Wed Sep 16 2026

Logo

મોબાઈલ અને ગાડી કબજે નહીં કરવાના બદલામાં લાંચ માંગનાર બે પોલીસ કર્મીઓ અને બે વચેટિયા પકડાયા

2026-05-11 22:38:17
Author: Devayat Khatana
મોબાઈલ અને ગાડી કબજે નહીં કરવાના બદલામાં લાંચ માંગનાર બે પોલીસ કર્મીઓ અને બે વચેટિયા પકડાયા

સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને બે ખાનગી વ્યક્તિઓ લાંચ લેતા ઝડપાઈ જતાં ચકચાર મચી ગઈ છે. ભાવનગર એસીબી દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં આરોપીઓએ એક જાગૃત નાગરિક પાસેથી રૂા. ૫૧,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાયા છે. આરોપીઓમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ મનસુખભાઇ મેર અને છગનભાઇ માવજીભાઇ ડાભી તેમજ ખાનગી વ્યક્તિઓ મયુરભાઇ બાબુભાઇ ખુમાણ અને અતુલભાઇ ચૌહાણનો સમાવેશ થાય છે.

આ કેસની વિગતો મુજબ, ફરિયાદીના મિત્ર સામે વંડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો જેની તપાસ આરોપી વિજયભાઇ પાસે હતી. આરોપીએ ફરિયાદીના મિત્ર પાસે રહેલ મોબાઈલ ફોન અને ફોર વ્હીલર ગાડી કબજે ન કરવા, ધંધો સારી રીતે ચલાવવા દેવા અને માર ન મારવાના અવેજ પેટે આરોપી અતુલભાઇ મારફતે પ્રથમ રૂા. ૧,૨૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે રૂા. ૫૧,૦૦૦ આપવાનું નક્કી થયું હતું.

ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા ૧૧ મે ૨૦૨૬ના રોજ વંડા ગામમાં ગોપીનાથ ઓઈલ મિલ પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. અહીં મયુરભાઇએ વિજયભાઇ વતી લાંચના ૫૧ હજાર સ્વીકાર્યા હતા, જે નાણાં લેવા માટે પોલીસ કર્મી છગનભાઇ આવતા એસીબીની ટીમે બન્નેને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી વિજયભાઇને પણ પોલીસ સ્ટેશન ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એસીબીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ટી. એસ. રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.