Wed Oct 07 2026

Logo

ભુજના હમીરસર તળાવમાં નવા નીરની આવક, ગણેશ પંડાલો ભીંજાયા, કચ્છમાં હજુ બે દિવસ ભારે વરસાદ

2026-09-15 12:18:00
Author: Mumbai Samachar Team
ભુજના હમીરસર તળાવમાં નવા નીરની આવક, ગણેશ પંડાલો ભીંજાયા, કચ્છમાં હજુ બે દિવસ ભારે વરસાદ

ભુજઃ લાંબા સમયના વિરામ બાદ આખરે કચ્છની ધરા પર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ૧૪ સપ્ટેમ્બરના ગણેશ ચતુર્થીના પાવન પર્વે વહેલી સવારથી શરૂ થયેલી શુકનવંતી મેઘસવારી આજે પણ અવિરત ચાલુ રહેતાં સમગ્ર પંથક તરબતર થઈ ગયો છે. ખાસ કરીને પૂર્વ કચ્છમાં મેઘતાંડવ જેવો માહોલ સર્જાયો હતો, જેમાં સૌથી વધુ અંજાર તાલુકામાં ૧૮૪ મિમી એટલે કે સવા સાત ઈંચ (૭.૨૪ ઈંચ) વરસાદ ખાબકતાં ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત ગાંધીધામમાં ૧૧૭ મિમી (૪.૬૧ ઈંચ) અને ભચાઉમાં ૧૧૨ મિમી (૪.૪૧ ઈંચ) પાણી વરસી જતાં નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં.

જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સાર્વત્રિક મેઘકૃપા જોવા મળી હતી, જેમાં મુન્દ્રામાં ૯૦ મિમી (૩.૫૪ ઈંચ) અને જિલ્લા મથક ભુજમાં ૮૪ મિમી (૩.૩૧ ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સરહદી લખપતમાં ૭૭ મિમી (૩.૦૩ ઈંચ), નખત્રાણા અને વાગડના રાપરમાં સરખા પ્રમાણમાં ૬૦-૬૦ મિમી (૨.૩૬ ઈંચ), અબડાસામાં ૫૫ મિમી (૨.૧૭ ઈંચ) તેમજ દરિયાકાંઠાના માંડવીમાં ૫૨ મિમી (૨.૦૫ ઈંચ) વરસાદ વરસ્યો હતો.

દરમિયાન, બપોર બાદ હવામાનમાં પલટો આવતાં દરિયાકાંઠાના માંડવી શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. માંડવીમાં માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં પાંચ ઈંચથી વધુ અનરાધાર વરસાદ ખાબકતાં સમગ્ર નગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આકાશી આફત જેવા ત્રાટકેલા આ ધોધમાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારો, બજારો અને મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઈ ગઈ હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. અનેક દુકાનો તેમજ ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે હાલાકીમાં મુકાયા હતા અને જનજીવન ક્ષણભર માટે થંભી ગયું હતું.

લાંબા વિરામ બાદ વરસેલા આ કાચા સોના સમાન વરસાદે કચ્છના માથેથી તોળાતા દુષ્કાળના વાદળો હળવા કરી ધરતીપુત્રો અને માલધારીઓમાં નવજીવનનો સંચાર કર્યો છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદી પાણીની આવક થતાં ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાં નવા નીર આવ્યાં છે, તો બીજી તરફ ગ્રામીણ ક્ષેત્રોમાં કેટલાક તળાવો અને ચેકડેમો ઓગણી જતાં ગ્રામજનોમાં ભારે હર્ષોલ્લાસ છવાયો છે. મુરઝાતી મોલાત અને પશુધનના ઘાસચારાની ચિંતા વચ્ચે આ મેઘમહેર સંજીવની સમાન સાબિત થઈ છે.

બીજી તરફ, ગણેશોત્સવના ઉમંગ વચ્ચે ત્રાટકેલા અનરાધાર વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ગણેશ પંડાલો પલળી ગયા હતા, જેથી આયોજકોએ પ્રતિમા, શણગાર અને વિદ્યુત વાયરિંગની સલામતી માટે તાબડતોબ વધારાની વ્યવસ્થા ગોઠવવી પડી હતી. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે પણ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે અને છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાં ચાલુ છે. હવામાન વિભાગે સક્રિય વરસાદી સિસ્ટમને પગલે કચ્છમાં હજુ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

ઉત્સવ વૈદ્ય

વધુ જુઓ...