Mon Aug 31 2026

Logo

ચારધામ યાત્રા 2026: 12 દિવસમાં રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન, કેદારનાથ મોખરે

2026-03-19 19:42:41
Author: Vimal Prajapati
ચારધામ યાત્રા 2026: 12 દિવસમાં રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન, કેદારનાથ મોખરે

નવી દિલ્હીઃ હિંદુઓ માટે ચારધામની યાત્રાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ચારધામની યાત્રાએ જતા હોય છે. 2026ના ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા અંગે દેહરાદૂનથી જાહેર કરાયેલા આંકડાની વાત કરવામાં આવે તો, આ વર્ષે શ્રદ્ધાળુઓનો ઉત્સાહમાં વધારે જોવા મળ્યો છે. 18 માર્ચ સુધીની આંકડા પ્રમાણે કુલ 6,86,305 લોકોએ નોંધણી કરાવી છે. હજી પણ લોકો નોંધણી કરાવી રહ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ વર્ષે એક નવો રેકોર્ડ બનશે તેવું લાગી રહ્યું છે. 

આ નોંધણીમાં કેદારનાથ ધામ સૌથી આગળ છે. કેદારનાથ માટે 2,29,295 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. દર વર્ષે કેદારનાથના દર્શન કરવા જતા લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. આ વર્ષે પણ માત્ર 12 જ દિવસમાં કેદારનાથ ધામ માટે 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી લીધી છે. 

બદ્રીનાથ ધામ માટે 2,02,622 શ્રદ્ધાળુઓ, ગંગોત્રી માટે 1,28,253 અને યમુનોત્રી માટે 1,25,366 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડાને જોતા એ સ્પષ્ટ થયું છે કે, આ વર્ષે ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં ભક્તો જવાના છે.

હેમકુંડ સાહિબ માટે જતા શ્રદ્ધાળુઓની વાત કરવામાં આવે તો, તેના માટે 769 શ્રદ્ધાળુએ નોંધણી કરાવી છે. અન્ય ધામોની તુલનામાં આ આંકડો ઓછો હોવા છતાં તેમાં સતત વધારો થઈ રહ્યો છે. 2026ની આ ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જો આ ઝડપે નોંધણીઓ થતી તો આ વર્ષે યાત્રા કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા અગાઉના રેકોર્ડ બનાવી શકે છે.