Sun Mar 08 2026

Logo

દેશોનાં તમામ અર્થતંત્રના ગુણાકાર એટલે વેલેન્ટાઇન-ડે

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

કેનવાસ - અભિમન્યુ મોદી

જુદા જુદા દળ કે જૂથ વેલેન્ટાઈન ડેનો વિરોધ કરવા જંગલીવેડા કરે કે કાયદો હાથમાં લે એ તો દર વખતનું થયું. ગુજરાતીની નજર હોવી જોઈએ ધંધા પર. વેલેન્ટાઇન સિઝનમાં બિઝનેસ બહુ થતો હોય છે. દર વર્ષે  14 ફેબ્રુઆરીએ ઉજવાતો આ ઉત્સવ દરેક દેશના અર્થતંત્રને જાણે એક ‘રિ-સ્ટાર્ટ’ મારી દે છે. નાતાલનો તહેવાર પણ ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે, પરંતુ વેલેન્ટાઈન ડે નિમિતે જેટલા દેશોમાં જેટલા મોટા પયમાના ઉપર આર્થિક ઉથલપાથલ થાય છે એટલી બીજા કોઈ ઉત્સવમાં નથી થતી. કટ્ટરવાદી દેશો અને અમુક રૂઢિચુસ્ત મુસ્લિમ દેશો જ્યાં કાયદાકીય રીતે વેલેન્ટાઈન ડેના સેલિબ્રેશન ઉપર પ્રતિબંધ હોય છે તેના અપવાદ સિવાય દરેક દેશના સ્થાનિક રહીશો આ દિવસ ધામધૂમથી ઉજવે છે. વેલેન્ટાઈન ડે પ્રમાણમાં નવો નવો શોધાયેલો ફેસ્ટિવલ છે.

બે વિજાતીય પાત્રો એકમેકને પોતાના મનની લાગણી નિર્દોષતાથી અને બિલકુલ બિનહાનિકારક રીતે વ્યક્ત કરે તો તે બહુ રૂડી વાત છે. જેમ રક્ષાબંધનનો તહેવાર હોય, મધર્સ- ડે અને ફાધર્સ- ડે હોય તેમ બે વિજાતીય પાત્ર વચ્ચેના સંબંધનો પણ એક તહેવાર હોવો જોઈએ. વેલેન્ટાઈન ડે તેની ખોટ પૂરી પાડે છે. વસંતપંચમીની તિથિની આજુબાજુ જ દર વર્ષે વેલેન્ટાઈન ડે આવે છે. આ જ હકીકત બતાવે છે કે વેલેન્ટાઈન ડે એ કુદરતના સહારે કરવામાં આવતી ઉજવણી છે. વસંત ઋતુ જ કુદરત માટે ખીલવાની મૌસમ છે. વસંત અને વેલેન્ટાઇન અને આપણો પુરાતન ભારતીય ભૂતકાળ ઉપર તો એક લેખમાળા થઇ શકે, પરંતુ આજે આપણો મુખ્ય વિષય છે વેલેન્ટાઈન ડે અને તેની સાથે  સંકળાયેલું અર્થતંત્ર.

અમેરિકામાં  રિટેલના  બિઝનેસ ઉપર દેખરેખ રાખનારી એક સંસ્થા છે, જે ‘નેશનલ રિટેલ ફાઉન્ડેશન’ તરીકે ઓળખાય છે. આ સંસ્થાએ જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ 2026ના વેલેન્ટાઈન દિવસે અંદાજીત ચાલીસેક અબજ ડૉલરનો બિઝનેસ ફક્ત આ તહેવાર નિમિત્તે થશે! ચોક્કસ આંકડામાં કહીએ તો 39.6 બિલિયન ડૉલર જેટલો ખર્ચ ફક્ત અમેરિકનો કરશે, પોતાના પ્રિયજનને હેપી વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવવા માટે. વળી આ ખર્ચો ગયા વર્ષે થયેલા કુલ ખર્ચ કરતાં ઘણો વધુ છે.

આમ જો ફક્ત વેલેન્ટાઈન વીકમાં આટલા મોટા પાયે ખરીદ-વેચાણ થતું હોય તો કેટલી જંગી રકમ માર્કેટના મુખ્ય પ્રવાહમાં મળે તે વિચારવા જેવું છે. ઠંડી પડી ગયેલી બજારને આવા જંગી વધારાથી કેટલો મોટો ધક્કો મળે અને સરવાળે દરેક વર્ગના વ્યક્તિઓને ફાયદો થાય. રિટેલમાં જ જો આટલો ઉછાળો આવતો હોય તો તે ઈકોનોમીને જબરી બુસ્ટ કરે. 

ઉપભોક્તાની ખરીદશક્તિનો કોઈ પણ દેશના અર્થતંત્રમાં મોટો ફાળો હોય છે. જે તે અર્થતંત્રમાં સીત્તેર ટકા ફાળો રિટેલ આઉટપુટનો હોય છે જે વેલેન્ટાઈન ડેને કારણે વધી જાય છે. સરવાળે દેશના જીડીપી-વાર્ષિક ઘરેલું ઉત્પાદનને પણ ફાયદો જ થાય. વળી વેલેન્ટાઈન નિમિત્તે પુરુષ-સ્ત્રી દ્વારા થતા ખર્ચામાં પણ ભેદભાવ જોવા મળે. સરેરાશ રીતે પુરુષ દરેક સ્ત્રી કરતાં બમણો ખર્ચો કરતો હોય છે. જો પુરુષ 196 ડૉલર્સની વેલેન્ટાઇન ખરીદી કરશે તો તેની સામે સ્ત્રીનો સરેરાશ વેલેન્ટાઈન ખર્ચ 100 ડૉલર્સની અંદર રહે છે. તેનું મુખ્ય કારણ તો પુરુષ અને સ્ત્રી વચ્ચે આર્થિક અસમાનતા પણ છે. સામાન્યત: સરેરાશ પુરુષ સરેરાશ સ્ત્રી કરતાં વધુ કમાય છે માટે પણ ખર્ચાના આંકડામાં આટલી મોટી અસમાનતા જોવા મળે છે.

આ એક તહેવાર એવો છે જેમાં જેમ વ્યક્તિ ઉમરમાં નાની તેમ તેનો ઉત્સાહ પ્રમાણમાં વધુ. ટીનેજર બાળકોમાં વેલેન્ટાઈન ડેનો જબરો ક્રેઝ જોવા મળે છે. ફક્ત અમેરિકામાં જ નહિ, ભારતમાં પણ સરેરાશ દર પાંચમું કે છઠું બાળક જે કિશોર કે કિશોરી છે તે વેલેન્ટાઈન નિમિત્તે કશું ને કશું ખરીદી કરે છે. 18 થી 24 વર્ષની આયુ ધરાવતા યુવાનોમાંથી સાઠ ટકા યુવાનો આ તહેવાર ઉજવે છે. 

આ બધા વસ્તુઓના વેચાણમાં નંબર વન પર છે ચોકલેટ. પંચાવન ટકા લોકો ચોકલેટ લે છે, જેની માર્કેટ 1.8 બિલિયન ડૉલર્સની છે. બીજા ક્રમાંકે છે ગ્રીટિંગ કાર્ડ્સ. 44 ટકા લોકો કુલ 1 બિલિયન ડૉલરના કાર્ડ્સ લે છે એના પછી ત્રીજા ક્રમાંકે પિકનિક કે રેસ્ટોરન્ટ ડિનર પેટે 35 ટકા લોકો 3.7 બિલિયન ડૉલર્સથી વધુ ખર્ચો કરશે. ચોથા અને પાંચમાં ક્રમાંકે ફૂલો અને જ્વેલરી એટલે કે ઘરેણાંની આઈટમો આવશે. તે બંને મળીને 6.7 બિલિયન ડૉલર્સનું માર્કેટ થાય છે.

ઘણા બધા લોકો વેલેન્ટાઈન ડે નિમિત્તે કુટુંબો પોતાના પ્રિયજન કે લાઈફ પાર્ટનર સિવાય પોતાના આખા કુટુંબ માટે પણ ગિફ્ટ લાવે છે અને સાથે ઉજવણી કરે છે. દરેક તહેવાર સારો હોય તેમ વેલેન્ટાઈન ડે પણ એક સારો તહેવાર છે. હા, દરેક તહેવારની જેમ જ તેની ઉજવણી વિવેકબુદ્ધિપૂર્વક થવી જોઈએ.