હેં... ખરેખર?! - પ્રફુલ શાહ
મહાન લેખક વિક્ટર હ્યુગો અને જ્યુલિયેટ ડ્રુએની અકલ્પનીય પ્રેમ કથામાં આગળ શું થયું એ જાણીએ. પાંચ દાયકામાં વીસ હજારથી વધુ પત્રો લખવા ઉપરાંત જ્યુલિયેટે ક્યાંય જોડ ન મળે એવો પ્રેમ કર્યો ને જીવ જોખમમાં મુક્યો.
આ સંસ્કૃત શ્લોક જ્યુલિયેટને મહદઅંશે લાગુ પડી શકે-
કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી
ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા!
ધર્મે'નુકૂલા ક્ષમયા ધરિત્રી.
ભાર્યા ચ ષાડ્ગુણ્યવતી દુર્લભા
(અર્થાત્ પત્ની કાર્ય કરવામાં મંત્રી જેવી, ઉપકરણ તરીકે દાસી જેવી, ભોજન કરાવતી વખતે માતા જેવી, શયન વખતે રૂપવતી રંભા જેવી, ધર્મની બાબતે અનુકૂળ થનારી અને ધરતી જેવી ક્ષમાવાન હોય. આવા છ સદગુણો ધરાવનારી પત્ની દુર્લભ ગણાય.)
હા, હકીકતમાં જ્યુલિયેટ માત્ર પત્રો જ લખતી નહોતી. તે હ્યુગોની સચિવ, એમના સર્જનની નકલ-લેખક અને પ્રથમ સંપાદક પણ હતી. તે આખીઆખી રાત દીવાના પ્રકાશમાં પ્રેમીના હસ્તપ્રતની નકલ કરતી રહેતી. જ્યુલિયેટને યંત્રવત્ ઉતારો નહોતી કરતી પણ બુદ્ધિગમ્ય અભિપ્રાય આપતી હતી. આ ટિપ્પણીને હ્યુગો ધ્યાનથી સાંભળતા હતા.
આ બઘું એમ જ ચાલતું રહ્યું હોત ઈ. સ. 1851માં બન્નેના જીવનમાં ભયંકર વાવાઝોડું આવ્યું. ફ્રાંસમાં યુદ્ધ અને રાજકીય ઊથલપાથલ મહાન લેખક વિક્ટર હ્યુગો ફ્રાન્સની સરકારના - ફ્રાન્સ દેશના નહિ- રાજકીય શત્રુ બની જાય છે. વ્હાલા સર્જકમાંથી એકાએક તેઓ વોન્ટેડની યાદીમાં આવી ગયા. ગમે તે રીતે વતન ફ્રાન્સ દેશ છોડવાની નોબત આવી પડી. એમ ન કરે તો સામે બે વિકલ્પ હતા: મોત કે જેલ.
આ આફતમાં દોડાદોડી આસાન નહોતી કારણકે પત્ની બીમાર હોવાથી જરાય મદદ કરી શકે એમ નહોતી. આવા કપરા સમયે છેટે રહીને જીવ બચાવવાને બદલે જ્યુલિયેટે તો ગજબનાક હિમ્મત દાખવી.
ડિસેમ્બર 1851માં પોતાનો જીવ જોખમમાં મૂકીને આ પ્રેમિકા તો પ્રિયતમને સલામતપણે દેશ બહાર મોકલવાની જોગવાઈ કરવામાં જોતરાઈ ગઈ. તેમણે બનાવટી ખોટા દસ્તાવેજો બનાવડાવ્યા. એના રહેવા માટે સલામત ઠેકાણા શોધ્યાં. કોઈની નજરે ચડીને ઓળખાઈ ન જાય એ માટે વેશભૂષાનું આયોજન કરી લીધું.
આ ઉપરાંત જ્યુલિયેટે ફક્ત હ્યુગો પર નહિ પરંતુ સાહિત્ય જગત અને માનવ જાત કદી ફેડી ન શકાય એવો ઉપકાર કર્યો. તેમણે પ્રેમી-લેખકની હસ્તપ્રતો બચાવી લીધી. આમાં સૌથી મહત્ત્વપૂર્ણ હતી જેમાં વર્ષોથી લખાતી એક અધૂરી નવલકથાનો લગભગ બે-તૃતીયાંશ ભાગ હતો. આગળ જતા આ નવલકથા અમર રચના `લે મિઝેરેબલ્સ' બની! જો જ્યુલિયેટે મોટુંમસ જોખમ ન ઉઠાવ્યું હોત તો વિશ્વની આ મહાનતમ કૃતિ સદાકાળ માટે ખોવાઈ ગઈ હોત.
એ સમયે વિક્ટર હ્યુગો ફ્રાન્સને ભારે હૈયે રામરામ કરીને બેલ્જિયમ ભાગી ગયા. પ્રેમ તો જ્યુલિયેટનો કે બહું જલ્દી તેઓ પણ થોડા દિવસો પછી પિયુની પાછળ બેલ્જિયમ પહોંચી ગયા, હ્યુગોના જીવનભરના સર્જન-કાર્યથી ભરેલી પેટી લઈને.
આ દેશ નિકાલ પૂરાં ઓગણીસ વર્ષ ચાલ્યો.
આ સમગ્ર સમય દરમિયાન પેરિસની સગવડ-ચમકધમકથી દૂર જર્સી અને ગ્વર્નસીના દૂરના ટાપુઓ પર જ્યુલિયેટ સતત હ્યુગોની સાથે રહ્યાં. પરંતુ પત્ની તરીકે નહીં, કોઈ પણ સત્તાવાર કે નૈતિક માન્યતા વિના.
આ નિરાશ્રિત તરીકેના વસવાટ દરમિયાન જ હ્યુગોએ `લે મિઝેરેબલ્સ' નવલકથા પૂરી કરી હતી. 1862માં પ્રકાશિત થતાવેત જ આ નવલકથા `લે મિઝેરેબલ્સ' ખૂબ લોકપ્રિય નિવડી હતી. શું જ્યુલિયેટ ડ્રુએ વગર `લે મિઝેરેબલ્સ'નું અવતરણ શકય બન્યું હોત?
હજી આ પ્રેમીઓને જીવનમાં ઘણી તોફાની વેદના આવવાની બાકી હતી. (ક્રમશ:)