Sun May 31 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-14

2026-05-31 08:51:00
Author: Anil Rawal
Article Image

 

‘જનાબ, મૈં અકેલા કાફી હું... સબ કામ ખતમ કર દુંગા.... મેરે લિયે આસાન હૈ.....’ શંકર બોલ્યો.

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

રહેમત અલી ઓળખ કરાવીને પોતાના રૂમમાં ગયો. ઝૈનાબ એના રૂમમાં ગઈ.

નૂર ઉતાવળે ચાલતી રહેમતની પાછળ ગઈ.

‘આપ ભી કમાલ કરતે હો... જો મોબાઇલ અપને સાથ રખના ચાહિયે વોહી ભૂલ જાતે હો... ઝૈનાબ કો કભી શક હો ગયા તો મુશ્કિલ મેં પડોગે...’

‘તુમ યાદ દિલાયા કરોના...’ બોલીને રહેમત બાથરૂમમાં ગયો. નૂર રૂમમાંથી નીકળીને ઝૈનાબના રૂમમાં ગઈ. રહેમત અલીએ મોબાઇલ ખોલ્યો.

‘હેલો સમંદર, મૈં... રહેમત અલી’ એટલું બોલ્યો ત્યાં સામેથી સમંદરે કહ્યું:

‘દિલ્હી મેં ઉસકી ફોટો સર્ક્યુલેટ હો ગઈ હૈ....’

‘વો મેરે પાસ મેહફૂઝ રહેગા,’ રહેમત બોલ્યો.

‘ઉસકો નઝરકૈદ મેં રખો... દાઢીબાઢી બઢને દો... ઉસકા પૂરા હુલિયા બદલ ડાલો. વહ ડૉક્ટર નહીં, મરીઝ લગના ચાહિયે...’ સમંદર ખાને ફોન કટ કરી નાખ્યો.

‘અમ્મી, કૌન હૈ યે ડૉક્ટર અજમલ. અબુને કભી ઝીકર તક નહીં કિયા.’ ઝૈનાબે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું.

‘તુમ તુમ્હારે અબુ કો જાનતી નહીં ક્યા... કિસી કી ભી મદદ કરને કે લિયે તૈયાર હો જાતે હૈ...’ નૂરે કહ્યું.

‘ઔર વહ ડૉક્ટર, એસે હી ચલે આયે હૈ... ન કોઈ બૅગ, ન સામાન... આપકો અજીબ નહીં લગતા? ઝૈનાબે પૂછ્યું.

‘બીવીને તલાક દે દિયા હોગા... આજકલ હમારી લડકિયાં બેબાક હો ગઈ હૈ...’ નૂરે મજાક કરી.

‘ઓર તો ઓર ડૉક્ટર સા’બને રાસ્તે મેં અપના મોબાઇલ ભી ખો દિયા, કમાલ હૈ. અબ આપ દેખના અબુ ઉનકો નયા મોબાઇલ ખરીદ કર દેંગેં.’ ઝૈનાબે કહ્યું.

‘હાં, ભરોસા નહીં તુમ્હારે અબુ કા... બડે રહેમદિલ ઇન્સાન હૈ... નામ ઉનકા રહેમત અલી હૈ...’ નૂર બોલીને જતી રહી. ઝૈનાબ ઑફિસે જવા માટે તૈયાર થવા લાગી.

પુરોહિતની નજરમાં રાઘવ ત્રાસવાદી તરીકે ચીતરાઈ ચૂક્યો હતો... પોતે આપેલા સંકેતોને આધારે રાધાનું કામ સરળ થયું હોવાનો એને ગર્વ હતો. એને થયું કે હવે ત્રાસવાદી ઝડપાઈ ગયો... મંદિર પરનો ખતરો ટળી ગયો... આ એનું ભોળપણ હતું. એનું ધ્યાન અન્ય શંકાસ્પદ શખસ પરથી હટી જવું સ્વાભાવિક હતું. રાધા એ સમજી ગઇ હતી. એણે રાતે પુરોહિત અને જગદીશને દેવીપ્રસાદજીના ઘરે બોલાવ્યા.

‘મને લાગે છે કે તમારે હવે રાઘવની ધરપકડ કરી લેવી જોઈએ,’ ઉત્સાહમાં આવી ગયેલા પુરોહિતે કહ્યું.

રાધા હસી. ‘એમ એની ધરપકડ ન કરાય. એની ચિંતા મારી પર છોડી દો.

તમે લોકો પર સતત ચાંપતી નજર રાખો....’ રાધાએ કહ્યું.

‘આખા ગામમાં મને તો આ એકલો જ લાગે છે, જે મંદિરમાં ઘૂસીને કંઈક મોટું કરવા માગે છે,’ પુરોહિતે કહ્યું.

‘એણે કરવું જ હોત તો અત્યાર સુધીમાં કરી નાખ્યું હોત. એ એકલો નથી... ગોપાલેશ્વર મંદિર પરિસરમાં બીજા પણ કેટલાક હશે જ... અથવા ધીરે ધીરે જમા થઈ રહ્યા હશે... એ રાહ જોશે કોઈ એક મોકાની... અથવા કોઇ માણસની અથવા ઉપરના આદેશની,’ રાધા બોલી.

‘તો શું રાઘવને આમ છુટ્ટો મૂકી દેશો? એ કોઈપણ ઘડીએ, કાંઈ પણ કરી નાખશે...’ જગદીશે ચિંતા વ્યક્ત કરી.

‘જગદીશ અને પુરોહિતની વાત સાચી છે રાધા. તું રાઘવના કેસમાં જે કાંઇ કરે તે સંભાળીને કરજે અને જલદી કરજે....’ દેવીપ્રસાદજીએ સલાહ આપી.

‘રાઘવે ભન્નાલાલજીને રસ્તામાંથી હટાવ્યા અને હવે મને રણછોડનો જીવ જોખમમાં લાગે છે...’ પુરોહિત બોલ્યો.

‘હું એને રણછોડને ખતમ કરવાની તક નહીં આપું.... અને બીજી એક મહત્ત્વની વાત.... હવેથી આપણે ચારેય અહીં નહીં મળીએ, જરૂર પડ્યે હું દેવીપ્રસાદજીને મળીશ,’ રાધા મક્કમ સ્વરે બોલી.

રાઘવે જગદીશને રાધા વિશેની તમામ ગુપ્ત માહિતી આપવાની સામે પૈસાની ઑફર કરી હતી અને આ વાત જગદીશે રાધાને કહી પણ દીધી હતી. સાંભળીને રાધાએ જગદીશને એક અલગ જ કામ સોંપ્યું હતું. અને આ કામ અલગ તો હતું સાથે જોખમી પણ હતું.

‘રાઘવ ભૈયા મેં તમારું કામ કરવાનું નક્કી કરી લીધું છે,’ જગદીશે રાઘવને કહ્યું.

રાઘવને હતું જ કે ધરમશાળાનો આ નાનો માણસ પૈસા માટે કાંઈપણ કરવા તૈયાર થઈ જશે.

‘બોલ, રાધા વિશે તું જાણે છે?’ એણે પૂછ્યું.

‘તમે જેના વન સાઇડ પ્રેમમાં છો એ રાધા ત્રાસવાદી છે... રૂમમાં રાતે છૂપી રીતે ફોન પર વાતો કરે છે... એની પાસે એક નાનો મોબાઇલ પણ છે... અચાનક રાતે કાઈને મળવા જતી રહે છે... મારી સલાહ માનો તો આવી સ્ત્રીના પ્રેમમાં ન પડાય. જય ગોપાલા બોલીને રાધે રાધે કરતાં એમાંથી નીકળી જાઓ, હજી ટાઇમ છે.’ જગદીશ રાઘવના ચહેરા પરના ભાવ જોવા લાગ્યો. એ કોઈ ઊંડા વિચારમાં સરી પડ્યો હતો.

‘તારી વાત સાંભળીને હું એને વધુ ચાહવા લાગ્યો છું.’ રાઘવના શબ્દો સ્પષ્ટ હતા... છતાં જગદીશ ગૂંચવાઈ ગયો. રાઘવે એને એક હજાર રૂપિયા આપ્યા. જગદીશે એનો વિશ્વાસ અકબંધ રાખવાના ઇરાદે પૈસા લઈ લીધા.

‘માહિતીદીઠ તને એક હજાર આપીશ,’ રાઘવ બોલીને ચાલવા લાગ્યો... એની ચાલ જાઈ રહેલો જગદીશ વિચારમાં પડી ગયો કે રાધાની ચાલ સફળ થઈ કે ન થઈ.

પુરોહિત મોડી રાતે દેવીપ્રસાદના ઘરેથી મીટિંગ પતાવીને ચાલતો ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે એણે ગુપ્તાજીની દુકાનમાંથી અવાજ સંભળાયો. એ દુકાનના શટર પાસે જઈને ઊભો રહ્યો ને અવાજ આવતો બંધ થઈ ગયો... છૂપી રીતે મોબાઇલ પર વાત કરી રહેલા શંકરે બહારથી આવતો બૂટનો અવાજ સાંભળીને વાત બંધ કરી દીધી હતી. પુરોહિત જાણતો હતો કે ગુપ્તાનો માણસ શંકર રાતે દુકાનમાં જ સૂઈ રહે છે, પણ એણે વાત શા માટે બંધ કરી દીધી... રાતના સન્નાાટામાં... ઠંડા કાતિલ પવનના સૂસવાટામાં અચાનક થંભી ગયેલા ભેદી અવાજમાં પુરોહિતને શંકાનું લખલખું આવ્યું... રાધાની તાલીમ કામ કરી રહી હતી. એણે આખું શરીર ઝકઝોળ્યું. શંકર બહારથી આવેલો માણસ છે. ગુપ્તાએ એને આશરો આપ્યો છે. એના દિમાગની ઘંટી બજવા લાગી. પુરોહિતને થોડીવાર પહેલાં જ રાધાએ કહેલા શબ્દો યાદ આવ્યા. ગોપાલેશ્વર મંદિર પરિસરમાં બીજા કેટલાક પણ હશે જ... અથવા ધીરે ધીરે જમા થઈ રહ્યા હશે.

શંકર ફરી વાત શરૂ કરશે એની રાહમાં એ દુકાનની બહાર ઊભો રહ્યો, અવાજ બહાર ન આવ્યો, પણ પુરોહિતની શંકા ચાના તપેલામાં ઊકળતી ચાની માફક ઊકળતી રહી. બહારથી આવેલા શંકરની અંદરની વાત જાણવા ઊંડું ઊતરવું પડશે... પુરોહિતને બીજો એક પ્રોફાઇલ મળી ગયો.

બીજે દિવસે પુરોહિત એની પાસે ચા-ખાંડનો પૂરતો સ્ટૉક હોવા છતાં ગુપ્તાની દુકાને ગયો.

‘શક્કર ઔર ચાય પત્તી...’ પુરોહિત બોલ્યો. શંકર દુકાનમાં ન હતો... એની આંખો શંકરને શોધી રહી હતી. ગુપ્તાજી પોતે ઝોખવા લાગ્યો.

‘કઠે ગયો તારો છોરો શંકર...?’ પુરોહિતે પૂછ્યું.

‘શ્રદ્ધાલુ કે સાથ સામાન પહોંચાને રસોઈ ઘર ગયા. વઝન હોતા હૈ તો વો સાથ ચલા જાતા હૈ...’ ગુપ્તાએ કહ્યું.

‘એસા સોના જેસા છોરા કહાં સે ઢૂંઢ લાયો...?’ પુરોહિતે પૂછ્યું.

‘અરે ભટકતે હુએ આ ગયા... પડા રહેતા થા દુકાન કે બાહર... ઝાડુ લગાને લગા... તો મૈંને કામ પે રખ લિયા...’ ગુપ્તાએ કહ્યું.

‘મૈં સોચું કોઈ પહેચાનવાલેને ભેજો હોવેગો...’ પુરોહિત બોલ્યો.

‘મારો પેચાનવાલો ઓર કોઈ નહીં એક ગોપાલેશ્વર હૈ... મન્ને લાગે ઉસીને ભેજ દિયો હૈ છોરો...’ ગુપ્તાએ કહ્યું.

પુરોહિત કંઈ કહે તે પહેલાં શંકર આવી ગયો ને વાત અધૂરી રહી ગઈ, પરંતુ ચા અને ખાંડ લેવા આવેલા પુરોહિતને ગોળનું ગાડું મળી ગયું. એ શંકરની સામે મીઠું હસ્યો. એ રાતની વાત છેડીને શંકરને સાવચેત કરવા માગતો નહતો. જોકે ગુપ્તાએ
આપેલી માહિતી એના માટે પૂરતી નહતી. ગોપાલેશ્વર મંદિરમાં ઘૂસી આવેલા શંકરના ભેદી ત્રાસવાદી ઓછાયાને પૂરી રીતે ઓળખવો જરૂરી હતો... એના ઇરાદાને જાણવો જરૂરી હતો... સૌથી પહેલાં જરૂરી હતો રાધાને આપવા માટે એનો પ્રોફાઇલ.

બીજા દિવસથી જ પુરોહિત રાતે ચોરપગલે દુકાનની બહાર જઈને ઊભો રહેવા લાગ્યો. કડકડતી ટાઢમાં રોજ રાતે લગભગ બારેક વાગ્યે પુરોહિત પગથી માથા સુધી ગરમ કપડાં પહેરીને.... ભસતાં કૂતરાને ભગાડવા હાથમાં ડંડો લઈને નીકળી પડતો. દુકાની બહાર સાઇડમાં જઈને ઊભો રહીને વાતચીતના અવાજની રાહ જોતો ઊભો રહેતો. એક રાતે અચાનક અવાજ સંભળાયો. પુરોહિતે બરોબર સાંભળવા કાન પરથી મફલર હટાવી લીધું. કાન સરવા કર્યા. ધ્યાનને અવાજની દિશામાં કેન્દ્રિત કર્યું. બરાબર એ જ વખતે એક કૂતરું ભસ્યું. પુરોહિતના ધબકારા વધી ગયા. એનું ધ્યાનભંગ થયું, પણ એ એના સ્થાન પરથી હટ્યો નહીં. વાતચીત શરૂ થઈ ચૂકી હતી... કંઈક તો સાંભળવા મળશે એની રાહમાં ઊભો રહ્યો.

કૂતરું ભસીને જતું રહ્યું. અચાનક એના કાને અવાજ પડ્યો.

‘જનાબ, અબ કામ ખતમ કર દેના ચાહિયે... ઝ્યાદા દેર રુકને મેં ખતરા હૈ...’

‘થોડા રુક જાઓ...’ સામેથી અવાજ આવ્યો.

‘જનાબ, મૈં અકેલા કાફી હું... સબ કામ ખતમ કર દુંગા... મેરે લિયે આસાન હૈ...’ શંકર બોલ્યો.

‘મેરે અગલે ફોન કા ઇન્તેઝાર કરો...’ ફોન કપાઈ ગયો. પુરોહિતે ત્યાંથી ઝડપથી નીકળી જવા પગ ઉપાડ્યા પણ એના થરથર કાંપતા પગ ત્યાં જ થંભી ગયા. ગોપાલેશ્વર મંદિર પર મંડરાયેલો મોતનો કાળમુખો ઓછાયો શંકર બનીને દુકાનમાં લપાઈને બેઠો હતો. પુરોહિત ભારે પગલે ચાલવા માંડ્યો. એ સામેની ગલીના છેવાડે પહોંચ્યો ને એના કાને દુકાનનું શટર ઉઘડવાનો અવાજ આવ્યો. કૂતરું જોરથી ભસવા લાગ્યું. પુરોહિતે દીવાલની આડમાં છુપાઇને જોયું. શંકરે આસપાસ નજર કરીને શટર ઢાળી દીધું.

(ક્રમશ:)