Thu Oct 01 2026

Logo

કંડલાના દરિયામાં બે જહાજ વચ્ચેની ટક્કરથી સાલ્વેજ કામગીરી ખોરંભાઈ, જહાજ એક તરફ ઝૂક્યું

2026-09-15 12:26:00
Author: Mumbai Samachar Team
કંડલાના દરિયામાં બે જહાજ વચ્ચેની ટક્કરથી સાલ્વેજ કામગીરી ખોરંભાઈ, જહાજ એક તરફ ઝૂક્યું

Ai Image


ભુજ: પશ્ચિમ કચ્છના મહાબંદર કંડલા નજીક તુણા આઉટ બોયા પાસે બે વિશાળ માલવાહક જહાજો વચ્ચે સર્જાયેલા અકસ્માતને ચાર દિવસ વીતી જવા છતાં પ્રતિકૂળ દરિયાઈ વાતાવરણ અને જોરદાર કરંટના કારણે સાલ્વેજ અને બચાવ કામગીરીમાં ભારે અવરોધો ઊભા થયા છે. પાણી ભરાઈ જવાના કારણે કોલસા ભરેલું જહાજ પાછળના ભાગેથી ઝૂકી જતાં સમુદ્રમાં ઓઈલ લીકેજ અટકાવવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ ૮૬ હજાર મેટ્રિક ટન કોલસો ભરેલા ‘કેમેક્સ ઈમ્પોરીયર’ નામના જહાજની ચોખા ભરેલા અન્ય એક જહાજ સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કેમેક્સ ઈમ્પોરીયરને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું અને તેમાં દરિયાઈ પાણી ઘૂસી જતાં તે પાછળથી નમી રહ્યું છે. જહાજને વધુ ડૂબતું બચાવવા તેમજ ઓઈલ સ્પીલ રોકવા માટે મુંબઈ અને સ્થાનિક નિષ્ણાતોની સંયુક્ત ડાઈવિંગ ટીમ તૈનાત કરવામાં આવી છે.

જોકે, છેલ્લા બે દિવસથી દરિયામાં ઉદ્ભવેલા તોફાની કરંટ અને પ્રતિકૂળ હવામાનને પગલે ડાઈવર્સ અંડરવોટર વીડિયો શૂટિંગ કે નુકસાનીનું સચોટ આકલન કરી શક્યા નથી. આ સ્થિતિને પહોંચી વળવા ખાનગી સાલ્વેજ એજન્સીએ વધુ સમયની માંગણી કરી છે. બીજી તરફ, દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા તકેદારીના ભાગરૂપે પ્રદૂષણ નિયંત્રણ સાધનો સાથે સજ્જ ટગ ‘જેનિયા સ્ટાર’ને ઘટનાસ્થળે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે. શિપિંગ મહાનિર્દેશાલય તથા પોર્ટ પ્રશાસન જહાજના ડ્રાફ્ટ અને સ્થિરતા પર ચોવીસે કલાક નજર રાખી રહ્યા હોવાનું પોર્ટ પ્રશાશનના જન સંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું છે.

ઉત્સવ વૈદ્ય