અમદાવાદમાં યુવકે પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મદદ માટે આવેલા ઉત્તરપ્રદેશના યુવકે પોલીસની નજર ચૂકવી ઈલેક્ટ્રિક રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસની તપાસમાં યુવક માનસિક તણાવમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. મૃતક રાજુ જામનગરમાં નોકરી કરતો હતો રાજુ પોતાના વતન ઉત્તરપ્રદેશ જવા માટે મિત્ર સાથે નીકળ્યો હતો. ટ્રેન કાલુપુર પહોંચી ત્યારે રાજુ મિત્રને જાણ કર્યા વગર ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ત્યાંથી ચાલતો સીધો શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ તેણે પોલીસ કર્મચારીઓને કોઈ વ્યક્તિ તેને હેરાન કરી રહી હોવાની વાત કરી હતી. પોલીસ સ્ટેશનમાં બનેલી આવી ઘટના તપાસ માંગી લે તેવી છે.
પોલીસે ફોન પર રાજુની તેના ભાઈ સાથે વાત કરાવી
રાજુની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે તેના ભાઈ સાથે ફોન પર વાત કરાવી હતી. રાજુ પાસે પૈસા ન હોવાનું જણાવતા તેના ભાઈએ એક દિવસમાં રૂપિયા મોકલી આપવાનું કહ્યું હતું. દરમિયાન રાજુની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી એક પોલીસ કર્મચારીએ પણ રાજુને નાસ્તો કરવા માટે 100 રૂપિયા આપ્યા હતા. જોકે, રાજુ પોલીસ સ્ટેશનમાં હાજર હતો ત્યારે તક જોઈને ઈલેક્ટ્રિક રૂમમાં જતો રહ્યો હતો. કેટલાક સમય સુધી રાજુની ભાળ ન મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ ખબર પડી કે તેણે ત્યાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
રાજુ ચાર દિવસથી તણાવમાં હતો
પોલીસના જણાવ્યા મુજબ રાજુ છેલ્લા ચાર દિવસથી જામનગરમાં ટેન્શનમાં હતો અને માનસિક રીતે તણાવમાં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ રાજુ સાથે યુપી જઈ રહેલો તેનો મિત્ર હાલમાં ફોન ઉપાડતો ન હોવાથી પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.