નવી દિલ્હી: ભારતમાં મોબાઈલ ફોનના વધતા ભાવના પગલે સ્માર્ટ મોબાઈલ ફોન નિર્માતા કંપનીના એસોસિએશને ફોન પર જીએસટી 18 ટકા ઘટાડીને 5 ટકા કરવાની માંગ કરી છે.
GST કાઉન્સિલની આગામી બેઠકમાં માંગ રજૂ કરવા વિનંતી
સ્માર્ટફોન કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા 'ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન' (ICEA)એ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઈલેક્ટ્રોનિક્સ તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને આ પ્રસ્તાવને GST કાઉન્સિલની આગામી બેઠક સમક્ષ રજૂ કરવા વિનંતી કરી છે.
બજેટ સ્માર્ટફોન ખરીદતા ગ્રાહકો પર ભારે બોજ
ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન માં Apple, Xiaomi, Oppo, Vivo, Dixon, Lava અને Bhagwati જેવી સ્થાનિક અને વૈશ્વિક કંપનીઓનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓનું કહેવું છે કે વર્તમાન કરવેરા અને વધતા ખર્ચને કારણે ખાસ કરીને બજેટ સ્માર્ટફોન ખરીદતા ગ્રાહકો પર ભારે બોજ પડી રહ્યો છે.
આ ઉપરાંત મોબાઈલ ફોન મોંઘા થવાનું એક મુખ્ય કારણ મેમરી ચિપના ભાવમાં થયેલો તીવ્ર વધારો માનવામાં આવે છે. ICEA અનુસાર, મોબાઈલ ફોનમાં વપરાતી DRAM અને NAND ફ્લેશ મેમરીના ભાવમાં સપ્ટેમ્બર 2025થી અત્યાર સુધીમાં લગભગ ચાર ગણો વધારો થયો છે.
એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનના ભાવમાં 45 ટકાનો વધારો
AI ડેટા સેન્ટરો માટે મેમરીની વધતી જતી વૈશ્વિક માંગને કારણે ઉપલબ્ધ ઉત્પાદન ક્ષમતા પર દબાણ આવ્યું છે. તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. સંસ્થાએ નોંધ્યું છે કે છેલ્લા એક વર્ષમાં વિવિધ બ્રાન્ડ્સના એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનના ભાવમાં અંદાજે 35 થી 45 ટકાનો વધારો થયો છે. આ સાથે જ, ₹10,000 થી ઓછી કિંમતના સ્માર્ટફોનની ઉપલબ્ધતા ઘટીને 5 ટકાથી પણ ઓછી થઈ ગઈ છે.