Wed Sep 09 2026

Logo

યુપી-બંગાળમાં વરુણ ગાંધીને મળશે મોટી જવાબદારી? પીએમ મોદી સાથેની મુલાકાતથી રાજકીય અટકળો તેજ

2026-03-17 15:17:40
Author: Devayat Khatana
યુપી-બંગાળમાં વરુણ ગાંધીને મળશે મોટી જવાબદારી? પીએમ મોદી સાથેની મુલાકાતથી રાજકીય અટકળો તેજ

નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યમાં ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે હવે રાજકીય મુલાકાતોનો દોર  ચાલુ થયો છે. પીલીભીતના પૂર્વ સાંસદ વરુણ ગાંધીએ તાજેતરમાં નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સપરિવાર મુલાકાત કરી હતી, જેણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. 

આ બેઠકમાં વરુણ ગાંધીની સાથે તેમના પત્ની અને પુત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. વરુણ ગાંધીએ સોશિયલ મીડિયા પર આ મુલાકાતની તસવીરો શેર કરતા લખ્યું કે, તેમને વડા પ્રધાનના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમણે પીએમ મોદીના વ્યક્તિત્વમાં 'પિતૃતુલ્ય સ્નેહ'નો અનુભવ થયો હોવાનું જણાવી તેમને દેશના સાચા વાલી ગણાવ્યા હતા.

આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને પાંચ રાજ્યોમાં રાજકીય માહોલ ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે વરુણ ગાંધીને ટિકિટ આપી ન હતી અને અગાઉ વરુણ ગાંધી ખેડૂત આંદોલન તેમજ બેરોજગારી જેવા મુદ્દે પોતાની જ સરકારની જાહેરમાં ટીકા કરી ચૂક્યા છે. જોકે, પીએમ મોદી સાથેની આ આત્મીય મુલાકાત ભાજપ અને વરુણ ગાંધી વચ્ચેના સંબંધોમાં આવેલા અવરોધો દૂર થયા હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

રાજકીય વિશ્લેષકો આ બેઠક પાછળ પશ્ચિમ બંગાળનું જોડાણ પણ જોઈ રહ્યા છે. વરુણ ગાંધીના પત્ની બંગાળી મૂળના છે અને વરુણ ગાંધી અગાઉ ભાજપના મહાસચિવ તરીકે બંગાળના પ્રભારી રહી ચૂક્યા છે, જ્યાં તેમણે સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપ આગામી સમયમાં વરુણ ગાંધીને ઉત્તર પ્રદેશ અથવા પશ્ચિમ બંગાળમાં કોઈ મોટી જવાબદારી સોંપીને ફરી સક્રિય કરી શકે તેવી અટકળો તેજ થઈ છે.