મુંબઈ: દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત ફરી એકવાર સાબિત કરી રહ્યા છે કે ઉંમર માત્ર એક આંકડો છે. 75 વર્ષની ઉંમરે પણ તેમનો સ્ટારડમ યથાવત્ છે અને ચાહકોમાં તેમના માટેનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. તેમની નવી ફિલ્મ 'જેલર 2' 15 ઑક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત જોવા મળી છે.
'જેલર 2' નું એડવાન્સ બુકીંગ
ફિલ્મની રિલીઝ પહેલાં જ તેના એડવાન્સ બુકિંગને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. અહેવાલો અનુસાર, ભારતમાં 10 ઑક્ટોબરથી એડવાન્સ બુકિંગ શરૂ થયું હતું, જ્યારે કેટલાક વિદેશી બજારોમાં ટિકિટનું વેચાણ એક દિવસ વહેલું શરૂ થયું હતું. 14 ઑક્ટોબર સુધીમાં ફિલ્મના વિશ્વભરના એડવાન્સ બુકિંગમાંથી ₹80 કરોડથી વધુની કમાણી નોંધાઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ આંકડાઓએ ફિલ્મની ધમાકેદાર ઓપનિંગની આશા વધારી હતી.
પહેલા દિવસે 50 કરોડથી વધારે કમાણી
વિશ્લેષકો દ્વારા ફિલ્મના પહેલા દિવસના કલેક્શનને લઈને મોટી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી હતી. શરૂઆતમાં ભારતમાં ફિલ્મ રૂપિયા 50 કરોડથી વધુની નેટ કમાણી કરી શકે તેવી આગાહી કરવામાં આવી હતી. જોકે, 16 ઑક્ટોબરના આંકડાઓ અનુસાર, ફિલ્મે ભારતમાં પહેલા જ દિવસે આશરે રૂપિયા 59.70 કરોડની નેટ કમાણી કરી હોવાનો અહેવાલ છે. આ સાથે વિશ્વભરમાં પહેલા દિવસે રજનીકાંતની ફિલ્મે રૂપિયા 125.25 કરોડનું કલેક્શન કર્યું છે. આ આંકડો ફિલ્મના શાનદાર પ્રદર્શનનો સંકેત આપે છે.
સ્ટાર ફરી ટાઇગર મુથુવેલ પાંડિયનના અંદાજમાં દેખાયો
‘જેલર 2’માં રજનીકાંત ફરી એકવાર ટાઇગર મુથુવેલ પાંડિયનના લોકપ્રિય પાત્રમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન નેલ્સન દિલીપકુમારે કર્યું છે, જ્યારે નિર્માણ સન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત રમ્યા કૃષ્ણન, યોગી બાબુ, એસ. જે. સૂર્યા, મિથુન ચક્રવર્તી અને વિદ્યા બાલન સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે.
ફિલ્મને વધુ ખાસ બનાવે છે તેમાં જોવા મળતા જાણીતા કલાકારોના કેમિયો. અહેવાલો અનુસાર, મોહનલાલ, શિવ રાજકુમાર, હૃતિક રોશન અને જેકી શ્રોફ જેવા કલાકારોની હાજરીએ દર્શકોમાં ઉત્સુકતા વધારી છે. ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે. એક્શન, રજનીકાંતની સ્ટાઇલ અને મજબૂત સ્ટારકાસ્ટના સંયોજનને કારણે ફિલ્મને શરૂઆતથી જ સારો પ્રતિસાદ મળ્યો છે.
રજનીકાંતની આ સફળ શરૂઆત ફરી એકવાર દર્શાવે છે કે દાયકાઓથી દર્શકોના દિલ પર રાજ કરતા આ સુપરસ્ટારનો જાદુ આજે પણ અકબંધ છે. જોકે, ફિલ્મ લાંબા ગાળે બોક્સ ઓફિસ પર કેટલો મોટો રેકોર્ડ બનાવે છે, તે આગામી દિવસોના કલેક્શન અને દર્શકોના પ્રતિસાદ પર નિર્ભર રહેશે. હાલના આંકડાઓએ ‘જેલર 2’ને વર્ષની મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મોમાં સ્થાન અપાવ્યું છે.