વડોદરા: ગુજરાતમાં એન્ટિ કરપ્શન બ્યૂરો સતત લાંચિયા અધિકારીઓને રંગેહાથ ઝડપી રહ્યું છે, તેમ છતાં લાંચિયા અધિકારીઓને લાંચ લેતા પહેલા સહેજ પણ ખચકાટ નથી થતો. ત્યારે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનની વિશ્વામીત્રી પોલીસ ચોકીના PSI મલ્લીકા પરમાર અને ASI જયકિશન ગામેતી ગુનાની તપાસમાં ફરિયાદીને હેરાન નહિ કરવા માટે 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
મળતી વિગતો અનુસાર, આ બનાવના ફરિયાદીની વિરૂધ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો. જે દાખલ થયેલ ગુનાની તપાસ PSI મલ્લીકા પરમારને સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કામના ફરીયાદીને હેરાનગતી નહી કરવા તેમજ જામીનની કાર્યવાહી ઝડપી પુરી કરવા માટે આ કામે આરોપી PSI મલ્લીકા પરમારે પ્રથમ રૂ.25,000 ની લાંચની માંગણી કરેલ હતી. જો કે આ અંગે ફરીયાદીએ રકઝક કરતા રૂ. 10,000 લેવાના નક્કી કરેલ હતા.
પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલા ‘ભાવતાલ’ મુજબ આરોપી PSI મલ્લીકા પરમારે આ પૈસા અન્ય આરોપી ASI જયકિશન ગામેતીને આપી દેવા જણાવ્યું હતું. જો કે ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમ્યાન આ કામના ફરીયાદી પાસેથી PSI મલ્લીકા પરમાર વતી ASI જયકિશન ગામેતીએ તેની માલીકીની કારમાં ડેસબોર્ડ ઉપર 10,000 મુકાવી લાંચ સ્વીકારી પકડાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહેસાણામાં જિલ્લા જમીન રેકોર્ડ નિરીક્ષક કચેરીનો સર્વેયર આશિષ પરમાર 70000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મહેસાણા જિલ્લાની ડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ (DILR) કચેરીના લાયસન્સ સર્વેયર આશિષ કુમાર પરમારને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. બેચરાજી તાલુકાના સુરજ ગામે આવેલા સર્વે નંબર 210ની જમીન માપણી માટે ફરિયાદીએ DILR કચેરીમાં અરજી કરી હતી. આ કામગીરી પૂર્ણ કરવા અને માપણી શીટ સબમિટ કરવાના બદલામાં આરોપી સર્વેયરે ફરિયાદી પાસે કુલ રૂપિયા 1.90 લાખની લાંચની માંગણી કરી હતી.