Tue Oct 06 2026

Logo

'વંદે માતરમ્' ગાનનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સરકારને પૂછ્યું સંપૂર્ણ ગાન અનિવાર્ય

2026-09-22 20:01:23
Author: Chandrakant Kanoja
'વંદે માતરમ્' ગાનનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સરકારને પૂછ્યું સંપૂર્ણ ગાન અનિવાર્ય

નવી દિલ્હી: 'વંદે માતરમ્' ગાવા મુદ્દે કર્ણાટકના ગાયક ટી.એમ. કૃષ્ણા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને વર્ષ 1986ના ચુકાદા પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ સરકાર પાસે જવાબ માંગ્યો છે કે વંદે માતરમ સંપૂર્ણ ગાવું અનિવાર્ય છે કે કેમ. 

વર્ષ 2026ના કાનૂની સુધારાને પડકારવામાં આવ્યા 

કર્ણાટકના ગાયક ટી.એમ. કૃષ્ણા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં  સરકારી કાર્યક્રમોમાં 'વંદે માતરમ્' ના છ અંતરા ગાવા ફરજિયાત બનાવતા વર્ષ 2026ના કાનૂની સુધારા અને નિર્દેશોને પડકારવામાં આવ્યા છે. 

વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે કે તે અંગે તપાસ જરૂરી 

જેમાં કોર્ટે નોંધ્યું છે કે, અંતરાત્મા અથવા ધાર્મિક માન્યતાના આધારે રાષ્ટ્રગીત ના કોઈ એક અથવા તમામ અંતરા ગાવાનો ઇનકાર કરનાર વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે કે તે અંગે બંધારણીય તપાસ થવી જોઇએ. 

બે અઠવાડિયાની અંદર અરજી અંગે જવાબ દાખલ કરવાનો નિર્દેશ

આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી બેન્ચે કેન્દ્ર સરકારને બે અઠવાડિયાની અંદર અરજી અંગે જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ સુનાવણી દરમિયાન, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચીએ સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રીય ગીત શું હોવું જોઈએ તે અંગે અદાલત કોઈ નિર્ણય લેવાની નથી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગીત નક્કી કરવાની બાબત સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. 

અંતરાત્માને અનુસરી વિરોધ કરનાર વ્યક્તિના અધિકારોનું રક્ષણ જરૂરી 

તેમજ કોર્ટ  'વંદે માતરમ્' સાથે જોડાયેલી રાષ્ટ્રીય લાગણીઓ કે આકાંક્ષાઓ અંગે કોઈ નિર્ણય લઈ રહી નથી. પરંતુ શું કાયદા હેઠળ અંતરાત્માને અનુસરીને વિરોધ કરનાર વ્યક્તિના અધિકારોનું રક્ષણ થાય છે કે નહીં તે જોવાનું છે.