હેમા શાસ્ત્રી
‘જેન- ઝી-જનરેશન ઝી- ઝૂમર્સ-ડિજિટલ નેટીવ્સ...’ જેવાં વિવિધ નામથી ઓળખાતી 1997થી 2012 દરમિયાન જન્મેલી આ પેઢી તાજેતરના સમયમાં આપણા દેશમાં વાવાઝોડાની માફક ફરી વળી છે. એના રાજકીય દ્રષ્ટિકોણ કે એની યથાર્થતામાં ઊતરવાનો કોઈ પ્રયાસ અત્રે નથી કરવો. વાત કરવી છે તો આ ‘જેન ઝી’નું પ્રતિનિધિત્વ કરતી એક યંગસ્ટરની. એક એવી યંગસ્ટર જેની વિચાર કરવાની પદ્ધતિ અંગત વિકાસ સાથે સમાજ-દેશના વિકાસને પ્રાધાન્ય આપે છે.
કળાની દુનિયામાં અને ચોક્કસપણે કહીએ તો સિનેમાની દુનિયામાં જનરેશન ઝીનો એક પ્રયાસ ‘ટોક ઑફ ધ ટાઉન’ બની ગયો છે. જેન-ઝીનું સમર્થન કરનારા અને એને ભાંડનારા એ બંને વર્ગ આ વાત જાણે અને સમજવાની કોશિશ કરશે તો એમાં જનહિત જ નહીં દેશહિત પણ સમાયેલું છે એની સાથે સહમત થશે. વાતને મૂળમાંથી જાણીએ અને સમજીએ.
ગયા મહિને ‘મુંબઈ સમાચાર’ની મેટિની પૂર્તિમાં વાચકોએ 20મી સદીના આધ્યાત્મિક સંત અને ગુરુ નીમ કરોલી બાબાની જીવન કથની પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ વિશે વાંચ્યું હશે.
માત્ર બે કરોડના બજેટમાં તૈયાર થયેલી ‘હનુમાન અંશ’ આ લખાય છે ત્યાં સુધીમાં વિશ્વભરમાં થી 435 કરોડનો વકરો કરવામાં સફળ રહી છે. ફિલ્મ જ્યારે તૈયાર થઈ રહી હતી ત્યારે ત્રણ નિર્માતા હતા- રાગિણી સોના, નમ્રતા સિંહ અને ફિલ્મના લેખક-દિગ્દર્શક ઉપરાંત સહ નિર્માતા બનેલા વિશાલ ચતુર્વેદી. એક મહત્ત્વના તબક્કે અનુપ્રિયા નાગર નામની 21 વર્ષની તરુણી ‘હનુમાન અંશ’ના નિર્માણનો અંશ બનવા તૈયાર થઈ અને એક ઈતિહાસ રચાઈ ગયો.
પ્રકાશિત જાણકારી અનુસાર અનુપ્રિયાને યુકેની યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન દરમિયાન ઈન્વેસ્ટમેન્ટ માટે પોર્ટફોલિયોનું અસાઈન્મેન્ટ કરવાનું હતું. ટેક કંપનીઓના ફાઉન્ડર્સ વિશે રિસર્ચ માટે ખાંખાંખોળા કરતી વખતે અનુને જાણવા મળ્યું કે સ્ટીવ જોબ્સ (જગવિખ્યાત ‘ઍપલ’ કંપનીના સહ સ્થાપક) આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાથી અત્યંત પ્રભાવિત હતા. ભારતીય સંતની જાણકારી એક વિદેશી વ્યક્તિ પાસેથી મેળવવી અનુને થોડું વિચિત્ર લાગ્યું.
ભારતીય નાગરિક હોવાના નાતે જાતે જ માહિતી મેળવવા નિર્ધાર કર્યો. ભારતીય મિત્રો પાસેથી જાણવાની કોશિશ કરી પણ મોટાભાગના લોકો બાબા વિશે ભાગ્યે જ કશું જાણતા હતા. એણે કોશિશ પડતી જ મૂકી સ્વિત્ઝરલેન્ડમાં તગડા પગારની નોકરી મળી જતા તેણે ત્યાં સેટલ થવાનું નક્કી કર્યું. પૂર્વ તૈયારીના ભાગરૂપે અનુ વિઝા મેળવવા યુકેથી ભારત આવી અને...
ભારતમાં આગમન અને વિદેશ પરત જવાના સમયગાળામાં અનુની મુલાકાત એક ફેમિલી ફ્રેન્ડ સાથે થઈ. આ ફ્રેન્ડ ‘હનુમાન અંશ’ની એક પ્રોડ્યુસર હતી. ‘માહિતી મેળવવાના આશય સાથે મેં એની સાથે ગુરુ નીમ કરોલી બાબાની વાતચીત કરી,’ અનુએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે, ‘અમે બાબાના જીવન અને કવન પર ફિલ્મ બનાવી રહ્યા છીએ અને ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું હોવાનું તેણે મને કહ્યું. હું ઉત્સાહમાં આવી ગઈ.
બાબા વિશે વધુ જાણકારી મેળવવા મેં ફિલ્મની સ્ક્રિપ્ટ માગી. 120 પાનાંની સ્ક્રિપ્ટ એક બેઠકે વાંચી ગઈ ને એના પ્રવાહમાં તણાઈ ગઈ. મને ફિલ્મ સાથે જોડાવાની તાલાવેલી થઈ. ફિલ્મ માટે યોગદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ફ્રેન્ડએ કહ્યું કે ફિલ્મનું શૂટિંગ તો પૂરું થઈ ગયું છે, પણ પૈસાના અભાવે પોસ્ટ પ્રોડક્શનનું કામ અટકી પડ્યું છે. ક્ષણભરનો વિચાર કર્યા વિના યુકેમાં બે વર્ષ પાર્ટ ટાઈમ નોકરી કરી બચાવેલી મૂડી મેં આપી દીધી. મારા માટે એ વળતર મેળવવા માટેનું આર્થિક રોકાણ નહોતું, બલકે ગુરુજી વિશે જાણકારી મેળવવા માટેની સેવા હતી.’
આપણા જ દેશના આધ્યાત્મિક સંત અને ગુરુ નીમ કરોલી બાબાથી દેશવાસીઓ કોઈ વિદેશી વ્યક્તિથી નહીં, પણ આપણા પ્રયાસોથી વાકેફ થાય એવી અદમ્ય ઈચ્છાએ અનુ ફિલ્મ સાથે જોડાઈ. ફિલ્મનું બજેટ પણ કંઈ તોતિંગ નહોતું, આશરે બે કરોડ રૂપિયા અને અનુ ત્રીજા ભાગનું (વેપારીની ભાષામાં કહીએ તો 33 પૈસા) રોકાણ કર્યું.
શરૂઆતમાં થિયેટરમાં કાગડા ઉડતા હતા ત્યારે અનુપ્રિયા થોડી અસ્વસ્થ થઈ હતી. આર્થિક નુકસાનની ચિંતા એને નહોતી, પણ બાબાની ફિલ્મ લોકો જોતા નથી એનું દુ:ખ હતું. જોકે, એક તબક્કે ફિલ્મ ઉપડી અને આજે તો બ્લોકબસ્ટર સાબિત થઈ છે. સફળતા અંગે પ્રતિભાવ આપતા અનુ જણાવે છે કે ‘આપણા યંગસ્ટર્સ પાસે આપણી સંસ્કૃતિ કે પૌરાણિક કથાની જાણકારી હાથવગી નથી. આવી ફિલ્મો જોઈને તેમને સંતોની જાણકારી અને જ્ઞાન ઉપલબ્ધ થાય છે.
સૌથી સારી વાત મને એ લાગી કે આવી ફિલ્મો પરિવાર સાથે બેસીને માણી રહ્યો છે. થિયેટરમાં દોઢ બે વર્ષના બાળકથી માંડી 80-90 વર્ષના વડીલ પણ આવે છે. આપણો દેશ ગુરુઓ અને સંતોનો છે. દેશવાસીઓ તેમના પ્રત્યે અને ઈશ્વરમાં આસ્થા ધરાવે છે. બધા ભેગા મળી ફિલ્મ જોઈ રહ્યા છે એ આનંદની વાત છે.’
અનુપ્રિયા એક ફિલ્મની સહ નિર્માત્રી બની કરોડો કમાઈ લીધા પછી શું કરવા ધારે છે એવો પ્રશ્ન થવો સાહજિક છે. જેન-ઝી માટે ‘લોટ ઓફ મની, લોટ ઓફ ફન એન્ડ લક્ઝુરિયસ લાઈફ’ એવું સમીકરણ હોય છે, પણ અનુ જરા જુદી માટીની છે. ‘સ્વિટ્ઝર્લેન્ડ જઈ નોકરી કરવાનો વિચાર હમણાં તો નથી. મારે આપણા સુપરહીરોની વાર્તા પરથી ફિલ્મો બનાવવી છે.
બાબાએ અમને સૂંડલો ભરીને આપ્યું છે, દર્શકોનો અફાટ પ્રેમ મળ્યો છે. એટલે ‘હનુમાન અંશ’ની સિક્વલ માટે વિચારી રહ્યા છીએ. ફિલ્મમાંથી અઢળક કમાણી થઈ છે. મને બાળકો બહુ વહાલા છે. બાળકોને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત્ત થાય અને એમને માટે હેલ્થકેર સુવિધા મળે એ માટે બનતું બધું જ કરીશ. ફાઉન્ડેશન બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.’
‘હનુમાન અંશ’ની સફળતાને પગલે ભક્તિપ્રધાન ચિત્રોના નિર્માણમાં ભરતી આવશે? ‘એ સવાલના જવાબમાં 21 વર્ષની તરુણી કહે છે, ‘આશા રાખું કે એવું થાય. હું ગુજરાતી ફિલ્મ ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’થી ખાસ્સી પ્રભાવિત થઈ હતી. પાતળા બજેટમાં અને વીએફએક્સની ભરમાર વિના બનેલી એ ફિલ્મને બોક્સ ઓફિસ પર ફાંકડી સફળતા મળી હતી. આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી આવી વધુ ફિલ્મો બને એવી આશા હું રાખું છું.’
પૌરાણિક કથાવસ્તુ ધરાવતી જ ફિલ્મો બનાવવાના અનુપ્રિયાના વિચાર સાથે સહમત- અસહમત થવાય, પણ એવી ફિલ્મોમાંથી થતી કમાણીનો ઉપયોગ જનહિત માટે કરવાના એના ઈરાદાને તો સલામ મારવી જ રહી.
આજે બદલાઈ રહેલા વિશ્વમાં આવી યુવા શક્તિ આવતી કાલને બદલવાની તાકાત ધરાવે છે.