ફિલ્મનામાઃ વધ-ટૂ:
જાણીતા જ્ઞાનકોશ ‘ભગવદ ગોમંડળ’માં હત્યા અને વધ વચ્ચેના બારિક ફરકને દર્શાવવા માટે અનેક શબ્દો આપ્યા છે. વધ એ દૃષ્ટિએ ખૂન યા મર્ડર જ છે, પરંતુ વધના અન્ય અર્થ પણ આપવામાં આવ્યા છે. વધ એટલે નાશ. વધ એટલે હણવું. પાપીઓનો ‘નાશ’ કરવો કે બદીઓને ‘હણી’ નાખવી એ વધ છે અને એ રીતે જોઈએ તો હત્યા ફાંસી આપવા લાયક ગુનો બની શકે પણ ‘વધ’ને અનિવાર્ય, આવશ્યક અથવા ફરજિયાતપણે યા લાચારીવશ કે સંજોગવશનું કૃત્ય ગણીને રહેમનજરે મૂલવી શકાય છે.
આ આખી પ્રસ્તાવના સંજય મિશ્રા - નીના ગુપ્તા અભિનિત ફિલ્મ ‘વધ-2’ની વાત કરતાં પહેલાં કહેવી જરૂરી લાગે છે, કારણ કે 2022માં આવેલી ‘વધ’ની ખૂબ પ્રશંસા થઈ હતી તો તેના ચાર વરસ પછી આવેલી ‘વધ-2’ને જોનારા દર્શકો પણ પહેલા ભાગ જેવી વધામણી આપી રહ્યા છે.
દુર્જનો (વિલનોનો) ખાત્મો એ કંઈ નવી વાત નથી. સરેરાશ દરેક ચોથી કમર્શિયલ ફિલ્મમમાં વિલનનો સફાયો કરતો હીરો આપણે જોયો છે, પરંતુ ‘વધ’ અને ‘વધ-2’માં નામને જસ્ટીફાય-યોગ્ય ઠરાવવામાં આવ્યું છે.
6 ફેબ્રુઆરી, 2026ના દિવસે જ થિયેટરમાં રિલીઝ થયેલ ‘વધ-2’માં અને ‘વધ’ (2022)માં નામ ઉપરાંતની અનેક સમાનતા છે. બન્ને ફિલ્મની લીડ-સ્ટારકાસ્ટ એ જ છે. બન્ને નોનગ્લેમરસ કલાકારોના ફિલ્મી નામ પણ (શંભુનાથ મિશ્રા અને મંજુ) સરખા છે. રાઈટર અને ડિરેકટર જશપાલસિંહ સંધુ જ છે. અલગ છે તો માહૌલ, પરિસ્થિતિ, વધ પાછળની લાચારી અને રજૂઆતની સ્ટાઈલ.
પહેલી ‘વધ’ ફિલ્મમાં બુઝુર્ગ દંપતીના હાથે વ્યાજખાઉ અને ચરિત્રહિન વ્યક્તિની હત્યા થાય છે, કારણ કે દંપતીએ પુત્રને વિદેશ મોકલવા માટે વ્યાજે પૈસા લીધા હોય છે. એ પુત્ર હવે માતા-પિતાના ફોન પણ રિસીવ નથી કરતો જ્યારે માતા-પિતા વ્યાજખોરોની ચુંગાલમાં પીસાય રહ્યા છે..
‘વધ-2’માં એ જ શંભુનાથ મિશ્રા (સંજય મિશ્રા) છે, જેણે દીકરાને વિદેશ મોકલવા વ્યાજે લોન લીધી છે. ફેરફાર એ છે કે આ શંભુનાથ મિશ્રા જેલના સામાન્ય સિપાઈ છે. જ્યારે મંજુ (નીના ગુપ્તા) અહીં શર્મા નથી, સીંઘ છે (મતલબ શંભુનાથની પત્ની નથી પણ) બે હત્યાના આરોપમાં વરસોથી મહિલા કેદી છે. તેની વરસોની જેલ સજા પૂરી થવાના આખરી દિવસો ચાલી રહ્યા છે, પરંતુ એ જ જેલમાં પુરુષ વિભાગમાં રાજકારણીનો માથાભારે અને કેરેકટરલેસ પુત્ર કેશવ પણ છે.
ફિલ્મની પ્રથમ વીસ મિનિટમાં જ દર્શક સમજી જાય છે કે આ વખતે ‘વધ’ કેશવનો થવાનો છે. સ્વાભાવિક છે કે આવી ધારણા પછીની ફિલ્મ પ્રિડિકટેબલ લાગવા માંડે, પણ અહીં જ ડિરેકટર - રાઈટર જશપાલ સિંહ સંધુ અને નેહા સિતોસેની વાર્તા - પટકથાની આવડત મેદાન મારી જાય છે. કાબેલ દર્શક કેશવનો ‘વધ’ થવાની રાહ જોતો રહે છે પણ ફિલ્મ ઈન્ટરવલ પર પહોંચતા તેને ઝટકો આપે છે, કારણ કે જેલ - સિપાઈ શંભુનાથ મિશ્રાના ઘરમાં રાખેલાં ફ્રીઝમાં તે કેશવની લાશ જુએ છે!
કાંડ જેલમાં થયો હોય તો પણ મામૂલી સિપાઈ તેમાં કઈ રીતે સામેલ હોય શકે? હત્યા તેણે જ કરી હોય તેવું તો સંભવ જ નથી તો લાશ તેના ઘરના ફ્રીઝ સુધી કઈ રીતે પહોંચી? કોણે પહોંચાડી અને હા, જેલની અંદર જ હત્યા કઈ રીતે થઈ? કોણે કરી? કોઈને ખબર કેમ ન પડી?…
આવા અનેક વજનદાર સવાલો સાથે ‘વધ-2’નો ઉત્તરાર્ધ શરૂ થાય છે. ભેદના પડળ ખૂલતાં જાય છે, પરંતુ લેખક-ડિરેકટરની કાબેલિયત એ છે કે કલાઈમેક્સની છેલ્લી પાંચ મિનિટમાં એક એવું સસ્પેન્સ ખૂલે છે, જેની કલ્પના પણ આપણે ન કરી હોય… એ રીતે ‘વધ-2 તેના ટાર્ગેટ સુધી પહોંચે છે તેમ છતાં અમુક બાબત અટપટી લાગે છે.
‘વધ-2’માં દેખાડવામાં આવેલી જેલમાં જે રીતે મંજુ સીંઘ (નીના ગુપ્તા) મહિલા વોર્ડની હેડ (શિલ્પા શુકલા), સિપાઈ (સંજય મિશ્રા)ના સંબંધ, વર્તણૂંક અને વહેવાર (રાતે બેરેક ખોલી દેવાથી માંડીને મહિલા વિભાગમાં પુરુષ કેદીનું મધરાતે પ્રવેશવું, માથાભારે કેદી કેશવની વર્તણૂંક વગેરે) અટપટા તો લાગે જ છે. બેશક, જેલમાં આવું બધું ચાલતું જ હશે એમ માનવું રહ્યું, પણ ફિલ્મની જેમ અંતમાં એક સસ્પેન્સ ઊભું કરીને વાત પર પૂર્ણવિરામ મૂકીએ… ‘વધ-2’માં જેલર તરીકે તગડા અભિનેતા કુમુદ મિશ્રા છે, જે અડધી ફિલ્મ પછી ગાયબ થઈ જાય છે, પરંતુ આવો તગડો એકટર અર્થ વગર કાસ્ટ નથી થયો, એ ફિલ્મ પૂરી થાય ત્યારે આપણને સમજાય જાય છે.