Mon Jul 27 2026

Logo

અમેરિકાએ ગ્રીન કાર્ડના નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો ગુજરાતીઓ પર શું થશે અસર

Washington DC   2026-05-23 09:17:00
Author: Mayur Patel
Article Image

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં ગુજરાતીઓ, ભારતીયો સહિત અનેક દેશોના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ દરમિયાન ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડનું સપનું જોતા લોકોને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાની સરકારે નવો નિયમ લાગુ કર્યો છે, જે અંતર્ગત ગ્રીન કાર્ડ મેળવવા માટે વિદેશી નાગરિકોએ પહેલા અમેરિકા છોડવું પડશે. આ નિયમ વિદેશી વિદ્યાર્થીઓ, H-1B વીઝા હોલ્ડર્સ અને ભારતીય પ્રવાસીઓને અસર કરશે. આ નિયમથી ભારતીયો પર મોટી અસર થશે. કારણ કે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવામાં ભારતીયો બીજા ક્રમે છે.

શું થયો ફેરફાર

યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસેઝ દ્વારા આ નવા નિયમની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ ગ્રીન કાર્ડ માટે વિદેશી નાગરિકોએ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમેરિકામાં રહેવાની મંજૂરી નહીં આપવામાં આવે. પહેલાં લોકો અમેરિકામાં કામચલાઉ વીઝા પર મેળવીને ગ્રીન કાર્ડ મળે ત્યાં સુધી રોકાઈ શકતા હતા, પરંતુ હવે નહીં શક્ય બને. ગ્રીન કાર્ડ માટે અરજી કરતા લોકોએ અમેરિકા છોડીને તેમના દેશમાં પરત ફરવું પડશે અને ત્યાંથી જ ઈમિગ્રેન્ટ વીઝા માટે અરજી કરવી પડશે.

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય

સૂત્રોએ આ અંગે જણાવ્યું કે, હવેથી જે વિદેશી નાગરિકો અસ્થાયી રીતે અમેરિકામાં છે અને ગ્રીન કાર્ડ ઈચ્છે છે તેમણે અરજી કરતા પહેલાં સ્વદેશ પરત ફરવું પડશે. વિદેશી નાગરિકો અમેરિકાની ઈમિગ્રેશન સિસ્ટમનું યોગ્ય રીતે પાલન કરે તેમ અમે ઈચ્છીએ છીએ. આ ઉપરાંત ઈમિગ્રેશન વિભાગ દ્વારા દરેક મામલાને અલગ-અલગ અને ખૂબ બારીકાઈથી તપાસ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

કોની પર થશે સૌથી વધુ અસર

અમેરિકાના આ નિર્ણયની સૌથી મોટી અસર ત્યાં ભણવા જતાં વિદ્યાર્થીઓ, H-1B વીઝા હોલ્ડર્સ અને ટૂરિસ્ટ પર પડી શકે છે. આ લોકો અમેરિકા છોડ્યા વગર જ તેમની વર્તમાન સ્થિતિને ગ્રીન કાર્ડમાં બદલવાની આશા રાખી રહ્યા હતા. 

 

ઉપરાંત આ નવા નિયમની સૌથી વધુ અસર ભારતીયો પર પડી શકે છે. આંકડા મુજબ, 2024માં  ભારતીય મૂળના 49,700 લોકો ગ્રીન કાર્ડ પ્રોસેસથી અમેરિકાના નાગરિક બન્યા હતા. આ લિસ્ટમાં મેકિસકો બાદ ભારતીયો બીજા ક્રમે હતા. અમેરિકાની નાગરિકતા મેળવનારા લોકોમાં ભારતીયોનો હિસ્સો 6.1 ટકા હતો.

શું છે ગ્રીન કાર્ડ

ગ્રીન કાર્ડને સત્તાવાર રીતે કાયમી નિવાસી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે, તે એક ઓળખ દસ્તાવેજ છે.  કોઈ વ્યક્તિ અમેરિકામાં કાયમી રહેઠાણ ધરાવે છે તેનો આ મહત્વનો પુરાવો છે. ગ્રીન કાર્ડ ધારકોને ઔપચારિક રીતે કાયદેસર કાયમી રહેવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે.