માથામાં ગંભીર ઇજાને કારણે બાળક હૉસ્પિટલમાં: પિતાનું વેર પુત્ર પર વાળનારા રિક્ષા ડ્રાઈવરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઈની એક હાઉસિંગ સોસાયટીમાં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં ચાર વર્ષના બાળકને પગેથી પકડીને હવામાં ફેરવ્યા પછી બેરહેમીથી જમીન પર પટકવામાં આવ્યો હતો. પિતા સાથે થયેલા ઝઘડાનું વેર વાળવા પુત્ર પણ અમાનુષી હુમલો કરનારા રિક્ષા ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલો બાળક જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે ત્યારે રહેવાસીઓએ આ રીતે વેર વાળવાના કૃત્ય પર બળાપો ઠાલવ્યો હતો.
વસઈ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સંદીપ પવાર તરીકે થઈ હતી. થોડા દિવસ અગાઉ સંદીપનો ઝઘડો એ જ સોસાયટીમાં રહેતા અતુલ કોંઢારે સાથે થયો હતો, જેને પગલે તેણે અતુલના પુત્ર પર હુમલો કર્યો હોવાનું પોલીસનું કહેવું છે.વસઈ પશ્ર્ચિમમાં આવેલી અનુપમ સોસાયટીમાં બનેલી આ ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા પછી રહેવાસીઓએ આરોપી વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો.
મળતી માહિતી અનુસાર આરોપી સંદીપ પવાર રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સંદીપ અને બાળકના પિતા અતુલ વચ્ચે વિવાદ હતો. સોમવારની સાંજે સાત વાગ્યાની આસપા સંદીપ સોસાયટી કમ્પાઉન્ડમાં આવ્યો ત્યારે બાળકો તેની રિક્ષા પાસે રમતા હતા.વીડિયોમાં નજરે પડે છે કે બાકીના બાળકોને ધમકાવીને ભગાવી દીધા પછી સંદીપે રિક્ષામાં બેસેલા બાળકની મારપીટ કરી હતી. પછી બન્ને પગેથી બાળકને ઊંધો ઊંચકી હવામાં ગોળ ફેરવ્યો હતો અને જમીન પર પટક્યો હતો.
આટલેથી ન અટકતાં બાળકને પગેથી ઘસડીને સંદીપ બિલ્ડિંગ તરફ લઈ જાય છે અને ત્યાં પણ તેની મારપીટ કરે છે.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બાળકને પહેલાં વસઈની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તેની હાલત નાજુક હોવાથી મીરા રોડની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાળકને આઈસીયુમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે માહિતી મળતાં જ વસઈ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડ્યો હતો. તેની વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી.