Tue Oct 06 2026

Logo

RTI હેઠળ માહિતી ન આપવી પડી મોંઘી! મુન્દ્રાના બે તલાટીને આયોગે ફટકાર્યો દંડ, પગારમાંથી કપાશે રકમ

2026-09-15 11:18:00
Author: Mumbai Samachar Team
RTI હેઠળ માહિતી ન આપવી પડી મોંઘી! મુન્દ્રાના બે તલાટીને આયોગે ફટકાર્યો દંડ, પગારમાંથી કપાશે રકમ

ભુજઃ માહિતી અધિકાર અધિનિયમ (આરટીઆઈ) હેઠળ અરજદારોને સમયસર માહિતી પૂરી પાડવામાં ઉદાસીનતા દાખવવી મુન્દ્રા તાલુકાના બે પંચાયત મંત્રીઓ-તલાટીને ભારે પડી છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા મુન્દ્રા તાલુકાના નવીનાળ અને ભુજપુર ગ્રામ પંચાયતના તલાટીઓ સામે લાલ આંખ કરી અનુક્રમે રૂ.૧૦,૭૫૦ અને રૂ ૧૬,૦૦૦નો રોકડ દંડ ફટકારવામાં આવતાં પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે.

રાજ્ય માહિતી કમિશનર દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, અરજદારો દ્વારા માંગવામાં આવેલી વિગતો નિયત સમયમર્યાદામાં ન આપીને માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવા બદલ આ શિક્ષાત્મક પગલું ભરવામાં આવ્યું છે.

આયોગે નવીનાળ ગ્રામ પંચાયતના તલાટી એમ.એ. સોઢાને રૂ.૧૦,૭૫૦ તેમજ ભુજપુર જૂથ ગ્રામ પંચાયતના તલાટી ડી.આર. સોઢાને રૂ.૧૬,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. આદેશમાં સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે દંડની આ રકમ પંચાયતના ભંડોળમાંથી નહીં પરંતુ સંબંધિત તલાટીઓએ પોતાના અંગત પગારમાંથી સરકારી તિજોરીમાં ભરપાઈ કરવાની રહેશે. પારદર્શક વહીવટ પ્રત્યે બેદરકારી દાખવતા સરકારી બાબુઓ સામે આયોગના આ કડક વલણથી વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(ઉત્સવ વૈદ્ય)