રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે એક શખ્સની હત્યા થતાં ચકચાર મચી ગઈ હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ ઈકબાલ જુનાગઢી નામના શખ્સની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હત્યા કયા કારણોસર કરવામાં આવી અને તેમાં કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.
એક શખ્સ પોલીસની હાથવેતમાં હોવાની ચર્ચા
ઘટનાને પગલે પોલીસની કામગીરી વચ્ચે એક શખ્સ પોલીસની હાથવેતમાં હોવાની માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે. જોકે, આરોપી અંગે પોલીસ તરફથી સત્તાવાર જાહેરાત કે પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસની સત્તાવાર તપાસ બાદ જ આ અંગેની હકીકત સ્પષ્ટ થશે.

સાત દિવસમાં બીજી હત્યાથી સવાલો
ખાસ કરીને માત્ર સાત દિવસના સમયગાળામાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીજી હત્યાની ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊઠ્યા છે.
જંગલેશ્વર સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન કરવામાં આવે અને નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક સ્તરે માંગ ઉઠી રહી છે.
હાલ પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ કારણ, આરોપીઓની સંડોવણી અને સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની સત્તાવાર વિગતો બાદ જ હત્યાના કારણ સહિતની વધુ હકીકતો સામે આવશે.