Fri Oct 16 2026

Logo

દિલ્હીમાં સીજેપીની 'તિરંગા કૂચ'ને લઈ દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી, આ રસ્તા રહેશે બંધ

2026-10-16 08:25:00
Author: Vimal Prajapati
દિલ્હીમાં સીજેપીની 'તિરંગા કૂચ'ને લઈ દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી, આ રસ્તા રહેશે બંધ

 

 

 

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અને SIR વિવાદને લઈને ચર્ચામાં આવેલી CJPનું વિરોધ પ્રદર્શન હવે ‘તિરંગા કૂચ’માં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. અભિજીત દીપકેએ નાગરિકોને શુક્રવારે, ૧૬ ઓક્ટોબરે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે ‘લહેરા દો તિરંગા’ કૂચનું એલાન કર્યું છે. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે આજ માટે વિશેષ ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે અને લોકોને કનોટ પ્લેસ તેમજ તેની આસપાસના રસ્તાઓ પર નીકળતા પહેલા ટ્રાફિક અપડેટ મેળવી લેવા અપીલ કરી છે.

કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્ક ખાતે CJPના પ્રસ્તાવિત તિરંગા કૂચને કારણે ટ્રાફિક વ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થવાની સંભાવના છે. દિલ્હી ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે 03  વાગ્યાથી કનોટ પ્લેસ અને તેની આસપાસના અનેક મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર અસર પડી શકે છે. 

વર્તમાન પરિસ્થિતિને જોતા જરૂર પડ્યે ટ્રાફિક ડાયવર્ઝન પણ લાગુ કરવામાં આવશે. નવી દિલ્હીના વ્યસ્ત વિસ્તારોમાં વાહન વ્યવહારના સંચાલન માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ સ્થિતિમાં ઓફિસ જતા કર્મચારીઓ, ખરીદી માટે બજારમાં આવતા ગ્રાહકો અને આ માર્ગો પરથી પસાર થનારા વાહનચાલકોને વધારાનો સમય ફાળવીને ઘરની બહાર નીકળવા સલાહ આપવામાં આવી છે.
 
નવી દિલ્હીમાં કયા માર્ગો પર રહેશે અસર?

દિલ્હી ટ્રાફિક પોલીસે જે માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરી છે તેમાં સંસદ માર્ગ, બાબા ખડક સિંહ માર્ગ, શહીદ ભગત સિંહ માર્ગ, પંચકુઈયા રોડ, બસંત લેન, ચેમ્પ્સફોર્ડ રોડ અને મિન્ટો રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બારાખંબા રોડ, કસ્તુરબા ગાંધી માર્ગ, જનપથ, રેલ ભવન, રફી માર્ગ, સી-હેક્સાગોન, મંડી હાઉસ, પટેલ ચોક, વિન્ડસર પ્લેસ અને ગોલ ડાકખાનાની આસપાસ પણ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

 

એડવાઈઝરીમાં અશોક રોડના જીપીઓથી સી-હેક્સાગોન સુધીનો હિસ્સો, તિલક માર્ગ, ટૉલ્સ્ટૉય માર્ગ અને સિકંદરા રોડને પણ સંભવિત પ્રભાવિત માર્ગોમાં સામેલ કરવામાં આવ્યા છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિકની વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગો પરની અવરજવર નિયંત્રિત કરવામાં આવશે. જેથી ઘરેથી નીકળતા પહેલા રૂટ અંગે અપડેટ મેળવી લેવા માટે દિલ્હી પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. આ સાથે જ, રસ્તાની કિનારે વાહનો પાર્ક કરવાનું ટાળીને માત્ર નિર્ધારિત પાર્કિંગ સ્થળોનો જ ઉપયોગ કરવા સલાહ અપાઈ છે.

ટ્રાફિકના લેટેસ્ટ અપડેટ્સ અને વૈકલ્પિક માર્ગોની માહિતી માટે દિલ્હી ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ મુશ્કેલી કે સહાયતા માટે હેલ્પલાઇન નંબરો 1095 અને 011-25844444 પણ કાર્યરત કરવામાં આવ્યા છે.