ભરત ભારદ્વાજ
ભારતમાં ધર્માંતરણ કરનારાને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં અનામત મળવી જોઈએ કે નહીં એ મુદ્દે ચર્ચા ચાલ્યા કરે છે ત્યારે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે કે, ધર્માંતરણ કરનારી વ્યક્તિ પહેલાં હિંદુ હોવાના આધાર પર અનામતનો લાભ ના લઈ શકે. મતલબ કે, ધર્મ બદલીને હિંદુ મટ્યા એટલે અનામતનો લાભ પણ છોડી દેવો પડે. તમિળનાડુ સરકારે હિંદુમાંથી મુસલમાન બનનારાને પણ અનામતનો લાભ આપવાનો ફતવો બહાર પાડેલો પણ સુપ્રીમ કોર્ટે આ ફતવાની ભૂંગળી કરી નાખી છે.
આ ચુકાદો બહુ મોટો છે કેમ કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, અનુસૂચિત જનજાતિ (એસટી) સિવાયના કેસોમાં માત્ર હિંદુઓને જ અનામતનો અધિકાર છે. અનુસૂચિત જાતિ કે પછી બીજા કોઈ પણ પ્રકારના હિંદુ ધર્મનાં લોકો જ અનામતનો અધિકાર ધરાવે છે. સુપ્રીમ કોર્ટે એ પણ સાફ શબ્દોમાં કહ્યું છે કે ઇસ્લામ ધર્મ સ્વીકારનાર વ્યક્તિ ધર્માંતરણ પહેલાં હિંદુ હોવાના આધારે પછાત વર્ગને અપાતી અનામતનો હકદાર નથી.
આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે વટલાઈને મુસ્લિમ બનનારાને પણ અનામત આપવાનાતમિળનાડુ સરકારના જાહેરનામાને રદ કરી દીધું છે. તમિળનાડુમાં આ પહેલાં એમ.કે. સ્ટાલિનની ડીએમકે સરકાર હતી ત્યારે 2024માં આ ફતવો બહાર પડાયેલો.
સ્ટાલિનની સરકારે એવું જાહેરનામું બહાર પાડેલું કે, પછાત વર્ગો, સૌથી પછાત વર્ગો, અનિર્દિષ્ટ સમુદાયો અથવા અનુસૂચિત જાતિની કોઈ વ્યક્તિ હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ સ્વીકારે તો પણ તેનો પછાત વર્ગની વ્યક્તિ તરીકેનો અધિકાર ના છિનવાય. સ્ટાલિનની સરકારે આ વટલાયેલા હિંદુઓને પછાત વર્ગ (મુસ્લિમ) ગણવાનું નવું તૂત શરૂ કરેલું. સ્ટાલિન સરકારે ધર્માંતરણ કરવા છતાં અનામતનો લાભ ચાલુ રહે એવી સાત કેટેગરી બનાવેલી ને તેનાં પ્રમાણપત્ર આપીને અનામતનો લાભ અપાતો હતો.
આ ફતવાને હાઈ કોર્ટમાં પડકારવામાં આવેલો. મદ્રાસ હાઈ કોર્ટે સ્ટાલિન સરકારના ફતવાને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધેલો. તમિળનાડુની સરકારે હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારેલો પણ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને શ્રી ચંદ્રશેખરની બેન્ચે હાઈ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે.
તમિળનાડુ સરકારે દલીલ કરેલી કે, કોઈ વ્યક્તિ માત્ર ધર્મ પરિવર્તન કરે તેના કારણે પછાતમાંથી સધ્ધર ના થઈ જાય તેથી ધર્મ પરિવર્તન કરવા છતાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકોને અનામતનો લાભ મળવો જ જોઈએ પણ સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી નથી કેમ કે ભારતનું બંધારણ ધર્મના આધારે અનામત નથી આપતું.
સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, બંધારણની કલમ 16(4) હેઠળ ભારતીય સામાજિક વ્યવસ્થામાં હિંદુઓને જ અનામતનો કાનૂની લાભ મળે છે તેથી હિંદુ હોય ત્યાં સુધી આ લાભ ચાલુ રહે પણ બીજો ધર્મ સ્વીકારો એટલે આ લાભ જતો કરવો પડે.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો મહત્ત્વનો છે કેમ કે તેના કારણે ઓબીસીમાંથી કોઈ ધર્માંતરણ કરે તો શું થાય તે અંગે સ્પષ્ટતા થઈ ગઈ છે. ભૂતકાળમાં પણ એવા ચુકાદા આવ્યા જ છે કે, અનામતનો લાભ માત્ર ને માત્ર હિંદુઓના દલિતોને જ મળી શકે ને બીજા કોઈને ના મળી શકે પણ ઓબીસી વિશે આવી કોઈ સ્પષ્ટતા નહોતી.
તમિળનાડુ સરકારે ધર્માંતરણ કરનારાને પણ અનામતનો લાભ મળવા અંગેનો જે ફતવો બહાર પાડ્યો તેમાં કેટલીક ઓબીસી જ્ઞાતિને પણ સમાવી લીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે, ઓબીસીમાંથી કોઈ ધર્માંતરણ કરે તો તેમને પણ અનામતનો લાભ મળે નહીં. અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી માટેની અનામતમાં હિંદુ સિવાયની ધર્મની જ્ઞાતિઓ પણ છે. આ જ્ઞાતિઓને આ ચુકાદાથી કોઈ ફરક પડવાનો નથી પણ આ હિંદુઓએ ધર્માંતરણ કર્યું તો તેમને લાભ નહીં મળે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો બીજી રીતે પણ મહત્ત્વનો છે. તમિળનાડુ સરકારે મતબેંકના ગંદા રાજકારણને વાસ્તે નવો ચિલો ચાતરવાની કોશિશ કરેલી. સુપ્રીમ કોર્ટે તમિળનાડુ સરકારના ફતવાને માન્યતા આપી હોત તો બીજાં રાજ્યોમાં પણ ધર્માંતરણનો વાવર ચાલુ થઈ ગયો હોત કેમ કે ધર્માંતરણના કારણે મળતા અનામતના લાભો નહીં મળે એવો ડર નીકળી ગયો હોત. અત્યારે ઓબીસીમાંથી ભાગ્યે જ કોઈ ધર્માંતરણ કરે છે.
મોટા ભાગનું ધર્માંતરણ દલિત અને આદિવાસી સમુદાયમાંથી થાય છે પણ ધર્માંતરણ કરનારાને પણ અનામતનો લાભ મળે તો ઓબીસીમાંથી પણ ધર્માંતરણ ચાલુ થઈ જાય. ઓબીસીમાં નીચલી મનાતી જ્ઞાતિઓ ધર્માંતરણ કરવા માંડે કેમ કે ધર્માંતરણ કરાવનારા જાત જાતની લાલચો આપે છે. સુપ્રીમ કોર્ટે એ શક્યતા નાબૂદ કરી છે અને હિંદુઓ પર બહુ મોટો ઉપકાર કર્યો છે. અનામતની લાલચમાં ને લાલચમાં પણ બહુ મોટો વર્ગ હિંદ સમાજને છોડીને નહીં જાય અને તેનો હિસ્સો બની રહેશે.
સુપ્રીમ કોર્ટે તો બંધારણીય જોગવાઈઓને આધારે ચુકાદો આપ્યો ને સાબિત કર્યું કે, સુપ્રીમ કોર્ટ મહદઅંશે બંધારણને વફાદાર છે પણ આપણા રાજકારણીઓ બંધારણને વફાદાર છે ખરા એ સવાલ આ કેસે ઊભો કર્યો છે. રાજકારણીઓને બંધારણીય જોગવાઈઓની ખબર ના હોય એવું નથી પણ એ લોકો મતબેંકની લહાયમાં બંધારણને કોરાણે મૂકીને પોતાને ફાવે એવાં તૂત ઊભાં કરી દે છે એ આ કેસનો બોધપાઠ છે.
ભારતમાં અનામતની વ્યવસ્થા વિકાસથી વંચિત રહી ગયેલા સમાજના નીચલા અને પછાત વર્ગને સમાન તક આપવા માટે કરાયેલી પણ કમનસીબે અનામત રાજકારણનો તથા મતબેંકનો મુદ્દો બનીને રહી ગયો છે. રાજકારણીઓ અનામતનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવા માટે કરે છે અને લોકોને એકબીજા સામે લડાવે છે. તેના કારણે પછાત જ્ઞાતિઓ તો હજુ ત્યાંની ત્યાં જ છે પણ સમાજમાં જ્ઞાતિવાદના કારણે પરસ્પર વેરઝેર વધી ગયાં છે.
આપણા રાજકારણીઓને આ વેરઝેર અને વિભાજનથી સંતોષ નથી એટલે ધર્મના નામે અનામત આપવાના ઉધામા પણ કર્યા કરે છે. સ્ટાલિનની સરકાર પહેલી નથી કે જેણે આ ઉધામો કર્યો હોય. સ્ટાલિનની સરકારે તો ધર્માંતરણ કરનારાને અનામત આપી, બાકી ભૂતકાળમાં તો સીધી મુસ્લિમોને અનામત પણ અપાયેલી છે.
2004માં આંધ્ર પ્રદેશની વાયએસઆર રાજશેખર રેડ્ડીની કોંગ્રેસ સરકારે મુસ્લિમો માટે ચાર ટકા અનામતની જોગવાઈ કરેલી પણ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી. આંધ્ર પ્રદેશમાં મુસ્લિમો માટે 4 ટકા અનામત ફગાવાઈ પછી કોંગ્રેસ સરકારે નવેસરથી ને નવી બંધારણીય જોગવાઈ હેઠળ ફરી મુસ્લિમો માટે અનામતની જાહેરાત કરેલી.
2010માં સુપ્રીમ કોર્ટે એ અનામતને માન્ય રાખેલી. કેન્દ્રની મનમોહનસિંહ સરકારે 2011માં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની 27 ટકા અનામતમાંથી સાડા ચાર ટકા અનામત મુસ્લિમો માટે રાખવાની જોગવાઈ કરી તેને આંધ્ર હાઈ કોર્ટે ફગાવી દીધેલી. મહારાષ્ટ્રમાં પણ મુસ્લિમો માટે પાંચ ટકા અનામતની જોગવાઈ ફગાવી દેવાયેલી. આ ચુકાદા એ વાતનો પુરાવો છે કે, સુપ્રીમ કોર્ટ છે તો બંધારણનું પાલન થાય છે, બાકી નેતાઓ તો બધાને ઘોળીને પી જાય.