Sun Mar 08 2026

Logo

જીતવાની વૃત્તિથી પરાસ્ત થતો મનુષ્ય!

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

જૂઈ પાર્થ

મોબાઈલ, મોબાઈલ, મોબાઈલ અરે ત્રાસી ગયા છીએ આ મોબાઈલથી તો હવે આવું બોલતાં આપણે કેટલા બધાં 

લોકોને સાંભળ્યા હશે. જોવાની ખૂબી એ છે કે જે લોકો મોબાઈલ પ્રત્યે અણગમો દર્શાવે છે તે પણ આ બધું મોબાઈલ

જોતા જોતા કે હાથમાં રાખીને જ બોલતાં હોય છે. એવું તો શું છે આ ફોનમાં કે જે ઘડીકવાર પણ લોકોથી નથી

છૂટતો! કામ, મેસેજ, સોશ્યલ મીડિયા, ફોટા , સેલ્ફી, નોટ્સ લખવા ઉપરાંત ફોનનો સૌથી વધુ ઉપયોગ થતો હોય   તો તે છે ગેમ રમવા માટે...

90નાં દસકામાં વીડિયો ગેમ રમવા માટે ગેમ પાર્લર પર જવું પડતું. કલાક પ્રમાણે જે ચાર્જ નક્કી થયો હોય તે

મુજબ પૈસા આપવાનાં. એ પાર્લરમાં એકવાર વીડિયો ગેમ રમવાનું શરૂ થાય તો કલ્લાકોનાં કલ્લાકો ગેમ રમવામાં

વેડફાઈ જાય ઉપરાંત તેની લત લાગે તે જુદી. આવાં ગેમ પાર્લર પછી પીએસ એટલે કે કેબલથી ટીવી સાથે જોડીને ઘેર બેઠા રિમોટ કંટ્રોલથી રમી શકાય તે પ્લે સ્ટેશન. આમાં એક કે તેથી વધુ લોકો એકસાથે એક જ ગેમ રમે. અને પછી તો એકબીજાને હરાવવાનાં ને પોતે જીતી જવાનાં મરણિયા પ્રયાસો ચાલુ થાય. આવી ગેમ્સએ કેટલીય મિત્રતામાં તિરાડો પાડી હશે તો કેટલાંય ઝગડા કરાવ્યા હશે તો કેટલાકે તો જીવ ગુમાવ્યા હોવાનાં પણ દાખલા છે.

વીડિયો ગેમમાં રમતો પણ અલગ અલગ પ્રકારની હોય છે. સામેવાળા પર ઘા કરી તેને હરાવવો, મારી નાખવો, તેની પાછળ પડી જવું, અસૂરોનો વિનાશ કરી દુનિયાને બચાવવી વગેરે આ સમગ્ર પ્રવૃત્તિનું ધ્યેય એક માત્ર, જીતવાનું! યેન કેન પ્રકારે બસ, જીતવાનું

મનુષ્ય પોતાની હંમેશાં જીતવાની વૃત્તિથી જ પરાસ્ત થતો હોય છે. હાર ન માનવાની મનસા સારી છે કે જે માણસને

પ્રેરકબળ પૂરું પાડે છે, તેને જીત માટે જરૂરી મહેનત કરાવે છે, પરંતુ સાથે ફક્ત જીતવાની વૃત્તિ તેનામાં મનોવિકાર પેદા કરે છે. પોતે ક્યારેય હારી જ ન શકે તેવો અહંકારી બનાવે છે અને આ અહંને પોષવા માટે તે હઠ, ગેરનીતિ, ગુસ્સો, આવેશ, હરીફાઈ વગેરે જેવી નકારાત્મક લાગણીઓના વમળમાં ફસાતો જાય છે અને તેમાંથી બહાર નીકળવું તેના માટે લગભગ અશક્ય થઈ જાય છે. કહે છે કે જીત પણ એક જાતનું વ્યસન છે જે છોડવું ઘણું અઘરું છે. વીડિયો ગેમ્સ એક એવું માધ્યમ છે જે માણસની લાગણીઓને તેની જાણ બહાર તોડી- મરોડી શકે છે.

આપણે બધાં જ ફોનમાં, ટીવી પર કે પછી ગેમ ઝોનમાં જઈને ગેમ્સ રમતા હોઈશું. સૌથી સરળ રીતે ઉપ્લબ્ધ ગેમ્સ ફોન પર હોય છે. માટે કોઈવાર આપણે જેને ફોનનું એડિક્શન એટલે કે વ્યસન કહીએ છીએ તે હકીકતે ગેમનું વ્યસન પણ હોઈ શકે. એવું તો શું છે આ ગેમ્સમાં કે જે વારે વારે રમવાનું મન થાય? અભ્યાસ કરતાં નીચેનાં કારણો ધ્યાનમાં આવે છે. વીડિયો ગેમ રમવાથી...

(1) હાલની પરિસ્થિતિથી માનસિક રીતે દૂર થઈ શકાય છે (એસ્કેપિઝમ)

(2) બદલાવનો આનંદ માણી શકાય છે

(3) ગેમમાં જીતીને અહં સંતોષી શકાય છે

(4) દેખીતો આત્મવિશ્વાસ વધે છે

(5) સમય મર્યાદામાં રહીને ધ્યેય પ્રાપ્ત કર્યાનો સંતોષ મળે છે

આ જ મુદ્દા જો તેનાં આત્યંતિક સ્વરૂપે જોઈએ તો એસ્કેપિઝમથી કાયમ માટે સ્વપ્નસૃષ્ટિમાં જ રચ્યાપચ્યા રહીએ એવું પણ થાય. બદલાવ તેની ચરમસીમા પણ માણસને અસલામતીની ભાવના આપે છે. અહં માપમાં સંતોષાય તો બરાબર છે પણ તેનું મહાન સ્વરૂપ મનુષ્યને સ્વકેન્દ્રી અને સ્વચ્છંદી બનાવે છે તેમ જ અધોગતિ તરફ દોરી જાય છે.

સાથે વધુ પડતો આત્મવિશ્વાસ ખોટા નિર્ણયો લેવડાવે છે. સતત સમય મર્યાદામાં રહીને કામ પૂરું કરવાનાં દબાણથી તણાવ થાય છે. આમ આવી ગેમ્સનાં બે પાસા છે. જો મોટા લોકો તેનાં બંધાણી થઈ શકતાં હોય તો બાળકોનાં કુમળા મન પર તેની શું અસર થતી હશે તે ગંભીરતાથી વિચારવાની બાબત છે. 

ગેમ ડેવલપર્સ બહુ સારી રીતે બાળમાનસ તથા ઉંમર મુજબ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરીને જ ગેમ બનાવતાં હોય છે. આપણા તથા આપણાં બાળકોનાં માનસિક સ્વાસ્થ્યની જવાબદારી આપણી છે. બાકી તેને સારું કે ખરાબ બનાવવા બજારમાં માધ્યમો ઉપલબ્ધ છે જ. માટે આપણે જે કંઈ કરીએ તે સમજીને કરીએ તેવો સંકલ્પ કરવો જ રહ્યો! તો આ વિશે બોલો,

તમે શું કહો છો?