મુંબઈ: પૂરગ્રસ્ત વસઈ-વિરારના બે લાખથી વધુ ગ્રાહકોનો આખરે વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન (એમએસઈડીસીએલ)ને સફળતા મળી છે. વિતરણ કંપનીએ પૂરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરી ગયાના ૧૨ કલાકની અંદર ગ્રાહકોનો વીજ પુરવઠો પુન:સ્થાપિત કર્યો હતો.
પાંચ દિવસ વસઈ-વિરારમાં ભારે મુશળધાર વરસાદને કારણે એમએસઈડીસીએલે સુરક્ષાનાં પગલાં તરીકે અસ્થાયી રૂપે પુરવઠો સ્થગિત કરવાની ફરજ પડી હતી અને બુધવારથી હવામાન સાફ થતાં તેમણે વીજપુરવઠો પૂર્વવત્ કરવાની કામગીરી શરૂ કરી હોવાનું કલ્યાણ રિજનના ડેપ્યુટી ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર અજિત ઇગતપુરીકરે જણાવ્યું હતું.
ઘણા પાણીમાં ડૂબેલા વિસ્તારોમાં એમએસઈડીસીએલની ટીમે ડૂબેલાં સાધનોનું નિરીક્ષણ કરવા માટે બોટનો ઉપયોગ કરવો પડ્યો હતો. પૂરથી નુકસાન પામેલા ભૂગર્ભ કેબલ, ટ્રાન્સફોર્મર, પાવર લાઇન અને થાંભલાઓની વ્યવસ્થિત રીતે તપાસ કરી, જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક સમારકામ અને રિપ્લેસમેન્ટ હાથ ધર્યા હોવાનું એમએસઈડીસીએલના અધિકારીએ જણાવ્યું હતું.
એમએસઈડીસીએલના અધિકારીના જણાવ્યા મુજબ ૫૨૮ ટ્રાન્સફોર્મર પૂરના પાણીમાં ડૂબી ગયા હતા, જેમાંથી ૬૨ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક બદલવા પડ્યા હતા.
વધુમાં ૯૧ વીજળીના થાંભલા તૂટી પડ્યા હતા, જેના કારણે નવા થાંભલા ઉભા કરવા અને ઓવરહેડ પાવર લાઇન ફરીથી બનાવવા પડ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડૂબી ગયેલા તમામ વિદ્યુત ઉપકરણોનું સખત પરીક્ષણ કર્યા પછી જ બે લાખથી વધુ ગ્રાહકોને વીજળી પુર્વવત્ કરવામાં આવ્યો હતો.
બાકીના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી પુન:સ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.
(પીટીઆઈ)