શ્રીનગર: ઉત્તરાખંડના રાજ્યપાલ લેફટન્ટ જનરલ ગુરમીત સિંહ( સેનિ) ના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ ટિહરીથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા પાયલોટે તાત્કાલિક શ્રીનગરના જીવીકે હેલીપેડ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જેના લીધે મોટી હોનારત ટળી હતી.
આ ઘટનામાં રાજ્યપાલ સહિત હેલીકોપ્ટર સ્ટાફ સુરક્ષિત છે. તેમજ હાલ રાજયપાલના આગામી કાર્યક્રમ અંગે કોઇ માહિતી સાંપડી નથી. તેમજ હેલીકોપ્ટરનું ટેકનિકલ ઇન્સ્પેક્શન કર્યા બાદ જ આગળની ઉડાન અંગે નિર્ણય લેવામાં આવશે. તેમજ પોલીસના જણાવ્યા અનુસાર રાજ્યપાલ પોલીસ ગેસ્ટ હાઉસમાં છે. ટેકનિકલ સમસ્યા દૂર થયા બાદ આગળના પ્રવાસનું આયોજન કરાશે.
બજેટ સત્રમાં હાજરી આપવા માટે ગેરસેન જઇ રહ્યા હતા
આ અંગે મળેલી માહિતી મુજબ, રાજ્યપાલ ટિહરી ગઢવાલથી ગેરસેન હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરી રહ્યા હતા. તેઓ 9 માર્ચથી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં હાજરી આપવા માટે ગેરસેન જઈ રહ્યા હતા. ટેકનિકલ સમસ્યાને કારણે હેલિકોપ્ટરને શ્રીનગર નજીક ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
શનિવારે યુપીના નાયબ મુખ્યમંત્રીના હેલીકોપ્ટરમાં પણ ખરાબી આવી હતી
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે શનિવારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરમાં પણ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. તેમના હેલિકોપ્ટરમાં અચાનક ધુમાડો ભરાઈ જતાં તેનું લખનૌ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તેમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા.