Fri Sep 11 2026

Logo

ફરી વંદે ભારત એક્સપ્રેસે જીવ બચાવવાનું કામ કર્યું, અંકલેશ્વરનું 'દિલ' અમદાવાદ પહોંચાડ્યું

2026-08-02 14:43:53
Author: Pooja Shah
ફરી વંદે ભારત એક્સપ્રેસે જીવ બચાવવાનું કામ કર્યું, અંકલેશ્વરનું 'દિલ' અમદાવાદ પહોંચાડ્યું

અમદાવાદઃ ત્રણ દિવસમાં બે વાર વંદે ભારત એક્સપ્રેસ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની રાહ જોઈ રહેલા દરદીઓને કામ આવી છે. અમદાવાદના યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અંકલેશ્વરથી હૃદય લઈ તેને સમયસર પહોંચાડવાનું કામ વંદે ભારત એક્સપ્રેસે કર્યું હતું. આ માટે પહેલીવાર આ એક્સપ્રેસ ટ્રેન ખાસ અંકલેશ્વર સ્ટેશન પર ઊભી રખવામાં આવી હતી, તેવી માહિતી રેલવેના સૂત્રો પાસેથી મળી હતી. 

યુ.એન. મહેતા હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી આ હૃદય મેળવવામાં આવ્યું હતું. હોસ્પિટલથી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન સુધી મિનિટોમાં ઓર્ગન ટ્રાન્સપોર્ટટેશન માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછો પરિવહન સમય લાગે તેની તકેદારી રાખવામાં આવી હતી. ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં એક એક મિનિટ મહત્વની હોય છે અને દરદી માટે જીવનમરણનો ખેલ બની રહે છે. 

ત્રણ દિવસમાં આ બીજી વખત બન્યું છે જ્યારે વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ દાનમાં મળેલા અવયવને યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવા માટે કરવામાં આવ્યો છે. 
આગામી પ્રક્રિયા યુ.એન. મહેતા હોસ્પિટલમાં કરવામાં આવતી 78મી સફળ હૃદય પ્રત્યારોપણ (હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન છે, તેવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી હતી.