Tue Sep 29 2026

Logo

ઉનાના પાલડીમાં મેઘતાંડવ બાદ માનવસર્જિત હોનારત: 100 ઘરોમાં પૂરના પાણી ઘૂસતાં ભારે તારાજી

2026-09-15 12:21:00
Author: Mayur Patel
ઉનાના પાલડીમાં મેઘતાંડવ બાદ માનવસર્જિત હોનારત: 100 ઘરોમાં પૂરના પાણી ઘૂસતાં ભારે તારાજી

ગીર સોમનાથ: સૌરાષ્ટ્રમાં મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી મન મૂકીને વરસી રહ્યા છે. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામમાં અનરાધાર વરસાદ બાદ ખેતરાઉ પાણી ગામમાં ઘૂસતા ભારે તારાજી સર્જાઈ હતી. અંદાજે 100 જેટલા મકાનો તેનાથી પ્રભાવિત થયા હતા. અનાજ, કરિયાણું અને ઘરવખરી પલળી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નવા ઊંચા બનેલા રોડમાં ભૂંગળાં ન મૂકાતાં ખેતરાઉ પાણીનો નિકાલ રૂંધાયો હોવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનો ગામ લોકોએ આરોપ લગાવ્યો હતો..

મળતી વિગત પ્રમાણે, સામાન્ય રીતે દર વર્ષે ચોમાસા દરમિયાન ઉપરવાસનું ખેતરાઉ પાણી પાલડી ગામ પાસેથી કોઈ પણ નુકસાન કર્યા વગર કુદરતી રીતે દરિયાઈ ખાડીમાં વહી જતું હતું. જોકે, તાજેતરમાં પાલડી, ઓલવાણ અને વાસોજ વચ્ચે નવો માર્ગ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તાની ઊંચાઈ વધારી દેવાઈ હતી પરંતુ પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી ભૂંગળાં  મૂકવામાં આવ્યા નહોતા. પરિણામે, નિકાલનો માર્ગ બંધ થઈ જતાં આ પાણી કુદરતી પ્રકોપને બદલે માનવસર્જિત મુશ્કેલી બનીને ગામ તરફ વળી ગયું હતું.

રાત્રિના સમયે અચાનક પૂરની જેમ ધસમસતાં પાણી ગામમાં ઘૂસી આવતાં લોકો ઊંઘમાંથી જાગીને જીવ બચાવવા દોડધામ કરવા લાગ્યા હતા. જોતજોતામાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને રાતભર જાગવાની ફરજ પડી હતી.

ગામના અગ્રણી કમલેશભાઈ સોલંકીએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર તરફથી કોઈ જ સહાય મળી નથી. આ અંગે મામલતદાર સહિતના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હોવા છતાં લાંબા સમય સુધી કોઈ સ્થળ પર પહોંચ્યું નહોતું.

વધુ જુઓ...