નિલેશ વાઘેલા
પાછલાં કેટલાંક વર્ષોમાં અમેરિકામાં ભણવા જવું એ ભારતીય મધ્યમવર્ગનું સપનું બની ગયું છે. એક જમાનામાં, ચલો દિલ્હી, એવું સૂત્ર પોકારવામાં આવતું. તેનું સ્થાન ચલો અમેરિકાએ લઇ લીધું છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે જાણે અંતિમ ડેસ્ટિનેશન અમેરિકા જ છે! દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ એમબીએ અને રિસર્ચના નામે અમેરિકાના કેમ્પસ તરફ દોટ મૂકતા જોવા મળે છે.
જોકે, 2025ની એડમિશન સિઝનમાં તેમના આ સપના પર જાણે પાણી ફરી વળ્યું છે. અમેરિકન થિંકટેન્ક સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝના અહેવાલ મુજબ, મે 2025થી ઓગસ્ટ 2025 દરમિયાન અમેરિકન દૂતાવાસોએ ભારતીય નાગરિકોને માત્ર 22,149 એફ-વન સ્ટુડન્ટ વિઝા આપ્યા. 2024ના સમાન ગાળામાં આંકડો 58,694 હતો. એટલે કે એક જ વર્ષમાં 62 ટકાનો ધરખમ ઘટાડા થયો છે.
અલબત્ત ચીનના વિદ્યાર્થીઓના વિઝામાં પણ ઘટાડો થયો છે, પણ તે ઘટાડો માત્ર 34 ટકા જેટલો રહ્યો હતો. ચીનને 40,034 વિઝા મળ્યા, જે આંકડો 2024માં 61,075 હતો. મે થી ઓગસ્ટનો સમયગાળો સ્ટુડન્ટ વિઝા માટે સૌથી મહત્ત્વનો હોય છે, કારણ કે સપ્ટેમ્બરમાં અમેરિકાની યુનિવર્સિટીઓનું નવું સત્ર શરૂ થાય છે.
આ સમયે આવો ઘટાડો એટલે હજારો ભારતીય વિદ્યાર્થીઓની એડમિશન, સ્કોલરશિપ અને ભવિષ્યની યોજનાઓ પર સીધી નકારાત્મક અસર! અલબત્ત, આનો અર્થ એ નથી કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સાવ ઓછી થઇ ગઇ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશનના ડેટા મુજબ 2024-25માં 3,63,019 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણતા હતા. ચીન 2,65,919 ના આંકડા સાથે બીજા ક્રમે હતું.બંને દેશ મળીને અમેરિકાના 11.7 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં થી અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.
સમસ્યા એ છે કે ટ્રમ્પના તઘલખી નિર્ણયોને કારણે આવનારા સમયમાં વિદેશી વિદ્યાર્થીઓના આંતરપ્રવાહમાં ઘટાડો થતો રહેશે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે જ જાહેર કર્યું છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હેઠળ 1,75,000 વિઝા એક યા બીજા કારણસર કેન્સલ કરવામાં આવ્યા છે. આજે જે વિઝા ઓછા મળી રહ્યા છે, તે આવતીકાલના એનરોલમેન્ટ, ગ્રેજયુએશન અને શ્રમબળમાં પ્રતિબિંબિત થશે. અહીં સૌથી મોટી ચિંતા ઓપીટી એટલે કે ઓપ્શનલ પ્રોક્ટિકલ ટ્રેનિંગની છે.
અભ્યાસ પૂરો કર્યા બાદ અમેરિકામાં કામ કરવાની તક આપતો આ કાર્યક્રમ ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી મોટું આકર્ષણ હોય છે. 2024-25માં 1,43,740 ભારતીય ગ્રેજયુએટ્સ ઓપીટી હેઠળ કામ કરતા હતા, જે કુલ આંતરરાષ્ટ્રીય સહભાગીઓનો લગભગ અડધો હિસ્સો છે. ખાસ કરીને એસટીઇએમ (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ) ક્ષેત્રમાં ભારતીયોની હાજરી નોંધપાત્ર છે. જો નવા વિદ્યાર્થીઓ જ નહીં આવે, તો આ ઇકોસિસ્ટમ પણ નબળી પડશે.
આ ઘટાડા પાછળનું કારણ શું છે? આ સંદર્ભના આધારભૂત સાધનોની માહિતીને આધારે પ્રકાશિત થનારા અહેવાલો અનુસાર ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિ તરફ આગળ વધી રહ્યું છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે એફ-વન વિઝાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. અગાઉ ડ્યુરેશન ઓફ સ્ટેટસ સિસ્ટમ હતી, જેમાં કોર્સ પૂરો થાય ત્યાં સુધી વિદ્યાર્થી રહી શકતો. હવે તેની જગ્યાએ ચાર વર્ષનો નિશ્ર્ચિત પ્રવેશ સમયગાળો આવ્યો છે. જો ડિગ્રી લાંબી ચાલે તો એક્સ્ટેન્શન માટે અલગ અરજી કરવી પડશે. માત્ર એટલું જ નહીં. ગ્રેજયુએશન બાદ મળતી 60 દિવસનો ગ્રેસ પિરિયડ હવે ઘટાડીને 30 દિવસ કરવામાં આવ્યો છે. કોલેજ કે કોર્સ બદલવાના નિયમો પણ કડક બન્યા છે.
ઓપીટી પ્રોગ્રામની પણ સમીક્ષા ચાલી રહી છે. આ બધા પગલાંનો સીધો સંદેશ એક જ છે, કે અમેરિકા હવે વિદ્યાર્થીઓ માટે પહેલા જેટલું મુક્ત અને આકર્ષક નથી રહ્યું. આ નીતિઓ પાછળનો જાહેર તર્ક રોજગાર અને સુરક્ષા છે, પણ નિષ્ણાતો અનુસાર પરિણામ વિપરીત આવી શકે છે. અમેરિકાની યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફી પર મોટા પ્રમાણમાં આધાર રાખે છે.
ભારતીય વિદ્યાર્થીઓ ટેક કંપનીઓ, રિસર્ચ લેબ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ટેલેન્ટ આપે છે. આ રીતે દરવાજા બંધ કરવાથી અમેરિકાનું જ નુકસાન થશે. ભારત માટે આ એક ચેતવણી પણ છે અને તક પણ. ચેતવણી એ કે આપણે એક જ દેશ પર વધુ પડતી નિર્ભરતા રાખી શકીએ નહીં. તક એ કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, જાપાન જેવા અન્ય દેશ તરફ નજર દોડાવવાની અને આપણા પોતાના આઇઆઇટી, આઇઆઇએમ જેવી સંસ્થાઓને વૈશ્ર્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાની છે.
અંતે, વિઝાનો આંકડો એ માત્ર એક સામાન્ય આંકડો નથી. તે એક પેઢીના સપનાનું માપ છે. જો અમેરિકા ખરેખર ઇનોવેશનનું કેન્દ્ર રહેવા માગતું હોય, તો તેણે ફરીથી વિચારવું પડશે. અને ભારતે પણ પોતાના તેજસ્વી યુવાનો માટે ઘરઆંગણે વિકલ્પો ઊભા કરવા પડશે. નહીંતર આ 62 ટકાનો ઘટાડો માત્ર શરૂઆત સાબિત થશે.
શું માત્ર અમેરિકા પર જ સિક્કો માર્યો છે?
ભારતીય વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે અમેરિકા સિવાયના વિકલ્પો તરફ નજર દોડાવવી પડશે. ભારતીય વિદ્યાર્થીઓના વિઝામાં 62 ટકા ઘટાડા સામે ચીનના વિઝામાં 34 ટકા ઘટાડો થયો હોવા છતાં પણ તેને ભારત કરતાં લગભગ બમણા 40,034 વિઝા મળ્યા છે. આનો અર્થ સ્પષ્ટ છે, અમેરિકા હજુ પણ ચીનના રિસર્ચ અને ટેક ટેલેન્ટને મહત્ત્વ આપી રહ્યું છે, પણ ભારત તરફ વધુ કડકાઈ અથવા ચોખ્ખો દ્વેષ બતાવી રહ્યું છે. અહીં ભૂરાજકારણ ખાસ ભૂમિકા ભજવી રહ્યું છે.
ભારતે હવે વૈકલ્પિક ઉપાય શોધવા જ પડશે. જર્મની, ફ્રાન્સ અને જાપાન જેવા દેશો ઓછી ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહ્યા છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયા હજુ પણ પોસ્ટ સ્ટડી વર્ક માટે સરળ નીતિ ધરાવે છે. એ જ સાથે ભારત સરકારે ગિફ્ટ સિટી, આઇઆઇટીના વિદેશી કેમ્પસ અને સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામને ગ્લોબલ બ્રાન્ડ બનાવવા જોઈએ. આપણા તેજસ્વી યુવાઓના બ્રેન ડ્રેઇનને રોકવા માટે હવે ઘરઆંગણે જ ઇકોસિસ્ટમ બનાવવાનો સમય આવી ગયો છે. નહીંતર આ પ્રતિભા પલાયન બીજા દેશોને ફાયદો કરાવશે.