Wed May 06 2026

Logo

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે 'વંદે માતરમ'ને રાષ્ટ્રગીત સમાન દરજ્જો મળશે

2026-05-06 21:43:57
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય પ્રધાન મંડળે 'વંદે માતરમ'ને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે આ ગાનને રાષ્ટ્રગીત 'જન ગણ મન' સમાન દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે કેબિનેટે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ કાયદામાં ફેરફારોને મંજૂરી આપી દીધી છે.

આ નિર્ણય સાથે બંકિમ ચંદ્ર ચેટર્જી દ્વારા લખાયેલા વંદે માતરમને હવે રાષ્ટ્રગીત જેટલું જ કાયદાકીય રક્ષણ મળશે. આ ગીતનું જાણી જોઇને અપમાન કરવું અથવા તેના ગાવામાં અવરોધ લાવવાનો પ્રયાસ કરવો હવે સજાને પાત્ર બનશે. તેમજ સરકારે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમની કલમ ૩માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.

આ કાયદામાં રાષ્ટ્રગીત ગાતી વખતે જાણી જોઇને અવરોધ ઉભો કરનાર અથવા ખલેલ પહોંચાડનાર કોઇપણ વ્યક્તિ માટે સજાની જોગવાઇ છે. આવા કૃત્યો માટે ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઇ શકે છે. વળી વારંવાર અપરાધ કરવા પર ઓછામાં ઓછી એક વર્ષની જેલની સજા છે.

આ સુધારા બાદ આ નિયમો વંદે માતરમ પર પણ લાગુ પડશે. હવે આ ગીતને રાષ્ટ્રીય સન્માનનું રક્ષણ કરતાં કાયદા હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીત સાથે સામેલ કરવામાં આવશે. ભાજપના ચૂંટણી પ્રચારમાં બંકિમ ચંદ્ર ચેટર્જીના વારસા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. વંદે માતરમને બંગાળની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ઓળખનો એેક મહત્વપૂર્ણ ભાગ ગણાવવામાં આવ્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં બજેટ સત્રના સમાપન સમયે સંસદના બંને ગૃહોમાં વંદે માતરમના તમામ છ છંદોનું પઠન કરવામાં આવ્યું હતું. જેથી આ ગીતને વધુ રાષ્ટ્રીય મહત્વ આપવાના સરકારના પ્રયાસ પર વધુ પ્રકાશ પડ્યો હતો.