જામનગર: ગુજરાતમાં હાલ ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. આ દરમિાયન જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખાસ કરીને જામનગર શહેરમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી, જ્યારે ગ્રામ્ય પંથકમાં સમયસર વરસેલા વરસાદથી મુરઝાતી મોલાતને જીવતદાન મળતાં ખેડૂત આલમમાં ખુશીની લહેર ફરી વળી હતી.
જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત સુધી શાંત રહેલા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાત્રિના 2 થી 4 વાગ્યા દરમિયાન માત્ર બે જ કલાકમાં ગાજવીજ સાથે તોફાની 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ટૂંકા ગાળામાં વરસેલા ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો તેમજ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. રાત્રિના સમયે અચાનક પાણી ભરાતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા 24 કલાકના આંકડા મુજબ શહેરમાં મોસમનો સૌથી વધુ કુલ 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જેનાથી શહેરના જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી.
જોડિયામાં પણ વહેલી સવારે બે ઇંચ વરસાદ
શહેર ઉપરાંત જિલ્લાના જોડિયા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. જોડિયા તાલુકામાં વહેલી સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં ૨ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. વહેલી સવારે પડેલા આ વરસાદથી ગ્રામ્ય રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી થઈ ગયા હતા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
શહેર અને જોડિયા ઉપરાંત સમગ્ર હાલાર પંથકમાં મેઘકૃપા જોવા મળી છે. જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે જામજોધપુર, કાલાવડ, ધ્રોલ અને લાલપુરમાં પણ ધીમી ધારે તેમજ ઝાપટાં સ્વરૂપે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સર્વત્ર થયેલા આ વરસાદથી ચેકડેમો, નદી-નાળાઓમાં પાણી વહેતાં થયાં હતા.
ધરતીપુત્રોમાં આનંદ, મુરઝાતા પાકને નવજીવન
છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ખેંચાતાં કપાસ, મગફળી, તલ અને સોયાબીન જેવા ખરીફ પાકો મુરઝાઈ રહ્યા હતા. પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. જોકે, છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા આ કાચા સોના જેવા વરસાદે ખેતી પાકોને નવું જીવન આપ્યું છે. સમયસર થયેલા આ વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે, જેથી ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સંભાવના ટળી ગઈ છે અને ધરતીપુત્રોએ હાશકારો અનુભવ્યો હતો.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. શહેરમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચ અને કુલ છ ઇંચ વરસાદ ખાબક્યો છે. જોડિયા, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ અને લાલપુરમાં પણ સારો વરસાદ થતા ખેડૂતોના મુરઝાતા પાકને નવું જીવન મળ્યું છે. વિડિયો ગમે તો લાઈક અને શેર કરો!… pic.twitter.com/8sCZEe0i4u
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 15, 2026