Tue Oct 06 2026

Logo

કચ્છની રેલ કનેક્ટિવિટી થશે સુપરફાસ્ટ: અશ્વિની વૈષ્ણવ-CM ભૂપેન્દ્ર પટેલ આપશે 4 પ્રોજેક્ટ્સની ભેટ

2026-09-15 12:33:00
Author: Mumbai Samachar Team
કચ્છની રેલ કનેક્ટિવિટી થશે સુપરફાસ્ટ: અશ્વિની વૈષ્ણવ-CM ભૂપેન્દ્ર પટેલ આપશે 4 પ્રોજેક્ટ્સની ભેટ

ભુજઃ સરહદી કચ્છ જિલ્લામાં પ્રવાસીઓની પરિવહન સુવિધા સુદ્રઢ કરવા અને ઔદ્યોગિક માલસામાનની હેરફેરને અત્યાધુનિક વેગ આપવા માટે આજે પશ્ચિમ રેલવે અંતર્ગત ચાર મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોનું લોકાર્પણ સંપન્ન થશે. કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વર્ચ્યુઅલી આ વિકાસ કાર્યો પ્રજાને અર્પણ કરવામાં આવશે.

રેલવે પ્રશાસનના સત્તાવાર સૂત્રો મુજબ, લોકાર્પણ થનારા ચાર મુખ્ય પ્રકલ્પોમાં ગોપાલપુર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અંજાર ખાતે ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજનો પ્રારંભ તેમજ શિવલખા અને ભીમાસર ખાતે નવનિર્મિત ‘ગતિશક્તિ મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલ’નો સમાવેશ થાય છે.  

ગોપાલપુર રેલવે સ્ટેશન શરૂ થવાથી સમગ્ર પંથકની રેલવે કનેક્ટિવિટી અને મુસાફર સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે. સૌથી મોટો લાભ એ થશે કે ભુજ અને અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનોને ગાંધીધામ રેલવે સ્ટેશને એન્જિન રિવર્સલ કરવાની પળોજણમાંથી મુક્તિ મળશે, જેના પરિણામે ટ્રેનોના પરિચાલન સમયમાં મોટો ઘટાડો થશે. સ્ટેશનનું નવું માળખું ભવિષ્યમાં વધનારા પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા સક્ષમ બનશે.

બીજી તરફ, ઐતિહાસિક અંજાર શહેરના રેલવે સ્ટેશને ભુજ-શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનો શુભારંભ થતાં સ્થાનિક નાગરિકોની વર્ષો જૂની માગણી સંતોષાશે. અંજાર અને આસપાસના ગ્રામ્ય પંથકના મુસાફરોને હવે પૂર્વ ભારત અને દેશના પ્રમુખ શહેરો તરફ જવા ગાંધીધામ કે ભુજ સુધી લાંબા થવું નહીં પડે, જેથી સમય અને મુસાફરી ખર્ચ બંનેની બચત થશે. તદુપરાંત, વાગડ પંથકના શિવલખા અને ભીમાસર ખાતે કાર્યરત થયેલા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલથી કચ્છના મીઠા, ખનિજ અને પોર્ટ આધારિત ઉદ્યોગોના માલ પરિવહનને દેશવ્યાપી સ્તરે ઝડપી અને વિશ્વસનીય પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.

(ઉત્સવ વૈદ્ય)