક મિશન(ગ્રામીણ) ગેરંટી એક્ટ' લાગુ થઇ જશે. આ કાયદો બે દાયકા જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ(મનરેગા)નું સ્થાન લેશે. આ જાહેરાત કેન્દ્ર સરકારે સોમવારે રોજ કરી હતી.
આ અંગે સરકારે જણાવ્યું કે આ નવા કાયદાનું એક નવું માળખું હશે, જે ગ્રામીણ પરિવારોને ૧૨૫ દિવસના કાનૂની વેતન રોજગારની ગેરંટી આપે છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં આને વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને અનુરૂપ ભારતના ગ્રામીણ વિકાસ માળખામાં એક ઐતિહાસિક પરિવર્તન ગણાવ્યું છે.
મંત્રાલયે જણાવ્યું કે આ કાયદાનો ઉદ્દેશ્ય આજીવિકા સુરક્ષા, ગ્રામીણ આવક અને ગ્રામ્ય-કક્ષાના માળખાગત વિકાસને મજબૂત બનાવવાની સાથે ભવિષ્ય માટે તૈયાર અને ઉત્પાદકતા-લક્ષી ગ્રામીણ પરિવર્તન લાવવાનો છે. વીબી-જી રામ જી એક્ટ ૧લી જુલાઇથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ થઇ જશે અને તે જ તારીખથી મનરેખા સમાપ્ત થઇ જશે.
મંત્રાલયના નિવેદનમાં ખાતરી આપવામાં આવી છે કે મનરેગાથી નવા માળખામાં ફેરફાર સરળ અને કોઇપણ વિક્ષેપ વિના થશે, જેનાથી શ્રમિકોને કોઇ અસુવિધા થશે નહીં. ૩૦ જૂન સુધી મનરેગા હેઠળ ચાલી રહેલા કામો સુરક્ષિત રહેશે અને કોઇપણ વિક્ષેપ વિના નવા માળખામાં આગળ વધારવામાં આવશે.
મંત્રાલયે જણાવ્યું કે હાલના ઇ-કેવાયસી પ્રમાણિત મનરેગા જોબ કાર્ડ નવા ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ જારી ન થાય ત્યાં સુધી માન્ય રહેશે. વધુમાં જે કામદારો પાસે જોબ કાર્ડ નથી તેઓ ગ્રામ પંચાયત સ્તરે પોતાની નોંધણી કરાવવાનું ચાલુ રાખી શકે છે.