વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં બે વર્ષ પહેલા મુસ્લિમને પરણનારી હિંદુ યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. જેનાથી ત્રાહિમામ પોકાર્યા બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે સલીમની ધરપકડ કરી હતી.
શું છે મામલો
વડોદરામાં રહેતી હિંદુ યુવતીએ બે વર્ષ પહેલા મુસ્લિમ યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. થોડા દિવસ સારી રીતે રાખ્યા બાદ પતિએ અસલી ચહેરો બતાવ્યો હતો. તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત ગળા પર ચપ્પુ મુકીને બૂમ પાડીશ તો ટુકડા કરી થેલામાં ભરી દઈશ જેવી ધમકી આપી હતી.
હિંદુ યુવતીએ કહ્યું, મારાથી ભૂતકાળમાં મોટી ભૂલ થઈ છે, જે હું હવે સુધારવા માંગુ છું. મારે હવે આ વ્યક્તિ સાથે કોઈ સંબંધ રાખવો નથી અને છૂટાછેડાજોઈએ છે. તે મને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ હેરાન કરે છે. મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને ચપ્પુ લઈને મારી પાછળ ભાગે છે. બે દિવસ પહેલા તે મને દૂર ખેતરમાં લઈ જઈને ખૂબ જ માર માર્યો હતો અને ચપ્પુ બતાવી ડરાવી હતી. હવે મારી જાનને તેનાથી મોટું જોખમ છે, તેથી મારે તેનાથી અલગ થવું છે.
આ ઉપરાંત યુવતીએ કહ્યું, તેણે મને તથા અન્ય યુવતીને પણ રાખવી છે. તે મારી મમ્મી અને અન્ય પરિવારજનોને મારવાની પણ ધમકી આપતો હતો. હું કંટાળીને મારા માતાને ત્યાં આવી ગઈ હતી. ત્યાં પણ તે આવ્યો હતો અને મારી મમ્મીના હાથ પર ચપ્પુ માર્યું હતું. તેણે કહ્યું હતું કે મને કોઈની બીક નથી સરકાર પણ કઈ મારું કરી શકશે નહીં.
રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને જાળવી રાખવા માટે સરકાર ‘ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006’ના નિયમોમાં રહેલી લગ્ન નોંધણી પ્રક્રિયામાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા અંતર્ગત હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાને સામેલ કરવામાં આવ્યા છે. આ અંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ઓળખ છુપાવીને થતા લગ્નો એ આપણી સંસ્કૃતિ પરનું આક્રમણ છે, કોઈ સલીમ સુરેશ બનીને રાજ્યની દીકરીને ફસાવશે તો આ સરકાર તેના એવા હાલ કરશે કે તે ભવિષ્યમાં કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે.
લગ્ન નોંધણીમાં ‘છળકપટ’ રોકવા લાવવામાં આવેલા આ સુધારાઓ અંગે નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક છટકબારીને કારણે ગેરઉપયોગ થઈ રહ્યો છે. અસામાજિક તત્વો પોતાની સાચી ઓળખ છુપાવી, લાલચ આપી કે છળકપટથી રાજ્યની દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે. પંચમહાલ જિલ્લામાં અનેક બોગસ લગ્નો નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પંચમહાલના કંકોડાકોઈ અને નાથકુવા જેવા ગામોમાં, જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, ત્યાં તલાટી-કમ-મંત્રી દ્વારા સેંકડો ‘નિકાહ’ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, જે ઊંડાણપૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.