સંજય છેલ
સંસ્કારી માણસ એ છે, જે બીજાનું દુ:ખ અનુભવી શકે. આ એક એવો દર્દનાક ગુણ છે, જેમાં બીજાની પીડાને પોતે અનુભવવી પડે.
હું મારી કોમળતાને લડાયક બનીને સાચવું છું.
આ વિચાર છે રશિયાના લોકપ્રિય સ્ટાર, સાહિત્યકાર અને ફિલ્મકાર ‘વસીલી શૂક્શિન’ના. પડદા પર શૂક્શિન સુપરસ્ટાર હતા, પરંતુ તેમણે લખેલી વાર્તાઓનાં પાત્રો મહાન માણસો નહોતા. ગામડાના તરંગી, ભોળા, જીદ્દી, ક્યારેક મૂર્ખ અને ગપોડિયાઓ હતા. શૂક્શિનને એમની મૂર્ખાઈ પાછળ છુપાયેલું દુ:ખ અને એમની જીદ પાછળ રહેલું ઘવાયેલું સ્વાભિમાન સમજેલું.
યેસ, વિશ્વસિનેમાના ઇતિહાસમાં સુપરસ્ટાર અને સાહિત્યકાર હોય એવો શૂક્શિન એકમાત્ર છે.
25 જુલાઈ, 1929ના રોજ સાઇબેરિયાના સ્રોસ્ત્કી ગામમાં જનમ્યો, એના ચોથા જ વરસે ઘાતકી સ્ટાલિનના શાસનમાં એના બાપની ધરપકડ કરીને ગોળી મારવામાં આવેલી. માતા મારિયાએ ગરીબીમાં બાળકોને ઉછેર્યાં. પિતાને ‘પ્રજાના દુશ્મન’ જાહેર કરેલા એટલે શૂક્શિનને બચાવવા એને માતાની અટક આપવામાં આવેલી.
શૂક્શિને કારીગર તરીકે કામ કર્યુ, નૌકાદળમાં નોકરી કરી. સાથી નાવિકોને વાર્તાઓ સંભળાવતા. પછી ગામ પાછા આવીને શિક્ષક બન્યા, પરંતુ મન તો ફિલ્મોમાં હતું. મોસ્કોની ફિલ્મ સંસ્થામાં ભણવા પૈસા નહોતા. ગરીબ ખેડૂત માતાએ રોજીરોટીનું સાધન એવી ગાય વેચી દીધી. પુત્રના સ્વપ્ન માટે!
ફિલ્મ સંસ્થાની પ્રવેશ પરીક્ષામાં ટોલ્સ્ટોયની ‘યુદ્ધ અને શાંતિ’ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શૂક્શિને ભોળપણથી સાચું કહ્યું કે ‘પુસ્તક બહુ જાડું- દળદાર છે એટલે વાંચ્યું નથી!’ આવી નિખાલસતાને લીધે જ કોલેજમાં પ્રવેશ મળ્યો. પછી શૂક્શિન, 1950ના દાયકાના અંતથી 1974 સુધીના સોવિયેત સિનેમાના લોકપ્રિય સ્ટાર હતા ને આપણાં રાજ કપૂરના મિત્ર પણ હતા.
શૂક્શિને 30-40 નાનીમોટી ફિલ્મોમાં અભિનય કર્યો અને 6 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. શૂક્શિન માત્ર છાપવાળા વિવેચકોના લાડકા કલાકાર નહોતા, બોક્સ ઑફિસ પર પણ અત્યંત લોકપ્રિય હતા. શૂક્શિની ‘કાલિના ક્રાસ્નાયા’ ફિલ્મને 1974માં 6 કરોડ 25 લાખ દર્શકોએ જોઈ હતી!
પણ એ બધાની બહુ પહેલાં 1958માં શૂક્શિનની પહેલી વાર્તા છપાયેલી. તેની ‘માઇક્રોસ્કોપ’ વાર્તાનો હીરો સામાન્ય સુથાર છે. ઘરમાં પૈસાની તંગી છે, છતાં તેને વૈજ્ઞાનિક બનવાની ધૂન ચડે છે.
પત્નીને પૈસા ખોવાઈ ગયાનું જૂઠું કહીને સૂક્ષ્મદર્શક યંત્ર ખરીદી લાવે છે. પછી દીકરા સાથે પાણીનાં ટીપાંમાં જીવાણુઓ શોધે છે. તેને ખાતરી છે કે એક દિવસ તે માનવજાતને જીવાણુઓ થી મુક્ત કરશે!
પત્નીને ખબર પડે છે ત્યારે યંત્ર વેચવા લઈ જાય છે, જેથી બાળકો માટે ગરમ કપડાં ખરીદી શકાય. વાર્તા વાંચતાં પહેલાં હસવું આવે, પછી સુથારની મૂર્ખાઈ પર ગુસ્સો અને અંતે તેના તૂટી ગયેલા સપના માટે દુ:ખ થાય. પત્ની પણ ખોટી નથી ને પતિનું સપનું પણ સાવ નકામું નથી. આ જ શૂક્શિનની અદ્ભુત વાર્તા - કળા છે.
શૂક્શિનની ‘ચુદિક’ વાર્તાનો નાયક વાસિલી ક્ન્યાઝેવ એવો ભોળો માણસ છે, જે સારું કરવા જાય અને હંમેશાં કંઈક લોચો મારી બેસે. લોકો તેની મજાક ઉડાવે છે. જોકે શૂક્શિન તેની નિર્દોષતાને ઓળખીને વાર્તામાં વધાવે છે. ધનાઢ્ય સ્ટાર હોવા છતાં શૂક્શિન માણસની મૂર્ખાઈને પણ કરુણાથી જોતા.
1967માં શૂક્શિન પોતાના ગામમાં બાળકિશોર સુધાર સંસ્થામાં ગયેલા. ત્યાં સગીર ગુનેગાર છોકરાઓને પૂછ્યું કે ‘એ લોકો ગુનાની દુનિયામાં કેવી રીતે પહોંચ્યા ને સજા પછી શું કરવાના છે?’ કોઇ પાસે કોઇ નકકર જવાબ નહોતા. શૂક્શિનને ખૂબ દુ:ખ થયું અને લાચારી અનુભવી. વર્ષો પછી શૂક્શિનની ‘કાલિના ક્રાસ્નાયા’ ફિલ્મમાં પણ એક ભૂતપૂર્વ ગુનેગારનું નવું જીવન શરૂ કરવાનું સપનું હતું.
આપણા હિન્દી ફિલ્મજગતમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર અને ગોવિંદા જેવા સિતારાઓ લોકપ્રિયતાના જોરે રાજકારણમાં આવ્યા, પરંતુ તેમની રાજકીય કારકિર્દીથી કોઈ મોટું સામાજિક પરિવર્તન આવ્યું હોય એવું કશું જ નથી કે નથી કોઇ લેખક બન્યા કે ઇવન આત્મકથા પણ લખી! આપણે ત્યાં નિર્દેશક સત્યજીત રેએ અમુક વાર્તાઓ લખેલી પણ તે અભિનેતા કે સ્ટાર નહોતા. શૂક્શિન સ્ટાર હતા, રાજકીય નેતા નહોતા, પરંતુ સમાજ ને સત્તા વચ્ચેના સંઘર્ષ વિશે જાગૃત હતા. અભિનેતા, લેખક અને દિગ્દર્શક તરીકે તેમણે સત્તાની નજીક જવા કરતાં આમ આદમીની નજીક રહેવાનું પસંદ કર્યું.
શૂક્શિનની સૌથી જાણીતી ફિલ્મ ‘કાલિના ક્રાસ્નાયા’નો નાયક યેગોર પ્રોકુદિન જેલમાંથી છૂટીને નવેસરથી જીવવા માગે છે, પરંતુ ભૂતકાળ તેનો પીછો છોડતો નથી. શૂક્શિને પોતે લખેલી અને દિગ્દર્શિત કરેલી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી. ફિલ્મે દર્શકોને એટલા પ્રભાવિત કર્યા કે હીરો યેગોરની કરુણતા જાણે લોકોને પોતાની વેદના લાગવા લાગી.
શૂક્શિનને સત્તરમી સદીના બળવાખોર નેતા સ્તેપાન રાઝિન પર ફિલ્મ બનાવવાનું સ્વપ્ન હતું. તેમણે વર્ષો સુધી સંશોધન કર્યું, પહેલાં તો લાંબી નવલકથા લખી, પછી પટકથા લખી, પરંતુ રશિયાના સરકારી અધિકારીઓની સેંસરશિપને લીધે ફિલ્મ બની શકી નહીં. સત્તાની વ્યવસ્થામાં રહીને પણ આ સ્ટારે સચ્ચાઇ પડદા પર દેખાડવા સંઘર્ષ કરવો પડ્યો. શૂક્શિનની અંદરનો લેખક-દિગ્દર્શક રાજકીય નિયંત્રણો સામે ઝઝૂમતો રહ્યો.
શૂક્શિનની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ ‘ધેર ઇઝ સચ અ લેડ’ને વેનિસ ફિલ્મોત્સવમાં સન્માન મળ્યું હતું. શૂક્શિનની વિશેષતા એ હતી કે તે અભિનેતાઓને પાત્રોની અંદરની દુનિયા સમજાવતા. તેમના સંવાદો બનાવટી નાટકીયતાથી દૂર, જીવંત બોલચાલ જેવા લાગતા કારણકે શૂક્શિન લેખક હતા.
બીજી તરફ, શૂક્શિનનું જીવન પણ સરળ નહોતું. પેટની બીમારી ને દારૂની સમસ્યા ખૂબ સતાવતી. 1974માં સર્ગેઈ બોન્દાર્ચુકની ‘ધે ફોટ ફોર ધેર ક્ધટ્રી’ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. કલાકારો વોલ્ગા નદી પરના ‘દુનાઈ’ નામના જહાજમાં રહેતા હતા. બીજી ઑક્ટોબરની સવારે શૂક્શિન પોતાની કેબિનમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. હાર્ટએટેકથી માત્ર 45 વર્ષે અવસાન થયું, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
આજે એના વતન સ્રોસ્ત્કીમાં ‘શૂક્શિન મ્યુઝિયમ’ છે. દર વર્ષે જુલાઈમાં ‘શૂક્શિન દિવસ’ ઊજવાય છે. અલ્તાઈના પિકેટ પર્વત પર હજારો સાહિત્યપ્રેમીઓ ને કલાકારો ભેગા થાય છે. એક ગામડીયામાં સ્ટાર અને સાહિત્યકાર બનનાર કલાકાર ને યાદ કરવા માટે આખું ગામ સાહિત્યનું કલાતીર્થ બની જાય છે!
ગ્લેમરની દુનિયાના સ્ટાર હોવા છતાં શૂક્શિનની વિશેષતા એ નહોતી કે તેમણે ગામડાના માણસને મહાન સાબિત કર્યો. તેમણે એની મૂર્ખતા, અહંકાર, અજ્ઞાન ને નબળાઈઓ પણ દર્શાવી કારણ કે શૂક્શિન માટે માણસની વાર્તા ત્યાંથી શરૂ થતી હતી, જ્યાં દુનિયા આમ આદમીને નક્કામો ગણીને ફગાવી દેતી.
બાય ધ વે, શૂક્શિનની વાર્તાઓનાં અનુવાદનો હિન્દી સંગ્રહ ‘વાગાનોવ કી વ્યથા ઔર અન્ય કહાનિયાં’ નામે છે. મસ્ટ રીડ!