Mon Oct 05 2026

Logo

પાંચ કરોડની લોનને બહાને ફિલ્મનિર્માતા સાથે 10 લાખની છેતરપિંડી: બે સામે ગુનો

2026-09-23 08:52:42
Author: Yogesh C. Patel
પાંચ કરોડની લોનને બહાને ફિલ્મનિર્માતા સાથે 10 લાખની છેતરપિંડી: બે સામે ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ફિલ્મ પ્રોડ્યુસ કરવા પાંચ કરોડ રૂપિયાની લોન આપવાને બહાને અંધેરીના ફિલ્મનિર્માતા સાથે 10 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ફાઈનાન્સ કંપનીની જાહેરખબર ઈન્સ્ટાગ્રામ પર આપીને નાણાં પડાવનારા બે આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અંધેરીના ચાર બંગલા વિસ્તારમાં રહેતા હેમંતકુમાર મહાલે (69)ની ફરિયાદને આધારે અંબોલી પોલીસે સોમવારે કૌશિક લાઠિયા અને લૅવિન પરયાની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ફરિયાદ અનુસાર ફિલ્મનિર્માતા મહાલેને એક ફિલ્મ પ્રોડ્યુસ કરવા નાણાંની જરૂર હતી. આ માટે તે લોન લેવાની વેતરણમાં હતા. દરમિયાન નવેમ્બર, 2025માં તેમની નજર ઈન્સ્ટાગ્રામ પરની એક જાહેરખબર પર પડી હતી. જાહેરખબરમાં પ્રાઈવેટ ફાઈનાન્સ તાત્કાલિક મળવા સંદર્ભેનું લખાણ હતું અને સાથે સંપર્ક માટે મોબાઈલ નંબર તેમ જ ઈ-મેઈલ આઈડી આપવામાં આવ્યો હતો.

ફરિયાદીએ ફાઈનાન્સ કંપનીના નંબર પર સંપર્ક કરતાં કૌશિક લાઠિયા સાથે વાતચીત થઈ હતી. બે દિવસ પછી ઑનલાઈન ઝૂમ મીટિંગમાં લાઠિયાએ પાંચ કરોડ રૂપિયાની લોન આપવાની તૈયારી દાખવી હતી. આ માટે વાર્ષિક 10 ટકા વ્યાજદર નક્કી કરાયો હતો. જોકે આ રકમ વરસના અંતે સાથે આપવાની રહેશે, એવું તેણે કહ્યું હતું. 

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પાંચ કરોડ રૂપિયાની લોન સામે વરસના અંતે પાંચ કરોડ 50 લાખ રૂપિયા આપવાનું લાઠિયાએ કહ્યું હતું. જોકે આ માટે એક ટકા ઈ-રજિસ્ટ્રેશન અને એક ટકા સ્ટૅમ્પ ડ્યૂટી તેમ જ ત્રણ હજાર રૂપિયા વકીલની ફી ચૂકવવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું.

નક્કી થયા મુજબ બીજા જ સપ્તાહે ફરિયાદીએ આરટીજીએસથી 10 લાખ રૂપિયા લૅવિનના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બાકીના ત્રણ હજાર રૂપિયા ગૂગલપેથી ચૂકવ્યા હતા. જોકે રૂપિયા લીધા પછી લાઠિયાએ ઉડાઉ જવાબ આપ્યા હતા અને બાદમાં ફરિયાદીના કૉલ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું.

દરમિયાન પોતાની સાથે થયેલી છેતરપિંડીનો વીડિયો બનાવી ફરિયાદીએ યુટ્યૂબ પર અપલૉડ કર્યો હતો. વીડિયો જોઈને ગુજરાતના અમદાવાદના એક રહેવાસી સાથે પણ આ રીતે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. એ વ્યક્તિ પાસેથી ફરિયાદીને લૅવિનનો મોબાઈલ નંબર મળ્યો હતો. લૅવિને દાવો કર્યો હતો કે લાઠિયા સાથે નક્કી થયા પ્રમાણે કમિશનના એક લાખ રૂપિયા પોતાની પાસે રાખી બાકીની 9.03 લાખ રૂપિયા તેણે લાઠિયાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. એક લાખ રૂપિયા પાછા આપવાની તૈયારી દાખવનારા લૅવિનનો પણ બાદમાં સંપર્ક ન થતાં ફરિયાદીએ અંબોલી પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી.