Mon Jul 06 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-19

2026-07-05 09:41:00
Author: Anil Rawal
Article Image

 

 

 

‘તુમ્હારે પાસ જિતને ફટાકે હૈ ઉસસે કામ નહીં ચલનેવાલા, ઓર માલ આ રહા હૈ...’

 

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

 

એટીએસ ચીફ બાદલ મલિક તરફથી સરકારી હૉસ્પિટલમાં સૂચના આપી દેવાઈ હોવાથી ઇરાવતી અને રાઘવને કોઈ તકલીફ પડી નહતી. પુરોહિતનો પુત્ર ધનરાજ અને પુત્રવધૂ સાન્વી પણ પહોંચી ગયાં હતાં. આખો મામલો રાઘવની નિગરાણીમાં ઝડપથી પતાવવાનો હતો અને રાઘવને પણ રાધા જેટલી જ પોસ્ટમૉર્ટમની ઉતાવળ હતી. બેજલમેડમાં પુરોહિતના અંતિમસંસ્કાર કરવાની ગોઠવણ પણ થઈ ગઈ હતી. દરમિયાન રાધાએ દેવીપ્રસાદજીને રાઘવની સાચી ઓળખ આપી દીધી હતી, પરંતુ એમને એની ખુશી ઓછી અને પુરોહિતના મોતનો વસવસો વધુ હતો. જગદીશ જરા વધુ ડરી ગયો હતો. 

 

‘મને ડર લાગે છે ક્યાંક મારું મર્ડર ન થઈ જાય...’ જગદીશ બબડ્યો.

 

‘જગદીશ, તને કાંઈ નહીં થાય. પુરોહિતના કેસમાં મને ડાઉટ પડ્યો એટલે મેં એની ડેડબૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલી છે. મારો ડાઉટ કદાચ સાચો ન પણ હોય...’ 

 

‘નહીં, નહીં મને મળ્યો ત્યારે પુરોહિત ગભરાયેલો હતો. કંઈક તો બન્યું છે એની સાથે,’ જગદીશ બોલ્યો 

 

‘જો જગદીશ, સવાલ માત્ર તારા, મારા કે દેવીપ્રસાદજીના જીવનો નથી... સવાલ અહીં આવતા હજારો લોકોનો છે. જીવનું ખરુંં જોખમ તો એમની ઉપર છે અને મેં એમના માટે જ તમારી મદદ લીધી છે.’

 

‘હજારો લોકોનો જીવ બચાવવા ખાતર જો મારો જીવ જશે ને તો મને મંજૂર છે રાધા, હું પીછેહઠ નહીં કરું. હું તારી સાથે છું.’ દેવીપ્રસાદજી રાધાની પીઠ થાબડતાં બોલ્યા. જગદીશની આંખોમાં ફરી જુસ્સો ઝળક્યો. 

 

સાધુ બીજે દિવસ એના નિયમ મુજબ ગોપાલશ્ર્વર મંદિરે પહોંચ્યો. એ દિવસે એણે જગ્યા બદલી. આસન જમાવીને બેઠો. એની આંખોમાં રાતની લાલાશ હતી અને ચીલમનો નશો હતો. રાતે મંદિરે આવેલો માણસ કોણ હતો...? શંકર જો નજરમાં આવી ગયો હોય તો હું પણ નજરમાં હોઇશ જ. કાઈક તો છે જેને ભણક આવી ગઈ છે. કોની નજર પોતાના પર છે એ જોવા સાધુ ચકળવકળ આંખો ફેરવીને જોઈ રહ્યો હતો. 

 

જોકે એને શંકરને બચાવી લીધાનો સંતોષ હતો. એ શંકરને રાતની ઘટના કહીને ચેતવી દેવા માગતો હતો. શંકર જમીને પાણીની પરબ પર આવશે એવું ધારીને એ બપોરે પાણીની પરબ પર ગયો. એના આશ્ર્ચર્યની વચ્ચે શંકર આવ્યો નહીં. થોડી વાર રાહ પણ જોઈ, પરંતુ શંકર દેખાયો નહીં. એ ગુપ્તાની દુકાન પાસે જઈને નજર કરી. શંકર દુકાનમાં પણ નહતો. એટલામાં ગપ્તા એને જોઈ ગયો. 

 

‘સાધુ મા’રાજ આજકલ આપ દર્શન નહીં દે રહે હો?’ ગુપ્તા બોલ્યો.

 

‘સાધુ તો ચલતા ભલા...ચલતા ભલા...’ બોલતો બોલતો ત્યાંથી સરકી ગયો. 

 

સાધુને શંકરની ચિંતા હતી. એ ક્યાં ગયો હશે? રાતે મંદિર આવેલા માણસે એને ખતમ તો નહીં કરી નાખ્યો હોય. વિચારતો સાધુ ફરી એની જગ્યાએ ગોઠવાઈ ગયો. સાધુએ રાતે જ સમંદરખાનને ઘટનાના સમાચાર આપી દઈને ગોપાલશ્ર્વરનો ખેલ જલદી ખતમ કરવાની પરવાનગી માગી હતી.

 

‘યહાં કાઈ તો હૈ જો હમ પર નઝર રખે હુએ હૈ... અબ ઝ્યાદા ટાઇમ બરબાદ કરના ઠીક નહીં હૈ જનાબ,’ સાધુએ કહ્યું હતું.

 

‘તુમ્હારે પાસ જિતને ફટાકે હૈ ઉસસે કામ નહીં ચલનેવાલા. ઓર માલ આ રહા હૈ. તુમ્હે થોડા ઇન્તેઝાર કરના હોગા...’

 

આ વાત સાધુ પણ જાણતો હતો કે પૂરતા માલ વિના ઑપરેશન કામિયાબ થવાનું નથી. એને પોતાની લાચારી, વિવશતા, બેબસી પર ગુસ્સો આવ્યો. એણે ગુસ્સામાં સામેથી ફોન કાપી નાખ્યો હતો. વિચારોમાં ઘેરાયેલા સાધુની તુંબડીમાં અચાનક કોઈએ પૈસાના સિક્કા નાખ્યા.

 

‘સાધુ પૈસા નહીં લેતા,’ બોલીને એણે ઊંચું જોયું. શંકરે હસીને પૈસા તૂંબડીમાંથી કાઢીને બે કેળા મૂક્યાં. 

 

‘કહાં થા તૂં?’ સાધુએ પૂછ્યું. 

 

‘પુરોહિત ચાયવાલે કી મૌત હઈ. બિચારા અચ્છા આદમી થા... ઉસકે ઘર પર ગયા થા... ઘર પર કોઈ નહીં થા,’ શંકરે કહ્યું.

 

‘કિસી ઓર કી મૌત કા માતમ મત મના, અપની જાન સંભાલ,’ સાધુ બોલ્યો.

 

‘કલ રાત કોઈ તેરે બારે મેં કિસી કો ખબર દેને કે લિયે દાનપેટી મેં એક ચિઠ્ઠી ડાલ કર ગયા...બાદ મેં એક આદમી ચિઠ્ઠી લેને આયા....અચ્છા હુઆ ઇસસે પહેલે મૈંને ચિઠ્ઠી પઢ લી...’

 

‘કૌન થા વો... જો ચિઠ્ઠી લેને આયા થા...? મૂહ દેખા ઉસકા.?’ શંકરે પૂછ્યું.

 

‘પતા નહીં અંધેરા થા... ઔર મુઝે અપના ચહેરા ભી છુપાના થા... ઇસલિયે મૈને ઉસ પર ત્રિશૂલ ફેંકા. લેકિન વો બચ ગયા...’

 

‘ઇસીલિયે કહેતા હું અબ ખેલ ખતમ કરના ચાહિયે,’ શંકર બોલ્યો.

 

‘પહેલે તુમ ઉસ આદમી કો ઢૂંઢો જો દાનપેટી સે ચિઠ્ઠી લેને આયા થા,’ સાધુએ કેળાની છાલ ઉતારતાં કહ્યું. શંકર સાંભળીને ચાલવા લાગ્યો હતો.

********************

‘અરે કહાં ચલા ગયા થા તૂ રસોઈઘર મેં સામાન પહોંચાને કે બાદ?’ ગુપ્તાએ પૂછ્યું.

 

‘પુરોહિત કે ઘર પર ગયા થા. અચાનક ચલ બસા. ભલા આદમી થા.’

 

‘અચાનક આઇ હુઇ મૌત ખરાબ હૈ. પુલીસ કો ડાઉટ આયા... બોલે મોત કા કારન જાનના ઝરૂરી હૈ... ઉદયપુર કી સરકારી હૉસ્પિટલ મેં પોસ્ટમૉર્ટમ કરના પડેગા... ઉસકી લુગાઇ ભી ગઈ હૈ સાથ મેં...’ ગુપ્તાએ કહ્યું.

 

‘ઇસલિયે ઘર પર કાઈ નહીં થા...બહુત બુરા હુઆ ઉસકે સાથ. અબ ડૉક્ટરલોગ ચીરફાડ કરેંગેં ઔર મિલેગા કૂછ નહીં....નેચરલ ડેથ મેં ક્યા મિલેગા,’ શંકર બોલ્યો.

 

ઝૈનાબ બીજે દિવસે લંચ પહેલાં પાસપોર્ટ ઑફિસની બાજુના કૉફી હાઉસમાં પહોંચી ગઈ. બપોરનો સમય હતો એટલે કદાચ કૉફી હાઉસમાં ચહલપહલ ઓછી હતી. થોડાં છોકરા-છોકરીઓ ધીમે અવાજે વાતો કરતાં હતાં. એક છોકરી ખૂણામાં બેસીને લૅપટૉપ પર કામ કરતી હતી. ઝુબૈદા થોડી થોડીવારે ખૂલબંધ થતો કાચનો પારદર્શક દરવાજો જોતી હતી. કંટાળીને એણે કાઉન્ટર પરની છોકરીને ઇશારો કરીને એની રેગ્યુલર કૉફી મોકલવાનું કહ્યું.

 

કૉફી આવી, પણ હેટવાળો માણસ ન આવ્યો. ઝૈનાબ કૉફીમાં અડધી પડીકી સાકર નાખીને હલાવતી હતી ત્યાં હેટવાળો માણસ દાખલ થયો. સીધો કાઉન્ટર પર ગયો. ઝૈનાબ એની હિલચાલ જોતી હતી. એ બ્લૅક કૉફી લઈને સીધો ઝૈનાબ સ્માઇલ આપીને સામેની ખુરસી પર બેસી ગયો. ઝૈનાબને સ્માઇલ આપી. હેટ ઉતારીને બાજુમાં મૂકી. કૉફીની એક સિપ મારી. ઝૈનાબ એના બોલવાની રાહ જોતી હતી.

 

એ કાંઈ બોલ્યો નહીં.. ફક્ત ખિસ્સામાંથી એક કાગળ કાઢીને ઝૈનાબની સામે મૂક્યો. 

 

પછી એનો જાડ્ડોે-ભદ્દો ધીમો અવાજ આવ્યો: ‘ઇસ આદમી કો ઢૂંઢના હૈ.’ ઝૈનાબે ઝટ દઈને કાગળ પર્સમાં મૂકી દીધો. પેલા શખ્સેે એક કાર્ડ કાઢીને આપ્યું.

 

‘કૂછ ભી હૈ તો મુઝે કૉલ કરો.’ શખસે સ્માઇલ આપી. અને કૉફી ભરેલો પેપરકપ લઈને બહાર નીકળી ગયો. 

 

ઝૈનાબ પર્સમાંથી કાગળ કાઢીને જુએ તે પહેલાં પાસપોર્ટ ઑફિસમાંથી બૉસનો મોબાઇલ પર કૉલ આવ્યો.

 

‘ઝૈનાબ કહાં હો તુમ...?’

 

‘આ રહી હું સર....’ ઝૈનાબ પૈસા ચૂકવવા કાઉન્ટર ગઇ.

 

‘હેટવાલે સા’બ પૈસા ચુકા કર ગયે હૈ.’ ઝૈનાબ ઉતાવળે નીકળી ગઈ.

 

ઑફિસ પહોંચીને ઝૈનાબ સીધી બૉસની કૅબિનમાં ગઈ.

 

‘ઝૈનાબ, તુમ જાનતી હો આજ બહુત કામ હૈ...ફિર ભી તુમ બાહર ચલી ગઈ?’ બૉસે કહ્યું.

 

‘સર, ઇમર્જન્સી થી... કાઈ રિસ્તેદાર મિલને આયા થા.’ ઝૈનાબે કહ્યું.

 

‘ઠીક હૈ...’ બૉસ બોલ્યો. ઝૈનાબ આસપાસ બહુ લોકો હોવાથી કાગળ જોઈ શકી નહીં... કાગળ જોવાની અધિરાઈ સાથે એ ઝડપથી કામ કરવા લાગી.

 

રાઘવ ઉદયપુરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમૉર્ટમના રિપોર્ટની રાહ જોતો બેઠો હતો. એની સામેના બાકડા પર ઇરાવતી, એનો દીકરો અને પુત્રવધૂ બેઠાં હતાં.

 

‘આપ હમારે લિયે ઇતના કર રહે હો. બેજલમેડ સે યહાં તક સાથે આયે...’ પુરોહિતનો દીકરો ધનરાજ બોલ્યો.

 

‘પુરોહિત મેરા દોસ્ત થા....’ રાઘવે કહ્યું.

 

‘પાપાને આપ કે બારે મેં કભી કૂછ બતાયા નહીં,’ ધનરાજે કહ્યું.

 

‘મુઝે ભી આપ લોગોં કે બારે મેં કભી કૂછ નહીં બતાયા... મેં ઉસકો દૂધ બેચતા થા... ઔર રોઝ ઉસકે હાથ કી ચાય પીતા થા,’ રાઘવ બોલ્યો. 

 

‘પોસ્ટમૉર્ટમ કા કારન સમઝ મેં નહીં આયા...’ પુત્રવધૂ સાન્વીએ કહ્યું.

 

‘કારન જાનને કે લિયે હી પોસ્ટમૉર્ટમ હો રહા હૈ,’ રાઘવે કહ્યું. રાઘવના મોબાઇલની રિંગ વાગી. રાધાનો કૉલ હતો... એ ઊભો થઈને ખૂણામાં ગયો.

 

‘હેલો રાઘવ, કિતના ટાઇમ?’ રાધાએ પૂછ્યું.

 

‘બસ થોડી દેર મેં આ જાના ચાહિયે...’ રાઘવે કહ્યું.

 

‘ઉસકી ફૅમિલી કો રિપોર્ટ કે બારે મેં ક્યા કહેંગેં...?’ રાધાએ પૂછ્યું.

 

‘સબ સેટિંગ હો ગયા હૈ... દો રિપોર્ટ તૈયાર હોગા... એક મેં સચ હોગા ઔર દુસરે મેં ઝૂઠ. ઝૂઠવાલા રિપોર્ટ ફૅમિલી કે લિયે હોગા ઔર સચવાલા હમારે પાસ,’ રાઘવે કહ્યું.

 

‘ગુડ’ કહીને રાધાએ ફોન કાપી નાખ્યો. 

 

ઑફિસ ટાઇમ પૂરો થયો. ઝૈનાબ ઊઠવા ગઈ ત્યાં બૉસે આવીને કહ્યું:

 

‘ઝૈનાબ, આજ ઝ્યાદા કામ હૈ... તુઝે બૈઠના પડેગા... મેરી ખાતિર આજ સંભાલ લો... પ્લીઝ.’

 

ઝૈનાબનો ચહેરો ઊતરી ગયો. પણ બૉસે ઘણીવાર સમયની બાબતે ઝૈનાબને સાચવી લીધી હતી... એટલે એ કાઈ કહેવાની સ્થિતિમાં નહતી. એણે ઓકે કહ્યું.

 

એ ફ્રેશ થવાને બહાને પર્સ ઉપાડીને વૉશરૂમમાં ગઈ. જલ્દીથી કાગળ ખોલ્યો. એના હાથ કાંપવા લાગ્યા....પરસેવો વળી ગયો... માથું ધૂણાવ્યું... આંખો પટપટાવીને ફરી ફરી જોયું... ડૉ. અજમલ અન્સારીનો સ્કેચ ઝૈનાબને પગથી માથા સુધી ધ્રૂજાવી રહ્યો હતો.

 

મારા જ ઘરમાં રહેતો ડૉ. અજમલ અન્સારી ટેરરિસ્ટ છે. 

 

અને અબુ-અમ્મીએ એને પનાહ આપી છે... મતલબ એ લોકો પણ સામેલ છે... 

 

 (ક્રમશ:)