(અમારા પ્રતિનિધિ તરફથી)
વડોદરા: શહેરના વડસર વિસ્તારમાં જમીન હડપી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રમેશભાઈ મણીલાલ પટેલ અને તેમના બે ભાગીદારોના નામે આવેલી ખેતીની જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપી હસમુખભાઈ શંકરભાઈ પટેલ (અમદાવાદ) અને નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પરમાર (ભરૂચ) એ અન્ય સાગરીતો સાથે મળીને આશરે રૂ. 1,22,91,000 ની કિંમતનો નકલી વેચાણ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડી હતી.
ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ અનુસાર, આરોપીઓએ અસલ માલિકોના નામે ખોટા આધારકાર્ડ બનાવ્યા હતા અને સબ-રજીસ્ટ્રાર કચેરીમાં અસલ માલિકોની જગ્યાએ અન્ય વ્યક્તિઓને ઉભા રાખી તેમની ખોટી સહીઓ કરાવી હતી. ચોંકાવનારો આરોપ એ હતો કે ફરિયાદીના એક ભાગીદાર હર્ષદભાઈ ગોરડીયાનું અવસાન થયું હોવા છતાં, તેમના નામની દસ્તાવેજમાં ખોટી સહી કરવામાં આવી હતી.
સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ફરિયાદીએ જમીનમાં વારસાઈ નોંધ કરાવવા માટે વકીલ પાસે તપાસ કરાવી હતી. હાલમાં માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીને કૌભાંડમાં સામેલ અન્ય મળતીયાઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.