Mon Oct 05 2026

Logo

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ

2026-09-15 12:00:00
Author: Mayur Patel
રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ

રાજકોટઃ અમદાવાદ બાદ રાજકોટમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એક ખાલિસ્તાની ગ્રુપના નામે મોકલવામાં આવેલા ઈ-મેઇલમાં રાજકોટ કોર્ટ પરિસરને ઉડાવી દેવાની સાથે જામનગર સુધી ડ્રોન હુમલા અને ગાંધીનગરના મહાત્મા મંદિરને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. આ ગંભીર સંદેશા બાદ કોર્ટ પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી જવા પામી છે.

મહાત્મા મંદિર ખાતે આઇફોનની બેટરીની મદદથી બ્લાસ્ટ કરવાની ધમકી
 
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ કોર્ટના સત્તાવાર ઈ-મેઇલ એડ્રેસ તેમજ રાજકોટ બાર એસોસિએશનના ઈ-મેઇલ પર આ ધમકીભર્યો સંદેશો મળ્યો હતો. મેઇલમાં રાજકોટ કોર્ટ ઉપરાંત જામનગર વિસ્તાર સુધી ડ્રોન દ્વારા હુમલો કરવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત વાડીનાર પોર્ટ, નયારા રિફાઇનરી અને સિક્કા પોર્ટ જેવા સંવેદનશીલ અને વ્યૂહાત્મક ઔદ્યોગિક સ્થાનોને પણ નિશાન બનાવવાની ચેતવણી અપાઈ છે. એટલું જ નહીં, ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આઇફોનની બેટરીની મદદથી બ્લાસ્ટ કરવાની ધમકી પણ આપવામાં આવી છે.

કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ

ઈ-મેઇલ સામે આવતાં જ કોર્ટ પરિસરમાં અધિકારીઓ અને વકીલો વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

પોલીસે તપાસ શું કરી

ધમકીભર્યો ઈ-મેઇલ ક્યાંથી, કયા આઇપી એડ્રેસ પરથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં સાયબર ક્રાઇમ અને સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. રાજ્યના સંવેદનશીલ સ્થળો પર પણ સુરક્ષા તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.