મુંબઈ: દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી શરૂ થઈ ચુકી છે. હવે આવનારા 11 દિવસો સુધી વિઘ્નહર્તાના આ પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવશે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ શેરીઓ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોશથી ગુંજી રહી છે. ઢોલ-નગારાઓ વચ્ચે શ્રદ્ધાળુઓ ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરી રહ્યા છે. મુંબઈમાં લાલબાગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવનું મુખ્ય કેન્દ્ર બનેલું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર મુંબઈ પહોંચ્યા હતા અને ગણેશ ચતુર્થીના અવસરે પ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.
રાજદૂતએ ગણપતિના ચરણ સ્પર્શ્યા
મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન દરમિયાન સર્જિયો ગોરે ગણપતિ બાપ્પાના ચરણ સ્પર્શ કર્યા હતા. દર્શન કર્યા બાદ તેમણે પોતાનો અનુભવ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 'આ ખરેખર અદ્ભુત છે. અહીં આવીને હું ખૂબ સન્માનિત અનુભવું છું. આમંત્રણ મળવાથી મને ખૂબ આનંદ થયો. મને લાગે છે કે દરેક વ્યક્તિએ અહીં આવીને આ અનુભવ કરવો જોઈએ, કારણ કે આવી જીવંત અને ઊર્જાસભર જગ્યાઓ ખૂબ ઓછી છે. અહીંની ઊર્જા અદ્ભુત છે. જો તમે અહીં હાજર ન હોવ તો તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તેથી જો તમે અહીં આવ્યા નથી, તો ચોક્કસ આવો.'
પોતાના સત્તાવાર હેન્ડલ પર કરેલી એક પોસ્ટમાં અમેરિકી રાજદૂતે કહ્યું હતું કે, 'મુંબઈચા રાજા અને લાલબાગચા રાજાના દર્શન કર્યા બાદ ખૂબ ખુશી થઈ. આ શ્રદ્ધા અને સમુદાયની એક જીવંત અભિવ્યક્તિ છે, જે તમામ લોકોને એકસાથે જોડે છે. ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહેલા તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.'

મુંબઈમાં અંબાણી પરિવારે પણ પોતાના નિવાસસ્થાને ગણેશ પૂજાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે અનેક બોલિવૂડ સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. સલમાન ખાન, વિકી કૌશલ, કેટરીના કૈફ સહિત અનેક સેલિબ્રિટીઓ અંબાણી પરિવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
પીએમ મોદી પીયૂષ ગોયલના ઘરે પહોંચ્યા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમવારે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના નિવાસસ્થાને ગણપતિ દર્શન માટે પહોંચ્યા હતા. પીએમ મોદીએ ભગવાન શ્રી ગણેશ સૌના પર કૃપા જાળવી રાખે તેવી પ્રાર્થના કરી હતી.
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે 'આજે અમારા નિવાસસ્થાને ગણપતિ પૂજનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, તમારું સાનિધ્ય મળવું મારા અને મારા પરિવાર માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ સૌના જીવનમાંથી કષ્ટો દૂર કરે અને તેમના આશીર્વાદ જળવાઈ રહે. આપણો દેશ વિકસિત થવાના માર્ગે ઝડપથી આગળ વધે, એવી જ અમારી પ્રાર્થના છે.'