અમદાવાદઃ વડોદરાના પોશ વિસ્તારમાં આવેલા જ્વેલરી શૉરૂમમાં એક મહિલાએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને લગભગ એકાદ લાખની કિંમતના દાગીના ચોરી લીધા હતા. જોકે અહીં હાજર સ્ટાફની સતર્કતાને કારણે મહિલા પકડાઈ ગઈ હતી, પરંતુ મહિલાની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખી શૉરૂમ માલિકોએ પોલીસ ફરિયાદ કરી ન હતી.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર વડોદારાના રેસકોર્સ વિસ્તારમાં એક 50 વર્ષ આસપાસની ઉંમરની મહિલા આવી હતી. મહિલા બનીઠનીને આવી હતી અને સોફિસ્ટીકેટેડ લાગતી હતી. મહિલા શૉ રૂમમાં દાગીના જોવા લાગ હતી અને સ્ટાફને વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. દરમિયાન તેણે એક વીટીં અને કાનની બુટ્ટી ચોરી મોઢામાં નાખી દીધી હતી. મહિલાની વર્તણૂક જોઈ સ્ટાફને શક જતા તેમણે દાગીનાની ગણતરી કરી ત્યારે તેમને ધ્યાનમાં આવ્યું કે અમુક વસ્તુઓ દેખાતી નથી. સ્ટાફે મહિલાને કડકાઈથી પૂછતા તેણે ચોરી કબૂલી બન્ને વસ્તુ મોઢામાંથી કાઢી આપી દીધી હતી, પરંતુ શૉરૂમના સ્ટાફે પોલીસને જમા કરી હતી.
પોલીસે તપાસ કરી મહિલાની અટકાયત કરી હતી. દરમિયાન મહિલાએ અગાઉ પણ જ્વેલર્સ શૉરૂમમાંથી ચોરી કરી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાયું હતું. જોકે મહિલાની માનસિક સ્થિતિ સ્થિર ન લાગતા શૉરૂમના માલિકોએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી, આથી પોલીસે મહિલાને છોડી દીધી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.