Fri Apr 17 2026

Logo

એમએસ યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યક્રમમાં ધક ધક ગર્લના ડાન્સ મામલે વિવાદ

2026-04-12 19:38:04
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અભિનેત્રી માધુરી દિક્ષિત અને અનિલ કપૂરનું ફિલ્મ બેટાનું ગીત ધક ધક કરને લગા આજે પણ બહુ લોકપ્રિય છે અને આ ગીતથી માધુરી ધક ધક ગર્લ તરીકે જાણીતી થઈ હતી, પરંતુ વડોદરાની એમએસ યુનિવર્સિટીની ધક ધક ગર્લે વિવાદ ઊભો કરી દીધો હતો. અહીં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા આયોજિત સંસ્કાર સંગમ કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીએ ધક ધક કરને ગલા પર ડાન્સ કર્યો હતો. સ્ટેજ પરથી આ પ્રકારનો સેન્સેશનલ ડાન્સ એક વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવતા યુનિવર્સિટીમાં હોબાળો મચી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

આ મામલે એનએસયુઆઈએ આકરી ટીકા કરી હતી. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ડાન્સ થયો હતો અને તેનો વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. વિદ્યાર્થીઓ આને એમએસની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડતું કૃત્ય કહી વખોડી રહ્યા છે. આ ઘટના અંગે એનએસયુઆઈના સૂત્રોએ આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે સંસ્કારના નામે યોજાયેલા કાર્યક્રમમાં આ પ્રકારનો ડાન્સ શરમજનક છે. આ મામલે એબીવીપીના સભ્યોએ એવી સ્પષ્ટતા કરી હતી કે સંસ્કાર સંગમ પ્રોગ્રામ માટે કુલ 140 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે વીડિયો વાયરલ થયો હતો તેનું રજિસ્ટ્રેશન થયું ન હતું. બ્રેકમાં તે છોકરી પોતાની મેળે સ્ટેજ પર ચડી ડાન્સ કરવા આવી હતી. એબીવીપીની આ મામલે કોઈ ભૂમિકા નથી.