Tue Nov 17 2026

Logo

‘મને અંધભક્ત કહો કે દલાલ, કોઈ ફરક પડતો નથી’, PM મોદીના સમર્થનમાં ઉતર્યા અનુપમ ખેર, જાણો શું કહ્યું...

2026-10-16 10:15:00
Author: Mumbai Samachar Team
‘મને અંધભક્ત કહો કે દલાલ, કોઈ ફરક પડતો નથી’, PM મોદીના સમર્થનમાં ઉતર્યા અનુપમ ખેર, જાણો શું કહ્યું...

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીઓ સામે તેમણે નારાજગી વ્યક્ત કરી છે. અનુપમ ખેરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, લોકો તેમને ‘અંધભક્ત’ કહે કે ‘દલાલ’, તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. દેશ અને વડાપ્રધાન અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં તેઓ ચૂપ રહેવા માંગતા નથી.

અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ શેર કરીને જણાવ્યું કે, લોકશાહીમાં સરકારને સવાલ પૂછવાનો, વડાપ્રધાનની ટીકા કરવાનો અને તેમના નિર્ણયો સાથે અસહમત થવાનો દરેક નાગરિકને અધિકાર છે. જોકે, વિરોધ વ્યક્ત કરવાના નામે અપશબ્દોનો ઉપયોગ કરવો કે હિંસા ફેલાવવી યોગ્ય નથી. તેમના મતે, કોઈના વિચારો સાથે અસંમતિ હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વ્યક્તિગત અપમાન કરવામાં આવે!

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

અભિનેતાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો ચૂંટણી પ્રક્રિયા કે મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે કોઈને શંકા હોય, તો તેમણે પુરાવા રજૂ કરવા જોઈએ અને કાયદાકીય તથા બંધારણીય માર્ગ અપનાવવો જોઈએ. સરકારની નીતિઓ ખોટી લાગતી હોય તો ચૂંટણી લડીને જનતાનો વિશ્વાસ જીતવો જોઈએ.

અનુપમ ખેરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ કરવામાં આવતી કથિત અભદ્ર ટિપ્પણીઓ સામે પણ સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પોલીસકર્મીઓ, ખાસ કરીને મહિલા પોલીસકર્મીઓ સાથે કરવામાં આવતા કથિત દુર્વ્યવહારની પણ ટીકા કરી હતી. તેમણે સવાલ કર્યો કે વિરોધ ગમે તેટલો ઉગ્ર હોય, પોતાના વિચારો વ્યક્ત કરવા માટે અપશબ્દોનો સહારો લેવો શું જરૂરી છે? તેમના મતે, લોકશાહીમાં વિરોધની સાથે શિષ્ટાચાર અને શાંતિ જાળવવી પણ એટલી જ જરૂરી છે.

અભિનેતાએ કહ્યું કે તેઓ છેલ્લા 12 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે કરેલા કામોમાં વિશ્વાસ ધરાવે છે અને તેમણે આ વિશ્વાસ સાથે મતદાન પણ કર્યું છે. તેમણે વડાપ્રધાનને ‘ચાયવાલા’ કહીને નીચા દેખાડવાના પ્રયાસો સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અનુપમ ખેરે જણાવ્યું કે સામાન્ય પરિવારમાંથી આવવું કે મહેનત કરીને જીવનમાં આગળ વધવું અપમાનની નહીં, પરંતુ ગૌરવની વાત છે. તેમણે પોતાના પિતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ વન વિભાગમાં ક્લાર્ક હતા અને તેમને પોતાના પરિવારની પૃષ્ઠભૂમિ પર ગર્વ છે.

અનુપમ ખેરે વધુમાં કહ્યું કે, દરેક વ્યક્તિને પોતાના રાજકીય વિચારો રાખવાનો અધિકાર છે. એક જ ક્ષેત્રમાં કામ કરતા કલાકારોના વિચારો પણ અલગ હોઈ શકે છે અને દરેકના અભિપ્રાયને વ્યક્ત કરવાની તક મળવી જોઈએ.

 પોતાના સંઘર્ષોનાં દિવસોને યાદ કરતા તેમણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામની શોધમાં તેમને ઘણીવાર રેલવે પ્લેટફોર્મ પર રાત પસાર કરવી પડી હતી. તે સમયે તેમના દાદા તેમને કહેતા કે, 'બેટા યાદ રાખજે ભીંજાયેલો માણસ ક્યારેય વરસાદથી ડરતો નથી.' તેમણે સ્વીકાર્યું કે પોતાના નિવેદનને કારણે તેમને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ લોકપ્રિયતા જાળવવા માટે તેઓ પોતાના વિચારો દબાવી રાખવા માંગતા નથી. તેમના મતે, લોકશાહીમાં સૌથી ઊંચા અવાજે બોલનાર વ્યક્તિ નહીં, પરંતુ તર્ક અને શાંતિથી પોતાની વાત રજૂ કરનાર વ્યક્તિનો અવાજ મહત્ત્વનો હોય છે.

વધુ જુઓ...