દિવ્યકાંત પંડ્યા
જે લોકો વર્ષો સુધી કેમેરાની પાછળ રહીને બીજા કલાકારો પાસે અભિનય કરાવતા હતા, તે હવે પોતે કેમેરા સામે આવીને દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. આ ટ્રેન્ડ જોકે નવો નથી. રાજ કપૂરને આપણે ડિરેક્ટર ને એક્ટર બંને તરીકે ઓળખીએ છીએ, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ ટ્રેન્ડ વધુ દેખાવા લાગ્યો છે.
ફિલ્મમેકર્સ અગાઉ પણ પોતાની ફિલ્મ્સમાં નાની ભૂમિકાઓ કરતા, મિત્રો માટે કેમિયો આપતા કે કોઈ ખાસ પાત્રની જરૂરિયાત હોય ત્યારે કેમેરા સામે આવતા, પરંતુ હવે વાત માત્ર મહેમાન કલાકાર તરીકે દેખાવા પૂરતીફફ મર્યાદિત રહી નથી. કેમેરા હવે માત્ર તેમની વાર્તા કહેવાનું સાધન નથી રહ્યો, પરંતુ તેમની કારકિર્દીનો બીજો રસ્તો પણ બની રહ્યો છે.
અનુરાગ કશ્યપનું ઉદાહરણ આ મામલે સૌથી રસપ્રદ છે, કારણ કે તેની ફિલ્મમેકિંગની ઓળખ અને તેનો અભિનય એકબીજાને પૂરક છે. ‘ગેંગ્સ ઑફ વાસેપુર’, ‘બ્લેક ફ્રાઇડે’ અને ‘દેવ ડી’ જેવી ફિલ્મ્સથી તેણે અપરાધ, હિંસા અને નૈતિક રીતે ગૂંચવાયેલાં પાત્રોની એક અલગ દુનિયા ઊભી કરી છે. એક્ટર તરીકે પણ તે ઘણી વાર આવા જ અસ્વસ્થ કરી નાખે તેવાં પાત્રોમાં જોવા મળે છે. ‘મહારાજા’, ‘રાઇફલ ક્લબ’ અને ‘લિયો’ જેવી ફિલ્મ્સમાં પોતાના અભિનયથી ધ્યાન ખેંચ્યા બાદ તેણે તેલુગુ ફિલ્મ ‘ડકૈત’માં પણ કામ કર્યું.
બીજી તરફ તિગ્માંશુ ધુલિયાનું ઉદાહરણ થોડું અલગ છે. અનુરાગ કશ્યપની જ ‘ગેંગ્સ ઑફ વાસેપુર’માં રામાધીર સિંહનું તેમનું પાત્ર આજે પણ યાદગાર છે. સત્તા, જીદ, રાજકારણ અને જૂની માનસિકતાનું મિશ્રણ ધરાવતું આ પાત્ર ફિલ્મનાં અનેક મજબૂત પાત્રોની વચ્ચે પણ પોતાની અલગ છાપ છોડી જાય છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં અભિનયને લક્ઝરી ગણાવ્યો હતો, જ્યારે દિગ્દર્શનને પોતાનો મુખ્ય વ્યવસાય ગણાવ્યો હતો.
મહેશ માંજરેકરનું નામ પણ આ યાદીમાં મહત્ત્વનું છે. ‘વાસ્તવ’ અને ‘અસ્તિત્વ’ જેવી ફિલ્મ્સથી દિગ્દર્શક તરીકે ઓળખ ઊભી કર્યા બાદ તે પણ ધીમે ધીમે એક જાણીતા સ્ક્રીન પર્સનાલિટી બન્યા. ‘કાંટે’, ‘વોન્ટેડ’ અને ‘દબંગ’ જેવી ફિલ્મ્સમાં તેમની ભૂમિકાઓએ સાબિત કર્યું કે કેમેરાની પાછળ કામ કરતો માણસ કેમેરા સામે પણ પોતાની અલગ છાપ છોડી શકે છે.
અમોલ ગુપ્તે ‘તારે જમીન પર’, ‘સ્ટેનલી કા ડબ્બા’ અને ‘હવા હવાઈ’ જેવી ફિલ્મ્સ સાથે લેખક અને ડિરેક્ટર તરીકે જાણીતા થયા, પરંતુ ‘કમીને’, ‘ફસ ગયે રે ઓબામા’, ‘સિંઘમ રિટર્ન્સ’ અને ‘મુંબઈ સાગા’ જેવી ફિલ્મ્સમાં અભિનય પણ કર્યો.
આ બધા વચ્ચે પ્રકાશ ઝાનું ઉદાહરણ પણ રસપ્રદ છે. ‘ગંગાજલ’, ‘અપહરણ’, ‘રાજનીતિ’ અને ‘સત્યાગ્રહ’ જેવી રાજકીય અને સામાજિક વિષયોની ફિલ્મ્સ બનાવનાર ઝાએ ‘જય ગંગાજલ’, ‘સાંડ કી આંખ’ અને ‘મટ્ટો કી સાઇકલ’ જેવી ફિલ્મ્સમાં અભિનય કર્યો છે. રજત કપૂર તો વર્ષોથી અભિનય, દિગ્દર્શન અને લેખન વચ્ચે સંતુલન જાળવી રહ્યા છે. ‘ભેજા ફ્રાય’, ‘મિથ્યા’ અને ‘આંખો દેખી’ જેવી ફિલ્મ્સમાં તેમના અભિનયે બતાવ્યું કે દરેક એક્ટરને પરંપરાગત સ્ટાર બનવાની જરૂર નથી. ક્યારેક પોતાની આગવી ઓળખ ધરાવતો કલાકાર બનવું પણ એટલું જ મહત્ત્વનું હોય છે.
હિન્દી સિનેમાની બહાર નજર કરીએ તો આ ટ્રેન્ડ દક્ષિણ ભારતીય ફિલ્મ્સમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. ખાસ કરીને તમિળ સિનેમામાં ડિરેક્ટર અને એક્ટર વચ્ચેની સરહદ ઘણી હદ સુધી ધૂંધળી થઈ છે. ‘વરણમ આયિરમ’, ‘વિન્નૈથાંડી વરુવાયા’ અને ‘કાખા કાખા’ જેવી ફિલ્મ્સ બનાવનાર ગૌતમ વાસુદેવ મેનન હવે જાણીતા ચરિત્ર અભિનેતા પણ છે.
‘અંજાથે’, ‘ઓનાયુમ આટ્ટુકુટ્ટિયુમ’ અને ‘પિસાસુ’ જેવી ફિલ્મ્સના ડિરેક્ટર મિસ્કિને ‘લિયો’ અને ‘ડ્રેગન’ જેવી ફિલ્મ્સમાં નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી છે.
નવી પેઢીના કેટલાક ફિલ્મમેકર્સ આ ટ્રેન્ડને વધુ આગળ લઈ જઈ રહ્યા છે. ‘કૈથી’, ‘વિક્રમ’, ‘લિયો’ અને ‘કૂલી’ જેવી ફિલ્મ્સ સાથે જોડાયેલા લોકેશ કનગરાજે અરુણ માથેસ્વરનની ફિલ્મ ‘ડીસી’માં અભિનયની શરૂઆત કરી. બીજી તરફ, પ્રદીપ રંગનાથને ‘કોમાલી’થી ડિરેક્ટર તરીકે શરૂઆત કરી હતી, પરંતુ ‘લવ ટુડે’માં લેખક, ડિરેક્ટર અને મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યા બાદ તેઓ સફળ હીરો તરીકે પણ સ્થાપિત થયા.
રાઘવ લોરેન્સે પણ ‘કંચના’ જેવી ફિલ્મ્સ દ્વારા દિગ્દર્શન અને અભિનય બંનેમાં પોતાની ઓળખ ઊભી કરી છે. આ બધાની કારકિર્દી એકસરખી નથી, પરંતુ તેઓ એક વાત જરૂર સાબિત કરે છે કે ભારતીય સિનેમામાં એક વ્યક્તિ માટે એક જ ભૂમિકા પૂરતી નથી.
આ ટ્રેન્ડ પાછળ એક કારણ વ્યવહારુ અર્થતંત્ર પણ છે. એક ફિલ્મનું દિગ્દર્શન કરવું એટલે વર્ષો સુધી સ્ક્રિપ્ટ ડેવલપમેન્ટ, ફાઇનાન્સિંગ, કાસ્ટિંગ, શૂટિંગ અને રિલીઝની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે કામ કરવું. જ્યારે અભિનયની એક ભૂમિકા ઘણી વાર ઓછા સમયની પ્રતિબદ્ધતા માગે છે અને તેના બદલામાં નિશ્ર્ચિત મહેનતાણું મળી શકે છે.
અનુરાગ કશ્યપે પણ વાત કરી છે કે અભિનયની કમાણી તેમને પોતાની ફિલ્મ્સ બનાવવા માટે આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે. કોઈ મોટા પ્રોજેક્ટ માટે ફાઇનાન્સ મેળવવામાં સમય લાગે ત્યારે અભિનયની ઓફર આવકનો બીજો સ્રોત બની શકે છે. એટલે અભિનય હંમેશાં દિગ્દર્શનથી ધ્યાન હટાવવાની બાબત નથી, ક્યારેક તે દિગ્દર્શન ચાલુ રાખવાનો રસ્તો પણ બને છે.
અલબત્ત, દરેક સારો ડિરેક્ટર સારો એક્ટર બની જાય એવું નથી. પરંતુ ખાસ કરીને સહાયક ભૂમિકાઓમાં પાત્રની જરૂરિયાત સમજવાની તેમની આવડત કામ લાગી શકે છે. સાથે જ, જાણીતા ડિરેક્ટરનું સ્ક્રીન પર દેખાવું ફિલ્મ માટે વધારાની ચર્ચા અને પ્રમોશન પણ ઊભું કરી શકે છે.
લાસ્ટ શોટ
તિગ્માંશુ ધુલિયાએ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી અભિનયની તાલીમ લીધી છે.