Fri Oct 02 2026

Logo

મેદાન પર ટ્રાઉઝર ઉતારીને ટુવાલની જેમ ગળામાં વીંટાળી દેવાની વૈભવ સૂર્યવંશીની આદત જતી જ નથી!

2026-09-20 18:34:08
Author: Ajay Motiwala
મેદાન પર ટ્રાઉઝર ઉતારીને ટુવાલની જેમ ગળામાં વીંટાળી દેવાની વૈભવ સૂર્યવંશીની આદત જતી જ નથી!

નવી દિલ્હીઃ ક્રિકેટની રમત `જેન્ટલમેન્સ ગેમ' તરીકે જગવિખ્યાત છે અને એમાં ખેલાડીઓએ હંમેશાં મેદાન પર કે મેદાનની બહાર શિસ્ત જાળવવાની હોય છે અને જ્યારે ખેલાડી રાષ્ટ્ર વતી રમતો હોય ત્યારે તેણે આ બાબતમાં ખાસ તકેદારી રાખવી જોઈએ, પરંતુ 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સર્વોચ્ચ સ્તરની મૅચો રમતો હોવા છતાં હજી `છોકરમત'માંથી બહાર નથી આવી શક્યો.

વાઇરલ થયેલા એક વીડિયો મુજબ તાજેતરમાં એક ઇન્ટરનૅશનલ મૅચ વખતે વૈભવે મેદાન પર ભારતીય ટીમના સાથીઓ જોડે આવતી વખતે અચાનક ટ્રાઉઝર ઉતારી નાખ્યું હતું અને પછી એને ટુવાલની જેમ ગળામાં વીંટાળીને ચાલતી પકડી હતી. બીજા બધા ખેલાડીઓ ટ્રાઉઝર (Trouser)માં હતા, જ્યારે એકલો વૈભવ હાફ પૅન્ટમાં હતો.

વૈભવની આગળ શિવમ દુબે ચાલી રહ્યો હતો. વૈભવ (Vaibhav) કતારમાં મેદાન પર આવી રહ્યો હતો, પણ અચાનક તે ઊભો રહી ગયો હતો, ટ્રાઉઝર ઉતારી નાખ્યું હતું. તેની આ ઓચિંતી હરકતથી પાછળ આવી રહેલો પેસ બોલર યશ ઠાકુર ચોંકી ગયો હતો. અભિષેક શર્મા તેમ જ તિલક વર્મા પણ તેની પાછળ હતા અને તેમને પણ નવાઈ લાગી હતી.

એપ્રિલમાં આઇપીએલની એક મૅચ બાદ રાજસ્થાન રૉયલ્સના વૈભવ સૂર્યવંશીએ અવૉર્ડ વિતરણ સમારોહમાં પુરસ્કાર સ્વીકારીને પાછા આવ્યા બાદ મેદાન પર જ પૅન્ટ ઉતારી દીધું હતું. તે હાફ પૅન્ટમાં હતો અને કેટલાક લોકો તેની સામે જોયા કરતા હતા. પીઢ ક્રિકેટર સુનીલ ગાવસકર પણ નજીકમાં ઊભા-ઊભા તેની આ છોકરમત જોઈ રહ્યા હતા. વૈભવે ટ્રાઉઝરને ટુવાલની જેમ ગળામાં વીંટાળી દીધું હતું.