Thu Oct 01 2026

Logo

2,000 રુપિયા સુધીના UPI પેમેન્ટ પર નહીં લાગે ચાર્જ, RuPay ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેકશન પણ રહેશે ફ્રી, સરકારનું નોટિફિકેશન

2026-09-15 08:25:00
Author: Mumbai Samachar Team
2,000 રુપિયા સુધીના UPI પેમેન્ટ પર નહીં લાગે ચાર્જ, RuPay ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેકશન પણ રહેશે ફ્રી, સરકારનું નોટિફિકેશન

કેન્દ્ર સરકારે બેંકો અને સિસ્ટમ પ્રોવાઇડર્સને 2,000 રૂપિયા સુધીના UPI વ્યવહારો પર કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવવા પર રોક લગાવી છે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007ની કલમ 10A હેઠળ આ કાનૂની પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ દ્વારા 2,000 રૂપિયા સુધી ડેબિટ કાર્ડ અને UPI દ્વારા ચૂકવણી કે પ્રાપ્ત કરનાર કોઈપણ વ્યક્તિ પાસેથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોઈ ચાર્જ વસૂલી શકાશે  નહીં. ડિજિટલ અર્થવ્યવસ્થાને સરળ બનાવી રાખવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે.

સરકારે સોમવારે જારી કર્યુ ગેઝેટ નોટિફિકેશન 

સરકારે યૂપીઆઇ અને રૂપે ડેબિટ કાર્ડ દ્વારા થતા 2000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર ફી વસૂલી રોકવા માટે સોમવારે એક ગેઝેટ નોટિફિકેશન જારી કર્યું છે. નોટિફિકેશન એક આધિકારિક સૂચના છે, આ સાથે જ તે એક કાનૂની દસ્તાવેજ પણ હોય છે. 

ઑગસ્ટમાં સરકારે એક નિશ્ચિત મર્યાદાથી વધુના UPI મર્ચન્ટ વ્યવહારો પર સામાન્ય મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) શરૂ કરવાની સંભાવનાનો સંકેત આપ્યો હતો. આની સાથે જ સરકારે ખાતરી આપી હતી કે સામાન્ય ગ્રાહકો અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ (પર્સન-ટુ-પર્સન) વચ્ચે થતી ચૂકવણીઓ સંપૂર્ણપણે મફત રહેશે.

સરકારે જણાવ્યું હતું કે આ બદલાવને ભારતના ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટકાઉ, સ્પર્ધાત્મક (કોમ્પિટિટિવ) અને દેશની વધતી ડિજિટલ ઇકોનોમીને સપોર્ટ કરવા માટે સક્ષમ બનાવવાના તેના મોટા પ્રયાસના એક ભાગ રૂપે જોવો જોઈએ.

નાણા મંત્રાલયે એ અહેવાલોને પણ સ્પષ્ટપણે ફગાવી દીધા, જેમાં સૂચિત નીતિગત ફેરફારો પાછળ બાહ્ય પ્રભાવોનો હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મંત્રાલયે આવા દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા, જૂઠા અને ભ્રામક ગણાવ્યા હતા. સરકારે સ્પષ્ટ કર્યું કે દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું જ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.