Sat Sep 12 2026

Logo

વંદે ભારત બની 'લાઇફલાઈન': સુરતથી અમદાવાદ 2 કલાક 27 મિનિટમાં પહોંચાડાયું ધબકતું હૃદય

2026-07-31 20:25:00
Author: Mumbai Samachar Team
વંદે ભારત બની 'લાઇફલાઈન': સુરતથી અમદાવાદ 2 કલાક 27 મિનિટમાં પહોંચાડાયું ધબકતું હૃદય

અમદાવાદ: હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરી ધબકતા હૃદયને સમયસર હોસ્પિટલ પહોંચાડવાનું કામ અત્યંત પડકારજનક હોય છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં એર એમ્બ્યુલન્સ અથવા ગ્રીન કોરિડોરની મદદ લેવામાં આવે છે. જોકે, ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવતા હૃદયનું પરિવહન કરી વંદે ભારત એક્સપ્રેસ 'લાઇફલાઈન' બની ગઈ છે. સૂરતથી અમદાવાદ સુધી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસમાં જીવતું હૃદય માત્ર 2 કલાક 27 મિનિટમાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યું હતું.

સુરતથી અમદાવાદ (ટ્રેન ક્રમાંક 20901) લાવવામાં આવેલું આ હૃદય અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દર્દીના હૃદય પ્રત્યારોપણ માટે ઉપયોગમાં લેવાશે. હૃદય પ્રત્યારોપણમાં સમય અત્યંત મહત્વ પૂર્ણ પરિબળ હોવાથી સમગ્ર ઓપરેશન દરમિયાન એક-એક ક્ષણ બચાવવા માટે ખાસ કાળજી લેવામાં આવી હતી.

હૃદયને અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ઉતાર્યા બાદ હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચાડવા માટે રેલવે સુરક્ષા દળ અને ગુજરાત રાજ્ય પોલીસે ગ્રીન કોરિડોર તૈયાર કર્યો હતો. આ ગ્રીન કોરિડોર મારફતે ધબકતા હૃદયને કોઈ પણ જાતના અવરોધ વિના નિર્ધારિત સમયમર્યાદામાં યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું. આ સમગ્ર જીવનરક્ષક અભિયાનમાં ભારતીય રેલવે, ગુજરાત પોલીસ, આરપીએફ અને મેડિકલ ટીમ વચ્ચે ઉત્તમ સંકલન જોવા મળ્યું.

આ પ્રકરણે વધુ માહિતી આપતા અમદાવાદ મંડળના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ દ્વારા ધબકતા હૃદયને સુરતથી અમદાવાદ સુધી સુરક્ષિત અને સમયસર પહોંચાડવું ભારતીય રેલવે માટે ગૌરવ અને સંતોષની ક્ષણ છે. જીવનરક્ષક મિશનમાં દરેક ક્ષણ મહત્વની હોય છે.
 
ભારતીય રેલવે, આરપીએફ, ગુજરાત પોલીસ અને તબીબી ટીમોના સંકલિત પ્રયાસોથી આ અભિયાન સફળ બન્યું છે. કોઈ વ્યક્તિનું જીવન બચાવવામાં રેલવેની ભૂમિકા ભજવવી માત્ર જવાબદારી નહીં, પરંતુ સેવા અને માનવતાની સર્વોચ્ચ ફરજ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જયારે કોઈ વ્યક્તિ બ્રેનડેડ ઘોષિત થાય ત્યારે તેના બચવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે, તેવા સમયે બ્રેનડેડ થયેલી વ્યક્તિના પરિવારજનોને અંગદાનનો વિકલ્પ આપવામાં આવે છે. જેથી તેમના પરિવારજનોના અંગ બીજાના જીવનમાં એક નવી આશાનું કિરણ લાવી શકે. 

આવા સમયે આંખ, કિડની, લીવર, હ્રદય દાન કરી શકાય છે. પરંતુ આ અંગોને સમયસર બીજી વ્યક્તિ સુધી સમયસર અને સુરક્ષિત પહોંચાડવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જેમાં વંદે ભારત ટ્રેને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સાચા અર્થમાં 'લાઈફલાઇન' બની ગઈ છે.