Wed Aug 19 2026

Logo

દીકરીનું સગપણ નક્કી કરવા જતાં પરિવારને રસ્તામાં જ કાળનો ભેટો! ટ્રકની ટક્કરે સાસુ-જમાઈના મોત

2026-03-16 09:36:00
Author: Devayat Khatana
Article Image

વડોદરા: નેશનલ હાઈવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આણંદના રાજુપુરા ગામના એક પરિવારના સભ્યો પોતાની દીકરીના સગપણ માટે રાયકા ગામે જઈ રહ્યા હતા, ત્યારે ફાજલપુર નજીક ભારતમાલા એક્સપ્રેસ-વે બ્રીજ પાસે પાછળથી આવતા એક પૂરઝડપી ટ્રકે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર સાસુ અને જમાઈના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે પુત્રીને ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની વિગત મુજબ, સુધાબેન પરમાર, તેમના પતિ ઉમેદભાઈ અને માતા મધુબેન ગામેચી મોટરસાયકલ  પર સવાર થઈને જઈ રહ્યા હતા. સવારે અગિયાર વાગ્યાના સુમારે પાછળથી આવતા ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રકનું ટાયર ફરી વળતા મધુબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ઉમેદભાઈનું કરમસદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટના બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી સુધાબેન અત્યારે સ્મિત ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમને ખભા અને માથાના ભાગે ઈજાઓ થઈ છે. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક અને તેની સાથેનો અન્ય એક શખ્સ ઘટનાસ્થળે હાજર હતા અને પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નંદેસરી પોલીસ સ્ટેશનમાં આ અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 281, 125(a), 125(b), 106(1) અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. એક જ પરિવારના બે સભ્યોના મોતથી રાજુપુરા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.