Tue Sep 15 2026

Logo

વૈભવને ન રમાડવાનું નક્કી કર્યું હોય તો તેને જાણ કરી દેવી જોઈએઃ પાર્થિવ પટેલ

2026-07-04 16:44:26
Author: Ajay Motiwala
વૈભવને ન રમાડવાનું નક્કી કર્યું હોય તો તેને જાણ કરી દેવી જોઈએઃ પાર્થિવ પટેલ

નવી દિલ્હીઃ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આઇપીએલ-2026માં બધા બૅટ્સમેનો કરતાં ચડિયાતું પર્ફોર્મ કરીને વિક્રમજનક 72 છગ્ગાની મદદથી 776 રન બનાવ્યા છતાં તેને ટી-20 ફૉર્મેટની પ્લેઇંગ ઇલેવનમાં સમાવીને કારકિર્દી શરૂ કરવાનો મોકો આયરલૅન્ડમાં ન આપ્યા બાદ ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ મૅચમાં પણ ન અપાયો એને પગલે ટીમ મૅનેજમેન્ટની ટીકા થઈ રહી છે અને અમુક નિષ્ણાતો હળવી ટકોર પણ કરી રહ્યા છે.

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન પાર્થિવ પટેલે બહુ નાની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. તેણે એમ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે `ટીમ મૅનેજમેન્ટે વૈભવની બાબતમાં ખૂબ સ્પષ્ટ વલણ અપનાવવું જોઈએ. તેઓ જો વર્લ્ડ કપ વિજેતા ટીમના જ ખેલાડીઓને મેદાન પર ઊતારવાનું ચાલુ રાખવાના હોય તો તેમણે વૈભવને કહી દેવું જોઈએ કે હમણાં તેના માટે ઇલેવનમાં સ્થાન નથી.'

પાર્થિવે એક જાણીતી ઍપને એવું પણ કહ્યું કે `ટીમમાં કોચિંગની જવાબદારી સંભાળતા હોય તો તમારે તમારા વિચારો ખેલાડીઓને સ્પષ્ટપણે જણાવી દેવા જોઈએ. કોઈ ખેલાડીને ન રમાડવાના હોય તો પણ તેને એ કહી દેવું જોઈએ. વૈભવ હજી માંડ 15 વર્ષનો છે એટલે તેની સાથેના વ્યવહારમાં ખૂબ કાળજી રાખવી જોઈએ અને તેને ધીરજ રાખવાની સલાહ આપવી જોઈએ.'

પાર્થિવ (Parthiv)નું એવું પણ કહેવું છે કે `હાલમાં ટીમમાં ઘણા સારા બૅટ્સમેનો છે. સંજુ સૅમસન તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ હતો, ઇશાન કિશન વર્લ્ડ નંબર-વન છે, જ્યારે અભિષેક વર્લ્ડ નંબર-ટૂ છે. હાલના તબક્કે ટીમમાં વૈભવ માટે કોઈ સ્થાન નથી અને એ તેને જણાવી દેવું જોઈએ.' જોકે પાર્થિવનું એવું પણ માનવું છે કે ઇંગ્લૅન્ડની સિરીઝમાં કોઈને કોઈ તબક્કે વૈભવ (Vaibhav)ને ડેબ્યૂની તક મળશે જ.