અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. આ દરમિયાન આજે રાજ્યના 5 જિલ્લામાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં બપોર બાદ કે સાંજના સમયે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
આ 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ અને પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર પંથકમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય પ્રક્રિયા ચાલુ છે, અને આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસું વધુ આગળ વિદાય લેવા માટે સ્થિતિ અનુકૂળ છે. દરમિયાન, પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ડિપ્રેશન આગામી 12 કલાક દરમિયાન ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને 23 સપ્ટેમ્બરની રાત્રે અને 24 સપ્ટેમ્બરની વહેલી સવારે વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાનો દરિયાકાંઠો ઓળંગે તેવી ધારણા છે.
હવામાન વિભાગે તેના સાત દિવસના અનુમાનમાં 23 સપ્ટેમ્બર પછી ગુજરાત માટે ભારે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરી નથી.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. 4 તાલુકામાં 2 ઇંચથી વધારે, 4 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. 39 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથના ઉનામાં સૌથી વધુ 2.72 ઇંચ, અમરેલીના રાજુલામાં 2.60 ઇંચ,પોરબંદરના રાણાવાવમાં 2.46 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો હતો. ધરમપુરમાં 1.18 ઇંચ, ગારિયાધારમાં 1.18 ઇંચ, હાંસોટમાં 1.14 ઇંચ, જામજોધપુરમાં 1.02 ઇંચ, નાનાપોંઢામાં 0.98 ઇંચ, કેશોદમાં 0.94 ઇંચ, ગોંડલમાં 0.83 ઇંચ, મહુવા (ભાવનગર)માં 0.83 ઇંચ, નેત્રંગમાં 0.83 ઇંચ, ગણદેવીમાં 0.79 ઇંચ, તાલાલામાં 0.75 ઇંચ, બોટાદમાં 0.75 ઇંચ, કપરાડામાં 0.71 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, નવરાત્રિની શરૂઆતના દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જેના કારણે ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબાના કાર્યક્રમોમાં વિક્ષેપ પડી શકે છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ત્યારબાદ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 36થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા હોવાથી ગરમી અને બફારાનો અનુભવ થઈ શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 27 સપ્ટેમ્બરથી સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.